પારડી: (Pardi) પારડી નજીક ખડકી હાઈવે (Highway) ઉપર સેલવાસથી દારૂ (Alcohol) ભરીને જતી કારને પોલીસે પીછો કરી મહિલા સહિત બે ને પોલીસે (Police) ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર 3 ઈસમને પોલીસે વોન્ટેડ (Wanted) બતાવી કુલ રૂ. 3.5 લાખ નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
- બગવાડાથી પોલીસને જોઈ ભાગવા જતા ખડકી હાઇવે પર દારૂ ભરેલ કાર ડિવાઈડર સાથે અથડાઈ
- ખડકી હાઇવે પર ટ્રાફિક હોવાથી દારૂ ભરેલ કાર ફસાઈ ગઈ હતી
- બુટલેગરે કારને ટ્રાફિકમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા કાર ડિવાઈડર સાથે અથડાઈ
- કારની સીટ તથા ડીકીમાં 354 નંગ દારૂ-વિસ્કી ની બાટલીઓ ભરી હતી
પારડીના બગવાડા ટોલનાકા હાઈવે ઉપર વલસાડ એલસીબી ની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, તે દરમિયાન વાપી તરફથી આવતી કાર નંબર ડીએન 09 ક્યુ 6964 ને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે પૂર ઝડપે હંકારી લઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કર્યો હતો. ત્યારે ખડકી હાઇવે પર ટ્રાફિક હોવાથી દારૂ ભરેલ કાર ફસાઈ ગઈ હતી. બુટલેગરે કારને ટ્રાફિકમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા કાર ડિવાઈડર સાથે અથડાતા કારને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે કોર્ડન કરી કારને ઝડપી પાડી તપાસ કરતા સીટ તથા ડીકી માં ભરેલ દારૂ-વિસ્કી ની બાટલીઓ નંગ 354 જેની કિંમત રૂ. 25,800, મોબાઈલ કાર ની કિંમત રૂ. 3 લાખ સહીત કુલ રૂપિયા 3,35,800 નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો. વલસાડ ના કાર ચાલક અક્ષય નરેન્દ્રસિંહ ઠાકોર અને બાજુમાં બેસેલ મહિલા દમયંતીબેન પ્રકાશભાઈ રાઠોડ બંનેને પોલીસે ઝડપી પાડ્યા હતા.
જયારે આ દારૂનો જથ્થો સેલવાસ નરોલી ખાતેથી સોનલ યોગેશભાઈ પરમાર ના એ સંજય બારમાંથી કાઉન્ટર પર બેસેલ દોલતભાઈએ ભરાવી આપેલ હતો. દારૂનો જથ્થો મંગાવનાર નિકુંજ ઉર્ફે ભૂરીયો પટેલ રહે ખેરગામ નવસારી સહિત ત્રણ ઇસમોને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પારડી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મહિલા અને ચાલકને ઝડપી પાડી અને અન્ય એક મહિલા સહિત ત્રણ ઈસમોને વોન્ટેડ બતાવી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.