અત્યારે તેનું નામ પરિનીથા છે પણ જો તે હિન્દી ફિલ્મમાં સફળ રહી તો ‘થા’નું ‘તા’ થઇ જવું નક્કી છે. પરિણીતા ચોપરાને તેનો વાંધો નહીં જ હોય શકે. એકની સફળતા બીજીની ન થઇ શકે અને એકને મળવાની ફી પણ બીજીને ન મળી શકે. પરિનીથા અત્યાર સુધી તો કન્નડ, તેલુગુ, તમિલ ફિલ્મોનો હિસ્સો છે. તેની પહેલી જ કન્નડ ફિલ્મ ‘પોરકી’ એકદમ સફળ ગયેલી અને તરત જ ચુઝી બની ગયેલી. પોતાને જે ઠીક લાગે તે ફિલ્મો જ લેતી હતી. પરિણામ એ આવ્યું કે તેને સારી સફળ ફિલ્મો મળી અને એવોર્ડ પણ મળવા લાગ્યા. તેની દશ જ વર્ષની કારકિર્દીમાં દર વર્ષે સરેરાશ બે ફિલ્મો રજૂ થઇ છે. હવે તે પુરી તૈયારી સાથે હિન્દી ફિલ્મોમાં આવી છે. અજય દેવગણ સાથેની ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’થી આરંભ કરે છે. જો કે એ ફિલ્મ રજૂ થાય તે પહેલાં તેની ‘હંગામા-૨’ રજૂ થઇ જશે.
પરિનીથાનું નામ પરિનીથા સુભાષ છે. ‘હંગામા-૨’ પ્રિયદર્શનની ફિલ્મ છે કે જેઓ ઉત્તમ કોમેડી ફિલ્મ માટે જાણીતા છે. પરેશ રાવલ જેવા તેમના ફેવરીટ એકટર ઉપરાંત આ વખતે શિલ્પા શેટ્ટી એ રીતે પરદા પર આવી રહી છે કે દર્શકો કહેશે ‘ચુરા કે દિલ મેરા ગોરીયાં ચલી’ પરિનીથાની જોડી મિઝાન જાફરી સાથે છે. આ ફિલ્મ પ્રિયદર્શનની જ 1994ની ફિલ્મ ‘મિજારમ’ની રિમેક છે. આઠ વર્ષ પછી પ્રિયદર્શને ફરી એક હિન્દી ફિલ્મ બનાવી છે જે ડિઝની+હોટસ્ટાર પર 23 જુલાઇએ રજૂ થવાની છે. પરિનીથાને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ આવે છે તેનો વાંધો નથી.
કોમેડી ફિલ્મો થિયેટરથી વધારે ઘરે જોવાતી હોય છે. પરિનીથા તમિલ, તેલુગુ, કન્નડ પછી હિન્દીમાં પ્રવેશી ચુકી છે ને તેને લાગે છે કે ભાષા કોઇ મોટો પ્રશ્ન નથી. જો પાત્રને બરાબર સમજીને અભિનય કરો તે વધારે મહત્વનું છે અને આજના સમયમાં એકથી વધુ ભાષામાં કામ કરવાની તૈયારી હોય તો જ વધારે સફળ થઇ શકાય છે. તે થોડો સમય પહેલાં આયુષ્યમાન ખુરાના સાથે એક વિડીયો સોંગ પણ કરી ચુકી છે. હાવર્ડ કેનેડી સ્કૂલમાંથી હમણાં જ ડિગ્રી મેળવી ચુકેલી પરિનીથા મહત્વાકાંક્ષી જરૂર છે પણ તે માટે ભરપૂર તૈયારી પણ કરે છે. તે કહે છે કે ‘હંગામા-૨’માં પરેશ રાવલ-શિલ્પા શેટ્ટી તો હંગામો કરશે જ પણ અમને ય બાજુ પર કરી શકાશે નહીં.