5-G ટેકનોલોજી આફતરૂપ બની રહેશે?

અમેરિકામાં 5-G સિસ્ટમ શરૂ થવાને કારણે હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો છે, જેને કારણે કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકાની સરકાર દ્વારા 5-G ટેલિકોમ સેવા આપતી કંપનીને લાઈસન્સ આપવામાં આવ્યું ત્યારે આવી આફતની કોઈને કલ્પના પણ નહોતી. 5-G ટેકનોલોજીના ફાયદાઓ છે તેમ તેનાં ભયસ્થાનો પણ છે. ભારતમાં 5-G લાવીને કમાણી કરવા થનગની રહેલી કંપનીઓ આપણને તેનાં ભયસ્થાનો કદી બતાડવાની નથી. આપણી સરકાર પણ ઉદ્યોગપતિઓના પ્રભાવમાં આવી જઈને 5-G સ્પેક્ટ્રમનું લિલામ કરવા ઉતાવળી બની છે. 5-G નું સૌથી મોટું ભયસ્થાન એ છે કે તેનું રેડિયેશન ૬૦ ગિગાહર્ટ્ઝ જેવી ભારે ફ્રિક્વન્સી ધરાવતું હોવાથી તે ચામડીનું કેન્સર પેદા કરે તેવી સંભાવના છે.

4-Gનું રેડિયેશન દીવાલની અને આપણા શરીરની આરપાર નીકળી જાય છે, જ્યારે 5-Gનું રેડિયેશન આપણા શરીરમાં શોષાઈ જાય છે, જેને કારણે આપણા શરીરના DNAમાં ફેરફાર થવાની સંભાવના બહુ વધી જાય છે. જો આપણા શરીરમાં હાઈ ફ્રિક્વન્સી રેડિયેશન શોષાઈ જાય તો કેન્સર થવાની સંભાવના વધી જાય છે.5-G ટેક્નોલોજીની મર્યાદા એ છે કે તેમાં હાઈ ફ્રિક્વન્સીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેના તરંગો બહુ ઓછા અંતર સુધી પહોંચે છે. આ કારણે 5-Gના એન્ટેના રોડ પર નીચે લગાવવા પડે છે અને બહુ ઓછા અંતરે લગાવવા પડે છે. રોડ પર દર ૧૦-૧૫ મકાન પછી એક એન્ટેના લગાવવામાં આવશે.

જે ટાવર પર એન્ટેના ફિટ કરવામાં આવશે તેના પર જ કેમેરા પણ ફિટ કરવામાં આવશે. તેને કારણે એન્ટેનામાંથી બહાર પડતું રેડિયેશન રાહદારીના શરીરમાં શોષાઈ જશે. કાનાઝાવા મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ 5-Gના ટાવરમાંથી બહાર નીકળતું રેડિયેશન મનુષ્યની આંખને પણ નુકસાન કરી શકે તેવું ખતરનાક હોય છે. રશિયામાં ઉંદરો પર થયેલા પ્રયોગમાં ખબર પડી હતી કે તેને કારણે હૃદયના ધબકારા વધી જાય છે. માઇક્રોવેવ ઓવનમાં જે ફ્રિક્વન્સીનું રેડિયેશન બહાર પડે છે તે પણ 5-G ની રેન્જમાં હોય છે. માઇક્રોવેવ ઓવન વાપરનારને જેમ કેન્સરનો ખતરો વધી જાય છે તેવું રસ્તે ચાલતા રાહદારી સાથે બની શકે છે.

યુરોપ, અમેરિકા અને ચીનમાં કરોડો લોકો માનવા લાગ્યા છે કે જે દેશોમાં મોબાઈલના 5-G  ટાવરો ઊભા કરવામાં આવ્યા છે ત્યાં કોરોના વાયરસનો ઝડપથી ફેલાવો થયો છે. ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ ગયો કારણ કે વુહાનમાં 5-G  નેટવર્ક શરૂ કરવામાં આવ્યું હતું, એમ તેઓ કહે છે. સોશ્યલ મીડિયામાં એવા વીડિયો પણ વહેતા મૂકવામાં આવ્યા છે, જેમાં ચીનના લોકો ગુસ્સામાં આવીને 5-G  ટાવરો તોડી રહ્યા છે. આ વીડિયો વુહાન શહેરના છે કે કેમ તે નક્કી નથી થતું પણ બ્રિટનમાં લોકો કોરોનાના ડરથી 5-G  ટાવરો બાળવા લાગ્યા છે તે હકીકત છે. લિવરપુલ, બેલફાસ્ટ અને બર્મિંગહામમાં સંખ્યાબંધ 5-G  ટાવરોને આગ ચાંપવામાં આવી હતી.

youtube પર 5-G ના જોખમ બાબતમાં ડાના એશ્લીનો વીડિયો કરોડો દર્શકો સુધી પહોંચી ગયો હતો. તેના જણાવ્યા મુજબ વુહાન શહેરમાં 5-G ના ટાવરો ઊભા કરવામાં આવ્યા તેના થોડા જ સમયમાં કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. એશ્લીના જણાવ્યા મુજબ કોરોના નામનો કોઈ વાયરસ જ દુનિયામાં અસ્તિત્વ ધરાવતો નથી. કોરોનાનાં જે લક્ષણો જણાવવામાં આવે છે તે તો હકીકતમાં 5-G  રેડિયેશનની માનવ શરીર પર થતી ઝેરી અસરોની નિશાનીઓ છે.

સોશ્યલ મીડિયામાં 5-G  બાબતમાં કોન્સિપરસી થિયરી વહેતી મૂકનારા ઇ.સ. ૨૦૦૦માં ફિઝિસિસ્ટ ડૉ. બિલ કરી દ્વારા કરવામાં આવેલા સંશોધનને ટાંકે છે. તેમના અભ્યાસ મુજબ રેડિયો વેવ્સની ફ્રિકવન્સી વધતી જાય તેમ માનવ મગજ પર તેની હાનિકારક અસરો વધતી જાય છે. ડૉ. બિલ કરીએ પોતાનો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો ત્યારે મોબાઇલમાં 2-G નેટવર્ક જ ચાલતું હતું પણ તેમણે આગાહી કરી હતી કે ભવિષ્યમાં આવનારું 5-G  નેટવર્ક હાઇ ફ્રિકવન્સીનો ઉપયોગ કરનારું હોવાથી  ભારે હાનિકારક હશે. ડૉ. બિલ કરીએ ઉંદરો પર પ્રયોગો કરીને આ વાત સાબિત કરી હતી.

5-G ને કારણે નાગરિકોની સ્વતંત્રતા છીનવાઈ જવાનો ખતરો પણ પેદા થયો છે. જો રસ્તા પર દર ૧૦૦ મીટરે હાઈ રિસોલ્યુશન કેમેરા ફિટ કરવામાં આવ્યા હોય અને તેનું રેકોર્ડિંગ સરકારના સુપર કોમ્પ્યુટરમાં સચવાતું હોય તો સરકાર દેશના તમામ નાગરિકો ઉપર જાસૂસી કરી શકશે. તેમાં ગુનેગારો ઉપરાંત પત્રકારો અને રાજકારણીઓનો પણ સમાવેશ થઈ જશે. જો સરકાર કોઈ વિપક્ષી રાજકારણીની હિલચાલ પર નજર રાખવા માંગતી હશે તો તેના બંગલાની બહાર ગોઠવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવશે. તે રાજકારણીને કોણ મળવા આવ્યું? ક્યારે આવ્યું? તેની માહિતી ફેસ રેકગનાઈઝેશન ટેકનિક વડે સરકારને મળી જશે. તેવી રીતે કોઈ પત્રકાર સરકારની વિરુદ્ધમાં લખતો હશે તો તેની જાસૂસી માટે પણ 5-G નો ઉપયોગ કરવામાં આવશે. ભારતના ટોચના સાત વિજ્ઞાનીઓએ ભારત સરકારને અને સંસદસભ્યોને પત્ર લખીને માગણી કરી છે કે 5-G ની ટેકનોલોજી સંપૂર્ણ સલામત છે, તેવી ખાતરી ન થાય ત્યાં સુધી તેના સ્પેક્ટ્રમનું લિલામ કરવાની ઉતાવળ કરવી નહીં. આ વિજ્ઞાનીઓમાં ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, IIT, JNU, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. યુરોપના ૨૪૪ વિજ્ઞાનીઓ દ્વારા પણ તેમની સરકારોને અપીલ કરવામાં આવી છે કે 5-G ની ટેક્નોલોજી જ્યાં સુધી સલામત સાબિત ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવા દેવો નહીં. સરકારે પણ 5-G ના અમલ બાબતમાં ઉતાવળ કરવી જોઈએ નહીં.

Most Popular

To Top