Columns

બંધારણનાં મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી

આ શ્રેણીમાં મેં લખ્યું હતું કે 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બહુમતી ચુકાદો આપ્યો કે બંધારણનાં મૂળભૂત માળખામાં (બેઝીક સ્ટ્રક્ચરમાં) ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમ જ ભારતીય જનસંઘના નેતાઓ એ ચુકાદો માથે લઈને નાચ્યા હતા. ન્યાયમૂર્તિ ખન્નાના ઓવારણા લેવામાં તેમણે કાંઈ બાકી નહોતું રાખ્યું. આનું એક પ્રમાણ લાલકૃષ્ણ અડવાણીનું જ આપું. ગયા અઠવાડિયે એક અંગ્રેજી અખબારે અડવાણીની આત્મકથામાંથી એક હિસ્સો પ્રકાશિત કર્યો છે જેમાં અડવાણી લખે છે કે જે દિવસે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો અધિકાર સંસદ અને સંસદમાં બેસનારા રાજકારણીઓને આપવામાં આવશે એ દિવસે ભારતમાં લોકતંત્રનો અંત આવશે અને સરમુખત્યારશાહીના પગરણ થશે. BJPના ધનગરોએ તેમના નેતાની આત્મકથા વાંચી નથી લાગતી.

આજે અડવાણી ચૂપ છે. એક શબ્દ બોલતા નથી. આ પણ એક ખેલ છે. પોતાને જણાતી પ્રતિકૂળતાઓ વચ્ચે પોતાને જોઈએ એવી અનુકૂળતા પેદા કરવા માટે પ્રતિકૂળતાની તરફેણમાં અને અનુકૂળતાઓના વિરોધમાં બોલવાનું કે જેથી આપણી અનુકૂળતાઓનો વિરોધ કરનારાઓ આપણને બાજુમાં બેસાડે. જયપ્રકાશ નારાયણ અને કેટલાક સમાજવાદીઓ આ રીતે જ ભરમાયા હતા. તેમને એમ લાગ્યું હતું કે આ ભાઈઓ આપણી ભાષા બોલે છે એટલે આપણી સાથે છે અને તેમને પણ આપણી કલ્પનાનું જ રાષ્ટ્ર જોઈએ છે. જો ખરેખર લાલકૃષ્ણ અડવાણીને જયપ્રકાશ નારાયણ અને બીજાની કલ્પનાનું ભારત જોઈતું હોત તો તેમણે ધનગરોનો વિરોધ કર્યો હોત. એને વફાદાર રહ્યા હોત જે ભાષા તેઓ 2 દાયકા પહેલાં બોલતા હતા. અત્યારે લોકશાહીપ્રેમ ક્યાં જતો રહ્યો?

આ આત્મકથા 2006માં પ્રકાશિત થઈ હતી અને 2004માં લોકસભાની ચૂંટણીમાં  BJPનો પરાજય થયો હતો. એ પહેલાં શું થયું હતું ખબર છે? એ પહેલાં 22મી ફેબ્રુઆરી 2000ના રોજ વાજપેયી સરકારે દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ એમ. એન. વેંકટચેલૈયાના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરી હતી જેને ભારતના બંધારણની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું. એ કમિશનનું નામ હતું; ‘ધ નેશનલ કમિશન ટુ રીવ્યુ ધ વર્કિંગ ઓફ ધ કોન્સ્ટીટ્યુશન.’ ઈરાદો બંધારણમાં ફાંકુ પાડવાનો હતો. વળી ન્યાયમૂર્તિ વેંકટચેલૈયા કોઈ મેધાવી પ્રતિભા ધરાવનારા કાયદાવિદ હોવાની કોઈ પ્રતિષ્ઠા નથી ધરાવતા.

વાજપેયી-અડવાણીને એમ કે એક મીડિયોકર ન્યાયમૂર્તિનું બનેલું કમિશન કહેશે કે બંધારણ ખામીગ્રસ્ત છે અને તેમાં પરિવર્તનો કરવા પડે એમ છે. આપણને બંધારણમાં ફેરફાર કરવા માટેનું કારણ મળી રહેશે. તેમના દુર્ભાગ્યે કમિશને કહ્યું કે ભારતનું બંધારણ કોઈ ગંભીર ખામીઓ ધરાવતું નથી અને તેના બેઝીક સ્ટ્રક્ચરને તો હાથ પણ નહીં લગાડવો જોઈએ. બંધારણમાં ફાંકુ પાડવાનો તેમનો ઈરાદો નિષ્ફળ નીવડ્યો. એ પછી ચૂંટણી યોજાઈ,  BJPનો પરાજય થયો, લાલકૃષ્ણ અડવાણીને લાગ્યું કે મંઝિલ હજુ દૂર છે એટલે અનુકૂળતા પેદા કરવા સારુ અનુકૂળતા સામેની પ્રતિકૂળતાની ભાષા બોલવી પડશે. માટે તેમણે તેમની આત્મકથામાં બેઝીક સ્ટ્રક્ચરનો મહિમા કર્યો હતો.

જો એમ ન હોત તો તેમણે તેમના પક્ષના આજના શાસકોને ન્યાયમૂર્તિ વેંકટચેલૈયા કમિશનના અભિપ્રાયની યાદ અપાવી હોત જેની રચના ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની સરકારે પોતે કરી હતી. પણ એક શબ્દ નથી બોલતા. હકીકતમાં કમિશનની રચના જ બંધારણમાં ફાંકુ પાડવા માટે કરી હતી. તેમની કારી ફાવી નહીં એ જુદી વાત છે. આ બધા એક જ વેલાના તુંબડા છે, જે હિંદુરાષ્ટ્ર માટેની અનુકૂળતા પેદા કરવા માટે અલગ અલગ સમયે, અલગ અલગ ચહેરા ધારણ કરીને અલગ અલગ ભાષા બોલે છે. આજે અટલ બિહારી વાજપેયી હોત તો તેઓ પણ ચૂપ રહ્યા હોત. તેમના ગુરુ સાવરકર કહી ગયા છે કે સત્યનિષ્ઠા અને એકનિષ્ઠા સદગુણ નથી, પણ સદગુણવિકૃતિ છે. હિંદુઓએ દુર્ગુણોની ઉપાસના કરીને એક નવી દુર્ગુણસંસ્કૃતિ વિકસાવવી પડશે.

તો વાત એમ છે કે અત્યારે તેમને હિંદુરાષ્ટ્રની નજીક જવાની અનુકૂળતા નજરે પડી રહી છે, પણ એમાં આડખીલીરૂપ છે બંધારણના બેઝીક સ્ટ્રક્ચરને હાથ નહીં લગાડવાનો સર્વોચ્ચ અદાલતનો 1973નો કેશવાનંદ ભારતીવાળો ચુકાદો. એ આડખીલી દૂર કરવી હોય તો સર્વોચ્ચ અદાલતમાં એવા જજોની નિયુક્તિ કરવી જોઈએ જે બહુમતીથી એ ચુકાદો ઉલટાવી આપે. બીજા શબ્દોમાં કહીએ તો અનુકૂળ જજો. ગોદી જજો. બીકાઉ જજો અને આજે એવા જજો એક માગો તો 10 મળી શકે એમ છે. સવાલ છે તેમને, ગોદી જજોને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચાડવા કેવી રીતે? અને બંધારણને વફાદાર, બુદ્ધિમાન અને ખુદ્દાર જજોને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા રોકવા કઈ રીતે? જે લોકો એક સમયે ન્યાયમૂર્તિ ખન્નાને લઈને નાચતા હતા એ લોકો અત્યારે ન્યાયમૂર્તિ ખન્નાને ન્યાયતંત્રની બહાર રાખવાની પેરવી કરી રહ્યા છે.

જો ઇન્દિરા ગાંધી ત્યારે બંધારણ ફગાવીને વિધિવત્ સરમુખત્યાર બન્યાં હોત તો એ સેક્યુલર સરમુખત્યારશાહી હોત અને તેમાં હિન્દુત્વની ખો નીકળી ગઈ હોત એટલે સંઘપરિવાર લોકશાહીની ચિંતા કરતો હતો. તેમને જાણ હતી કે લોકશાહી માર્ગે જ પૂરી બહુમતી સાથે દિલ્હી સુધી પહોંચી શકાશે, જો સરમુખત્યારશાહી આવી તો જિંદગી જેલમાં વિતાવવી પડશે. પાકિસ્તાનમાં, ઈરાકમાં, લિબિયામાં, ઈરાનમાં અને બીજા કેટલાક મુસ્લિમ દેશોમાં આવું જ બન્યું હતું. ત્યાંનાં સરમુખત્યારો સેક્યુલર સરમુખત્યારો હતા. (પાકિસ્તાનના જનરલ ઝિયા આમાં એક માત્ર અપવાદ છે) ખોમેનીઓ અને મૌલવીઓ જેલમાં સડતા હતા. હિન્દુત્વવાદીઓની જેમ એ લોકો પણ ત્યારે રાષ્ટ્રવાદીની સાથે સાથે પાક્કા લોકશાહીવાદી હતા.

એ પછી સત્તાપલટો થયો અને ત્યાં લોકશાહી માર્ગે ઇસ્લામના નામે સરમુખત્યારશાહી આવી. લોકશાહી માટેની તેમની નિસ્બત ખપ પૂરતી હતી. એ પણ કેવી વિડંબના! જગત આખામાં મોટાભાગે સરમુખત્યારો સેક્યુલર, બેવડાં ધોરણ નહીં અપનાવનારા, નિર્દયી હોવા છતાં પ્રામાણિક હતા અને તેની સામે બહુમતી પ્રજાના હિતમાં લોકશાહીનો જાપ જપનારાઓ નથી સેક્યુલર અને નથી લોકશાહી માટે સાચી નિસ્બત ધરાવનારા માટે અમેરિકા અને યુરોપના વિકસિત દેશો મુસ્લિમ દેશોમાં સરમુખત્યારોને પ્રોત્સાહન આપતા હતા અને પ્રજાના કહેવાતા નેતાઓને ઘાસ નહોતા નાખતા. અડવાણી અત્યારે ચૂપ છે અને ઘનગરો સક્રિય છે એનું કારણ સમજાઈ ગયું હશે.

 હવે મોકો મળ્યો છે. 

Most Popular

To Top