Top News

More Posts

   The Latest

Most Popular

ઉતર પ્રદેશની રાજધાની લખનૌમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલનો પહેલો જથ્થો આજે તા. 18 ઓક્ટોબરના રોજ લોન્ચ થયો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલી ઝંડી આપી છે. જોકે આ કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે “ઓપરેશન સિંદૂર ફક્ત ટ્રેલર હતું, આખું પાકિસ્તાન હવે બ્રહ્મોસની રેન્જમાં છે.”

આજનો દિવસ ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક બન્યો છે. લખનૌમાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાંથી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલોનો પહેલો જથ્થો સત્તાવાર રીતે દેશને સમર્પિત કરવામાં આવ્યો છે. સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી હતી. આ યુનિટનો શિલાન્યાસ ડિસેમ્બર 2021માં થયો હતો અને તેનું ઔપચારિક ઉદ્ઘાટન તા. 11 મે 2025ના રોજ થયું હતું.

આખું પાકિસ્તાન હવે આપણી રેન્જમાં છે
આ યુનિટ દર વર્ષે 80થી 100 બ્રહ્મોસ મિસાઇલોનું ઉત્પાદન કરશે. લખનૌમાં આવેલ આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના છ મહત્વપૂર્ણ નોડ્સમાંનો એક છે. રાજનાથ સિંહે જણાવ્યું કે બ્રહ્મોસ હવે ફક્ત મિસાઇલ નથી પરંતુ ભારતની આત્મનિર્ભર લશ્કરી શક્તિનું પ્રતીક છે. તેમણે વધુમાં કહ્યું કે “ઓપરેશન સિંદૂર તો ફક્ત એક નાનું ઉદાહરણ હતું. આખું પાકિસ્તાન હવે બ્રહ્મોસની રેન્જમાં છે.”

બ્રહ્મોસ મિસાઇલ અવાજની ગતિ કરતાં પણ ત્રણ ગણું ઝડપી છે અને તેને જમીન, પાણી તેમજ હવામાંથી લોન્ચ કરી શકાય છે. તેની રેન્જ 290 થી 800 કિલોમીટર સુધી વિસ્તરી છે. તે પરંપરાગત તેમજ પરમાણુ હથિયારો વહન કરી શકે છે. તેની સ્ટેલ્થ ટેકનોલોજી તેને દુશ્મનના રડારથી બચવામાં મદદ કરે છે. જેના કારણે તે વિશ્વની સૌથી અદ્યતન મિસાઇલોમાંની એક ગણાય છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે લખનૌ હવે ફક્ત સંસ્કૃતિનું જ નહીં પરંતુ ટેકનોલોજીનું પણ શહેર બની ગયું છે. બ્રહ્મોસ યુનિટના કારણે હજારો યુવાનોને રોજગાર મળ્યો છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં મોટો ફાયદો થયો છે.

સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ લખનૌથી પ્રથમ બ્રહ્મોસ મિસાઇલ રવાના થવી એ ભારતના સંરક્ષણ ઇતિહાસમાં મહત્વપૂર્ણ વળાંક છે. હવે ભારત ફક્ત પોતાની સુરક્ષા માટે જ નહીં પરંતુ અન્ય મિત્ર દેશોની રક્ષા ક્ષમતામાં યોગદાન આપવા સક્ષમ બન્યું છે.

To Top