પંડિત બિરજુ મહારાજ: કથક નૃત્ય જેમનાં જીવન, ને અંગેઅંગનું કથન હતું

કોઇ મહાન કળાકારનું હોવું એ એક મોટી સાંસ્કૃતિક ઘટના હોય છે. એવા કળાકારથી પરંપરાની પુનર્વ્યાખ્યા થવા સાથે આગવા અર્થમાં તેનો વિસ્તાર થાય છે. મહાન કળાકાર માત્ર તાલીમનું પરિણામ નથી હોતા, તેમનામાં એ કળા એક જીવાતુભૂત તત્ત્વ તરીકે ધબકવા માંડે અને પછી જે કાંઇ કરે તે પેલી કળાની દિશાનું જ બની જાય. પંડિત બિરજુ મહારાજ ગયા અને કથકનો એક જીવંત અધ્યાય સમાપ્ત થયો. તેઓ લખનૌના કાલકા – બિંદાદિન કથક ઘરાનાના નૃત્યકાર જ નહોતા, ગાયક પણ હતા, સ્વરકાર પણ હતા અને નૃત્યસંયોજક – કોરિયોગ્રાફર પણ હતા. પંડિત બિરજુ મહારાજનાં અંગેઅંગમાં કથકની નૃત્યમુદ્રા સહજ ઊતરી આવતી. આખા શરીરને તેમણે જાણે નૃત્યમાં ઢાળી દીધું હતું. કથક તેમનો મિજાજ હતો અને એટલે જ અંતાક્ષરી રમતાં રમતાં તેઓ અંતમાં સરકી ગયા. મૃત્યુનો ભય તેમને સ્પર્શી ન શકયો.

કથક તેમના લોહીમાં હતું. પિતા અચ્છન મહારાજ કે જેમનું ખરું નામ જગન્નાથ મહારાજ હતું તેઓ કાલિકા પ્રસાદના ત્રણ પુત્રોમાં એક હતા. બીજા બે તે લચ્છુ મહારાજને શંભુ મહારાજ. અચ્છન મહારાજ તેમના પિતા અને કાકા બિંદાદીન મહારાજ પાસેથી કથક શીખેલા. અચ્છન મહારાજે જ તેમના બન્ને ભાઇને નૃત્ય શીખવેલું. તેઓ પોતે રાયગઢ દરબારના નર્તક હતા અને નૃત – ભાવમાં નિષ્ણાત હતા. પંડિત બિરજુ મહારાજે પિતા અને કાકાની પરંપરા એટલી સહજતા અને ગંભીરતાથી આગળ વધારી કે જેમાં જાણે નૃત્યવંશની ઉત્તમતા ખીલી ઊઠી. બિરજુ મહારાજ આખા શરીર વડે વ્યકત થતા. હાથ, પગ, આંખ, મસ્તકને તેઓ એવા લયથી નિયંત્રિત કરતા કે જોનારા મંત્રમુગ્ધ બની જાય. ભલે ૮૩મા વર્ષે તેમણે વિદાય લીધી, પણ નૃત્યના મંચ પર તેમની ઉંમર નહીં નૃત્ય જ અનુભવાય છે.

નૃત્ય, નાટ્‌ય, ગાયન, વાદન ક્ષેત્રના અનેક લેજેન્ડ ભારતના સાંસ્કૃતિક ક્ષેત્રને ગૌરવથી છલકાવી રહ્યા હતા એવા જ સમયમાં તેમનું હોવું એક અનુપમ સંયોગ હતો. દિલ્હીના કમાની ઓડિટોરિયમનું એ દૃશ્ય – પ્રસંગ ઘણા ચાહકોની આંખ સામે છે. ગિરિજા દેવી ‘રંગ ડારુંગી નંદ કે લાલન પે, રંગ ડારુંગી’ હોરી ગાઇ રહ્યો છે અને પંડિત બિરજુ મહારાજ તેમની અદાકારી વડે એ જ મંચ પર રાધાને તાદૃશ કરે છે. જોનાર ભૂલી જાય છે કે રાધાને પ્રગટ કરતો દેહ એક પુરુષનો છે. નૃત્યત્વમાં પાત્રપ્રવેશ કોને કહેવાય, તેનું આ એક ઉદાહરણ છે. ગિરિજા દેવીએ તરત કહેલું કે હું કોઇ સ્ત્રી નૃત્યાંગનાને પંડિતજીના રાધારૂપ સામે કલ્પી શકતી નથી. પંડિતજીએ ફકત ચાર વર્ષની ઉંમરથી નૃત્ય કરવું શરૂ કરેલું અને તેમના નૃત્યને કોઇ પિતાએ બિરજુનાં અમ્માને કહેલું કે, ‘લડકા બહોત લયદાર હૈ’. પિતા સાથે બહુ નાનપણથી જ તેઓ નૃત્ય કરવા માંડેલા. સ્કૂલમાં હતા ત્યારથી જ તેઓ નોટબુકમાં કથકના બોલ નોંધવા લાગેલા. પંડિતજી ફકત ૯ વર્ષના હતા અને પિતા અચ્છન મહારાજે વિદાય લીધેલી, પણ નૃત્ય તો તેમનામાં ઊતરી ચૂકયું હતું અને બન્ને કાકા – શંભુ મહારાજ ને લચ્છુ મહારાજની તાલીમમાં કથક મ્હોરી ઊઠયું. એ મ્હોરવું એવું હતું કે પંડિત બિરજુ મહારાજ હજુ માત્ર ૨૮ વર્ષના હતા અને તેમને સંગીત નાટક અકાદમી  પુરસ્કારથી નવાજયા હતા.

તેઓ ઠુમરી ગાતા તો સશરીર ગાતા અને એ જ રીતે તેઓનું તબલાવાદન પણ ઉત્તમતા ધારણ કરતું. તેમણે અનેક કળાકારો સાથે મંચસંગત કરી. તેમના ૭૫ મા જન્મ દિનની ઉજવણી વેળા પં. રાજન – સાજન મિશ્રા ઠુમરી ગાતા હતા અને તેઓ તેમના બોલ પર કથક કરતા હતા. પં. સાજન મિશ્રા તેમના જમાઇ હતા. કથકની વાત હોય તો તેઓ નૃત્યવશ થઇ ઊઠતા. આ કારણે જ તેમના શિષ્યોમાં પણ એક ખાસ તત્ત્વ જોવા મળશે. શોવના નારાયણ, શાશ્વતી સેન, નિશા મહાજન, અદિતી મંગલદાસ તેમની પાસેથી ઘણું પામ્યાં છે. પં. બિરજુ મહારાજ દેશ – દુનિયામાં ગયા ત્યાં કથક નૃત્ય શું છે તેની જીવંત વ્યાખ્યા કરી. તેઓ ઠુમરી, દાદરા, ભજન, ગઝલ ગાતાં તો શ્રોતાઓને થતું કે હકીકતે પંડિતજી શામાં વધુ નિષ્ણાત છે? તેમણે સંગીત ભારતીથી નૃત્ય શીખવવું શરૂ કરેલું અને ભારતીય કલાકેન્દ્રથી તેઓ મોટા ગુરુ તરીકે સ્થપાયા. પછી તેઓ કથક કેન્દ્રનાં કેન્દ્ર બન્યા.

આ કેન્દ્ર સંગીત નાટક અકાદમી વડે જ સંચાલિત હતું અને ૧૯૯૮ માં ૬૦ મા વર્ષે ત્યાંથી નિવૃત્ત થયેલા. ત્યાંથી નિવૃત્ત થયા પછી એટલે કે ૬૦ મા વર્ષ પછી તેમણે પોતાની નૃત્યશાળા કલાશ્રમ શરૂ કરેલી. એ નૃત્યશાળામાં ફકત કથક જ નહોતું શીખવાતું, બલ્કે તેની સાથે જ ગુંથાયેલા ગાયન, વાદન, ચિત્રકળા, યોગ, સંસ્કૃત અને નાટક પણ શીખવાતાં.  પંડિત બિરજુ મહારાજ પૂર્ણપણે કથકને સમર્પિત હતા અને તેમણે જે બેલેનાં નૃત્ય સંયોજન કર્યાં તેની કાવ્યરચના પણ તેમની લખેલી હતી. જો તેમનામાં આટલું બધું હોય તો સત્યજીત રે જેવા સિનેમાસર્જક તેમના વિના કેવી રીતે રહી શકે? જયારે ‘શતરંજ કે ખિલાડી’ ફિલ્મ બનાવી ત્યારે બે નૃત્ય દૃશ્યોનાં સંયોજન પંડિતજી પાસે કરાવ્યાં. પછી તો સંજય લીલા ભણશાળીએ ‘દેવદાસ’ માં કાહે છેડ મોહે’નું નૃત્ય સંયોજન પણ તેમની જ પાસે કરાવ્યું. તેઓ ફિલ્મ માટે કામ કરવા માંગતા ન હતા, પણ એક વાર સ્વીકાર કર્યો પછી તો ‘ઉમરાવ જાન’, ‘દેઢ ઇશ્કિયા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘ગદર’ વગેરેમાં અને ‘વિશ્વરૂપમ્’માં પણ કમલ હાસન પણ તેમના નચાવ્યા નાચ્યા.

૧૯૮૬ માં પદ્મવિભૂષણ પછી કાલિદાસ સમ્માન, સોવિયતલેન્ડ નહેરુ એવોર્ડ, સંગમ કલા એવોર્ડ ઉપરાંત લતા મંગેશકર પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર પ્રાપ્ત કરનાર પં. બિરજુ મહારાજને ખૈરાગઢ વિશ્વ વિદ્યાલય અને બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયે માનદ્‌ ડોકટરેટ આપેલું. ભગવાન કૃષ્ણના ભકત એવા પંડિતજી માટે નૃત્ય અને અધ્યાત્મ અલગ અલગ નહોતાં. તેઓ તો માનતા કે કોઇ પણ નૃત્ય અધ્યાત્મ સાથે જોડાયેલું છે. તેમાં અનિવાર્યપણે આત્મા જોડાઇ જાય છે. તેઓ કાયમ યોગ કરતા એટલે ય તેમના શરીરમાં નૃત્ય હંમેશ રહ્યું. દાળ, ભાત, રોટી તેમના કાયમી ખોરાક હતાં. કોઇને નવાઇ લાગે, પણ તેઓ કારના ખૂબ જ શોખીન હતા અને હા, જેકી ચેન અને સિલ્વેસ્ટર સ્ટેલોન તેમના ફેવરીટ એકશન હીરો હતા.  પંડિતજી વીત્યાં ૧૫ વર્ષથી પત્ની વિનાનું જીવન જીવતા હતા. પણ પત્નીની વિદાય પછી તેમને તેમના બે પુત્રો અને ત્રણ પુત્રીએ સાચવ્યા હતા. તેમનાં સંતાનોમાં દીપક મહારાજ, જય કિશન મહારાજ અને મમતા મહારાજ કથક નૃત્યકાર છે. તેઓ પૌત્ર સાથે રમી રહ્યા હતા અને અચાનક જતા રહ્યા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ એ નૃત્યમય પવિત્ર આત્માએ વિદાય લીધી. ૪ ફેબ્રુઆરી ૧૯૩૭ માં જન્મેલા પંડિતજી ૮૪ મા વર્ષે શરીરનો નૃત્યલય પોતાની સાથે લઇને જતા રહ્યા.

Most Popular

To Top