Editorial

પાકિસ્તાનને કંગાળ થતુ કોઇ બચાવી શકે તેમ નથી

ગુજરાતીઓમાં એક કહેવત પ્રચલિત છે કે ‘હાથે કરેલા હૈયે વાગે’ તેવી જ રીતે હિન્દીભાષામાં કહેવત છે કે ‘જો બોયેગા વહી પાયેગા’ આ વાતથી હિન્દુસ્તાનનું નાનામાં નાનું બાળક પણ વાકેફ છે પરંતુ પાકિસ્તાનમાં 1947થી સત્તા ભોગવી રહેલા નેતાઓ આ વાત સદંતર ભૂલી ગયા. રાજકીય રોટલો શેકવા માટે ફક્ત અને ફક્ત કાશ્મીરનો મુદ્દો તેમના નેતાઓ ઉપાડતા રહ્યાં. વિકાસની વાત એરણે મૂકીને માત્રને માત્ર હિન્દુસ્તાન ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ હુમલા કરવાના વિચારો અને કાવતરામાં તેમના દિવસો પસાર કરતાં ગયાં.

તેમનું માનવું એવુ હતું કે, ભારતમાં રહેતા અહીંનું જ ખાતા અને પાકિસ્તાન તરફ મોઢું કરીને ઉંઘતા અને ઉઠતા કેટલાક ગદ્દારોની મદદથી તેઓ ભારતને નીચુ દેખાડવામાં સફળ થશે. કાશમીર પર કબજો કરી લેશે. પરંતુ કાશમીર તો તેમના માટે એક સપનું જ રહી ગયું પરંતુ પાકિસ્તાનને તેમણે કટોરો લઇને ભીખ માંગતું કરી દીધું. પાકિસ્તાનના રાજકીય નેતાઓ તો વર્ષોથી અમેરિકા અને ગલ્ફ કન્ટ્રી પાસે કટોરો લઇને શરમસંકોચ વગર વર્ષોથી ઊભા રહેતા હતા પરંતુ તેમના પાપે હવે પાકિસ્તાનની પ્રજા પણ કટોરો લઇને ફરવા માટે મજબૂર થઇ ગઇ છે.

પાકિસ્તાનની સૌથી કફોડી હાલત હાલ એટલા માટે છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ નામની આંતર રાષ્ટ્રીય સંસ્થાએ પાકિસ્તાનને લોન આપવાનો ઈનકાર કરી દીધો છે. આ પહેલા IMFએ પાકિસ્તાન પાસે બજેટ અંગે વધારાની માહિતી માંગી હતી. પાકિસ્તાનને 10 અબજ ડોલરની વિદેશી લોનની તાત્કાલિક જરૂર છે. IMFના આ પગલાને કારણે ત્યાંના સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવો પણ ભારે પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહબાઝ શરીફ સરકારે સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકાનો ઘટાડો કરવાની યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે.

આવી સ્થિતિમાં IMF પણ પાકિસ્તાનથી દૂર થઈ ગયું છે, જ્યારે ત્યાંની આર્થિક કટોકટી ખરાબથી ખરાબ થઈ રહી છે. IMFએ પણ મુશ્કેલીમાં મુકાયેલા દેશની મદદ માટે બચાવ ટીમ મોકલવાનો ઈનકાર કર્યો છે. શહબાઝ શરીફ સરકારે IMFને સમીક્ષા પૂર્ણ કરવા માટે એક ટીમ મોકલવા વિનંતી કરી હતી. એવી અટકળો હતી કે IMF પાકિસ્તાનને આર્થિક કટોકટીનો સામનો કરવા માટે નાણાકીય સહાય આપી શકે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પાકિસ્તાનની વિનંતીને ઠુકરાવી દીધી અને તેને લોન આપવાનો ઈનકાર કર્યો. પાકિસ્તાન બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીનો સામનો કરી રહ્યું છે.

રોઈટર્સના જણાવ્યા અનુસાર, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)ની વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને $4.343 બિલિયન થઈ ગઈ છે. પાકિસ્તાને 2019માં $6 બિલિયનનું બેલઆઉટ મેળવ્યું હતું, જે વર્ષની શરૂઆતમાં $1 બિલિયન હતું. હાલમાં પાકિસ્તાનમાં ગેસના ભાવમાં 70 અને વીજળીના ભાવમાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને બે ફટકા પડયા છે. એક ફટકો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ માર્યો છે અને બીજો ફટકો અમેરિકાના શાસક પક્ષે માર્યો છે. આઇએમએફના ફટકાની સીધી અસર પાકિસ્તાનની આર્થિક હાલત પર થવાની છે તો અમેરિકાએ કરેલી મહિલા રાજકારણી ઇલહાન ઓમરની હકાલપટ્ટીના પડછાયા લાંબે સુધી ખેંચવાના છે. પાકિસ્તાનના અમેરિકામાં વસતા સમર્થકો માટે ચિંતાનો વિષય એ છે કે તેમની મજબૂત રજૂઆત કરનારની સંખ્યા ધટી રહી છે.

ઇલહાન ઓમરનો પાકિસ્તાન પ્રેમ પણ બહુ જાણીતો છે. યુએસ કોંગ્રેસ પેનલમાંથી એની હકાલપટ્ટી કરીને ડેમોક્રેટીક પાર્ટીએ પોતાના પક્ષનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. ઇલહાન ઓમરને વિદેશી બાબતોની વગદાર પેનલમાંથી દૂર કરવામાં આવ્યાં છે. તેનું પ્રમુખ કારણ છે, યહૂદીઓ વિરૂદ્ધ તેણે કરેલી ધર્માંધ ટિપ્પણીઓ. તેની હકાલપટ્ટી માટે વોટીંગ કરાયું હતું. બે મહિના પહેલાં પાકિસ્તાનની મુલાકાતે ગયેલાં ઇલહાન ઓમરે પીઓકેની પણ મુલાકાત લીધી હતી.  અમેરિકાની કોંગ્રેસમાં ઠરાવ લાવવાની કોશિશ કરતાં એમણે કહ્યું હતું કે પીઓકેમાં માનવઅધિકારનો ભંગ થઇ રહ્યો છે. આ ઠરાવ જોકે ફ્લોર પર પણ લાવી શકાયો નહોતો. ભારત વિરૂધ્ધ ઝેર ઓકવામાં ઇલહાન ઓમરે પાછા વળીને જોયું નથી.

પાકિસ્તાનને હવે પાકિસ્તાન કહેવાની જરૂર નથી. પાકિસ્તાનને હવે કંગાલિસ્તાન કહેવાની જરૂર છે. લોકો રોજીંદી ચીજો પૈસા આપીને પણ ખરીદી શકતા નથી. સ્વભાવે આક્રમક પાકિસ્તાનીઓ આંતરવિગ્રિહ તરફ આગળ વધી રહ્યા છે. પાકિસ્તાનના લોકોની ધીરજ તૂટી છે. અહીંના સ્કોલરો ભારતની પ્રશંસા કરી રહ્યા છે. ભારતનું પ્રજાતરફી બજેટ પાકિસ્તાનમાં વાઇરલ થયું છે. પીઓકે પચાવી લેનાર પાકિસ્તાન પાસે હવે પંદર દિવસ ચાલે એટલું હુંડિયામણ બચ્યું છે. આયાતી ચીજો પર ચાલતાં કારખાનાં પંદર દિવસ પછી બંધ થઇ જશે.

પાકિસ્તાનમાં જીવનજરૂરી ચીજો લઇને જતી ટ્રકોને રસ્તામાં લૂંટી લેવામાં આવે છે. અડધુંઅડધ પાકિસ્તાન વિજળીના અભાવે રીતસર અંધારામાં ડૂબેલું છે. જો કે, આ પરિસ્થિતિ પાકિસ્તાને જાતે જ ઊભી કરી છે. ભારત અને પાકિસ્તાન બંને દેશ એક સાથે જ આઝાદ થયા હતાં. વસ્તીને ધ્યાનમાં રાખીએ તો ઓછી વસ્તીના કારણે પાકિસતાનન પાસે ભારત કરતા ઝડપી વિકાસની તક હતી. પરંતુ પાકિસ્તાને તેનું સંપૂર્ણ ધ્યાન વિકાસને બદલે આતંકવાદીઓની ફેક્ટરી ઊભી કરવામાં અને પડોશી દેશોના આંતરિક મામલાઓમાં ચંચૂપાત કરવામાં જ આપ્યું. એટલે પાકિસ્તાનને હવે કંગાળ થતું કોઇ બચાવી શકે તેમ નથી.

Most Popular

To Top