Top News

More Posts

   The Latest

Most Popular


નવા વર્ષની પાર્ટીઓ પહેલા દારૂ માફિયાઓ પર પોલીસ ત્રાટકી

બે લક્ઝરી ગાડીઓ અને મોબાઈલ ફોન જપ્ત

ચાર આરોપીઓની ધરપકડ, મુખ્ય સપ્લાયર વોન્ટેડ

(પ્રતિનિધિ) ગોધરા, તા. 18

૩૧મી ડિસેમ્બર એટલે કે ‘થર્ટી ફર્સ્ટ’ની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં દારૂની રેલમછેલ કરવા મથતા બુટલેગરો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક્શનમાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રિછવાણી ગામે નવા વર્ષની પાર્ટીઓ માટે સંગ્રહિત કરાયેલો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડી SMCએ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

બાતમીના આધારે રિછવાણી ગામે દરોડો

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે રિછવાણી ગામે બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી નાનાભાઈ વણકર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યો છે. આ બાતમીને આધારે SMCની ટીમે રિછવાણી ગામે દરોડો પાડ્યો હતો.

2027 બોટલો વિદેશી દારૂ-બીયર જપ્ત

દરોડા દરમિયાન બાબુ ચોટલીના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 2027 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,68,600 જેટલી થાય છે. દારૂનો જથ્થો નવા વર્ષની ઉજવણી માટે સપ્લાય થવાનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે દારૂના જથ્થા સાથે ગુનામાં વપરાયેલી બે ગાડીઓ પણ જપ્ત કરી છે. જેમાં સફેદ રંગની મહિન્દ્રા મેક્ષ કાર (રજી. નં. GJ-20-A-6397), સફેદ રંગની બોલેરો પ્લસ (રજી. નં. GJ-07-DB-5204),bબન્ને ગાડીઓની અંદાજિત કિંમત રૂ. 10 લાખ આંકવામાં આવી છે. ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ. 70 હજાર કિંમતના 5 મોબાઈલ ફોન અને દારૂ ઢાંકવા માટે વપરાતું કાળું કપડું પણ કબજે લેવામાં આવ્યું છે. કુલ મળીને રૂ. 16,38,600નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ચાર આરોપીઓ ઝડપાયા, એક વોન્ટેડ

પોલીસે સ્થળ પરથી બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી વણકર, સુનીલ બાબુભાઈ પરમાર, બોલેરો ગાડીના ડ્રાઈવર અક્ષયકુમાર બાબુભાઈ રાઠવા, દારૂની પેટીઓ ઉતારનાર મજૂર રાજેશભાઈ માનાભાઈ વણકરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠેવાડા ગામે રહેતા અશોકભાઈ પ્રતાપસિંહ બારીયાએ મોકલ્યો હતો. જેથી પોલીસે અશોક બારીયાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દામવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

આ સમગ્ર કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. બળવંતસિંહ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ચૌધરીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. દામવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

To Top