પારડી: (Pardi) પારડી ખડકી એપીકલ હોટલ સામે નેશનલ હાઇવે નં ૪૮ (Nationl Highway No. 48) પર પોલીસ ને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન એપ્લાય ફોર રજીસ્ટ્રેશન લખેલી ઓડી કાર (Audi Car) આવતા તેને અટકાવવાનો ઈશારો કરતાં કાર ચાલક કારને પૂરઝડપે હંકારી લઈ ગયો હતો. જેનો વલસાડ એલસીબી (LCB) પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં કાર ચાલકે પારડી દમણીઝાંપાનો બ્રિજ નીચે ઉતારી યુટર્ન મારી ખડકી તરફ ભગાવી હતી. ત્યાંથી મોતીવાડા થઇ દમણ (Daman) તરફ લકઝરીયસ ઓડીકાર હંકારી મૂકી હતી. જેનો પોલીસે સતત પીછો કર્યો હતો. કલસર બે માઈલ પાસે કારને પકડવા જતા ઓડી કારચાલકે પૂરઝડપે કારને ટર્ન મારી ઉદવાડા સ્ટેશન તરફ ભગાવી હતી. કીકરલા પ્રાથમિક શાળાથી ગલીમાં ભાગવા જતાં કાર એક ઝાડ સાથે અથડાઇ હતી.
પોલીસે આ દારૂ ભરેલી ઓડી કારને પકડવા સતત ૧૫ થી ૧૮ કીમી સુધી પીછો કર્યો હતો. કાર ઝાડ સાથે અથડાયા બાદ બુટલેગર કાર મૂકી ભાગવા જતા ક્લીનર પરેશ નવીનચંદ્ર રાઠોડ રહે.નાની દમણ દુનેઠાને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે ચાલક હેમંત મોહન પટેલ રહે. દમણ ભીમપોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. કારમાંથી પોલીસે અલગ-અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલ નંગ 768 કિં.રૂ.1 લાખ 3 હજાર 200નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઓડી કારની કિં.રૂ. 15 લાખ સહિત કુલ રૂ. 16 લાખથી વધુ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો વિરલ રાજેશ પટેલ રહે. દમણ મરવડ અને યશ બાબલો પટેલ રહે. દમણ મોટીવાંકડએ ભરાવી આપ્યો હોવાનું બહાર આવતા 3ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
બગવાડાથી ટેમ્પામાં પ્લાસ્ટિક દાણાની આડમાં લઇ જવાતા 7 લાખના દારૂ સાથે ચાલક ઝડપાયો
પારડી : વલસાડ એલસીબીની ટીમે ટેમ્પામાં રૂ. 12 લાખના પ્લાસ્ટિક દાણાની આડમાં સંતાડી લઈ જવાતો રૂ. 7 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી છે. વલસાડ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે બગવાડા હાઈવે પર મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર પોલીસે ટેમ્પોને રોક્યો હતો. જેમાં તપાસ કરતા પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂ ભરેલા બોક્સ નંગ 117 જેમાં 3828 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ.7 લાખ 2 હજાર પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે દાણાની ગુણી નંગ 400 જેની કિંમત રૂ.12.74 લાખ, ટેમ્પાની કિં. 10 લાખ, મોબાઇલ સહિત કુલ રૂ. 29.76 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ટેમ્પો ચાલક વિજય ભાઈલાલ કોરી (રહે વાપી, છીરી મૂળ રહે. યુપી)ને ઝડપી પાડી આ દારૂનો જથ્થો કોણે ભરાવ્યો હોવાની પૂછપરછ હાથ ધરી હતી. દારૂનો જથ્થો ભરાવનાર રાજુભાઈ આહીર (રહે. વાપી રાતા) અને અન્ય એક ઈસમ સહિત બેને પોલીસે વોન્ટેડ બતાવી, પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.