નડિયાદ: નડિયાદ એસ.ટી ડેપોની મુસાફરો ભરેલી એક બસ ડિઝલ પુરાવવા શહેરના એક ખાનગી પેટ્રોલપંપમાં પહોંચી હતી. જોકે, તે વખતે ડિઝલનો જથ્થો ન હોવા છતાં ચાલકે અડધો કલાક સુધી બસ ત્યાં જ ઉભી રાખી મુસાફરોનો કિંમતી સમય વેડફ્યો હતો. ત્યારે આવી તાનાશાહી ધરાવતાં બસના ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠવા પામી છે. ડિઝલના ભાવ મુદ્દે થયેલાં વિવાદને પગલે એસ.ટી તંત્ર દ્વારા સંચાલિત તમામ બસો છેલ્લાં દોઢેક મહિનાથી ખાનગી પંપમાંથી ડિઝલ પુરાવી રહી છે. જે અંતર્ગત નડિયાદ એસ.ટી ડેપોની બસોને ડિઝલ પુરાવવા માટે બે પંપ ફાળવવામાં આવ્યાં છે.
જે પૈકી ચકલાસી ભાગોળ સ્થિત કુમાર પેટ્રોલપંપમાં બુધવારના રોજ બપોરના સમયે ડિઝલનો સ્ટોક ન હોવાથી બસોની લાઈનો લાગી હતી. એવામાં ડાકોર-નડિયાદ રૂટની મુસાફરો ભરેલી એક બસ પણ આવીને લાઈનમાં ઉભી રહી ગઈ હતી. જોકે, પંપમાં ડિઝલનો સ્ટોક ન હોવાથી આ બસના ચાલક અને કંડક્ટર બસમાંથી ઉતરી પેટ્રોલપંપના કર્મીઓ તેમજ એસ.ટીના સ્ટાફ સાથે ગપાટા મારવા લાગ્યાં હતાં. બીજી બાજુ બસમાં સવાર ત્રીસેક જેટલાં મુસાફરો ગરમીમાં શેકાઈ રહ્યાં હતાં અને બસ ઉપડવાની રાહ જોઈ રહ્યાં હતાં. મુસાફરોને નિયત સ્થળે પહોંચવામાં મોડું થઈ રહ્યું હોવા છતાં એસ.ટી બસના ચાલકે ડિઝલ પુરાવ્યાં બાદ જ બસ ઉપાડવાની હઠ પકડી હતી.
જેને પગલે કેટલાક મુસાફરો ખાનગી વાહનમાં બેસીને આગળની મુસાફરી કરવા મજબુર બન્યાં હતાં. જ્યારે બાકીના મુસાફરો નાછુટકે અડધો કલાક સુધી બસમાં જ ગોંધાઈ રહ્યાં હતાં. મુસાફરોનો અડધો કલાક જેટલો કિંમતી સમય બગાડ્યાં બાદ, ડિઝલ પુરાવ્યાં વિના જ બસ લઈ જવી પડી હતી. ત્યારે એસ.ટી બસના આવા તાનાશાહી ધરાવતાં ચાલક સામે કડક કાર્યવાહી કરવા મુસાફરોની માંગ ઉઠવા પામી છે. ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પમ્પ પર ડિઝલ ન હોવાની બૂમો ઉઠી છે. આમ છતાં એસટી વિભાગ દ્વારા ખાનગી પમ્પનો સહારો લેવામાં આવી રહ્યો છે.
મુસાફરોનો સમય વેડફ્યાં બાદ, ડિઝલ પુરાવ્યાં વિના જ બસ નીકળી ગઈ
ડાકોર-નડિયાદ રૂટની મુસાફરો ભરેલી એસ.ટી બસ બુધવારના રોજ બપોરના સમયે નડિયાદના ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલ એક ખાનગી પંપમાં ડિઝલ પુરાવવા પહોંચી હતી. જોકે, તે વખતે પંપમાં ડિઝલનો સ્ટોક ન હતો. તેમછતાં બસના ચાલકે ડિઝલ પુરાવીને જ આગળ જવાની હઠ ફકડી હતી. જેથી કેટલાક મુસાફરો બસમાંથી ઉતરી, ખાનગી વાહનમાં બેસી જતાં રહ્યાં હતાં. જ્યારે બાકીના મુસાફરોનો અડધો કલાક વેડફ્યાં બાદ…ડિઝલ પુરાવ્યાં વિના જ બસ નીકળી ગઈ હતી.
બસ ચાલકે મુસાફરો સાથે તોછડું વર્તન કર્યું
નડિયાદના ચકલાસી ભાગોળ ખાતે આવેલ કુમાર પેટ્રોલપંપમાં બુધવારના રોજ બપોરના સમયે ડાકોર-નડિયાદ રૂટની મુસાફરો ભરેલી એક બસ ડિઝલ પુરાવવા માટે પહોંચી હતી. જોકે, જે તે વખતે ત્યાં ડિઝલનો સ્ટોક ન હોવાથી મુસાફરોએ બસ ઉપાડવા ચાલકને જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલાં એસ.ટી બસના ચાલકે મુસાફરો સાથે તોછડું વર્તન કર્યું હતું અને ડિઝલ પુરાવ્યાં વિના આ બસ અહીંયાથી ઉપડશે નહીં, તમારે ડેપો મેનેજર કે ડિવિઝનમાં જાણ કરવી હોય તો કરો. અમે કોઈનાથી ડરતાં નથી. જો તમારે મોડું થતું હોય તો બીજા વાહનમાં બેસી જઈ શકો છો તેવા જવાબો આપ્યાં હતાં.