Top News

More Posts

   The Latest

Most Popular

માઁ ગાયત્રી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ 5 કિમી દૂર જઈ અભ્યાસ કરવા મજબુર

સ્થળાંતર કરાયેલી શાળામાં સરીસૃપો નીકળતા હોવાથી વિદ્યાર્થીઓના જીવને જોખમ

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરા શહેરમાં સ્માર્ટ શાળાની વાતો વચ્ચે માણેજાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની માઁ ગાયત્રી પ્રાથમિક શાળાની ઈમારત જર્જરિત થતા બંધ કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓને અન્યત્ર સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યાં સરીસૃપો નીકળતા અને સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની માઁ ગાયત્રી પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળાની ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ છે અને છતમાંથી પાણી ટપકવાની મુશ્કેલી સર્જાતા નિર્ભયતા શાખા દ્વારા નોટિસ અપાતા શાળા છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. જેને કારણે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પાંચ કિલોમીટર દૂર પ્રતાપનગર વિસ્તારમાં એસઆરપી કોલોની પાસે આવેલી શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણ લેવા માટે જવું પડે છે. આ શાળામાં સાપ નીકળવાની સમસ્યા હોવાથી વિદ્યાર્થીઓના જીવને જોખમ ઊભું થયું છે, સાથે જ પીવાના પાણીની સમસ્યાન અને ગંદકીથી ભરેલા શૌચાલયની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે માણેજા વિસ્તારમાં આવેલી માઁ ગાયત્રી પ્રાથમિક શાળા છેલ્લા એક વર્ષથી બંધ હોવા છતાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ શાળાની રીપેરીંગની કામગીરી કે નવી ઈમારત બનાવવાની કોઈ હિલચાલ કરવામાં આવી નથી. જેના કારણે આ જે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ મુશ્કેલીનો ભોગ બનવા પામ્યા છે.

ગ્રાન્ટના અભાવે ન્યુ.સમાની પૂ.રંગ અવધૂત પ્રા.શાળાના ખસ્તા હાલ :

ન્યુ.સમા વિસ્તારમાં આવેલી શિક્ષણ સમિતિ સંચાલિત પૂજ્ય રંગ અવધૂત પ્રાથમિક શાળા તેમજ રંગ અવધૂત બાલવાડીના ખસ્તાહાલ થયા છે. સ્માર્ટ આંગણવાડી અને સ્માર્ટ પ્રાથમિક શાળાઓની મોટી મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા કઈ અલગ જ જોવા મળી છે. સ્થિતિ શિક્ષણની અવગણના છે. હાલના નેતા વિકાસના દાવાઓ કરી રહ્યા છે. પરંતુ શાળા બંધ હાલતમાં છે. ગ્રાન્ટના અભાવે આશરે 50 વર્ષજૂની શાળા બંધ થઈ છે. જ્યારે વિદ્યાર્થીઓને પણ બસ મારફતે છાણી જકાત નાકા આવેલી અન્ય શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે,તો બીજી તરફ વાલીઓએ પણ ઘણી વખત બસ કલાકો સુધી મોડી આવતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા અને વહેલી તકે આ શાળા પુનઃ કાર્યરત થાય તેવી માંગણી પણ કરી હતી.

To Top