Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ દિવાળી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે વતન જવા માંગતા લોકો માટે પશ્ચિમ રેલવે અને ગુજરાત એસટી વિભાગે સ્પેશિયલ આયોજન કર્યું છે. સુરતથી યુપી, બિહાર, રાજસ્થાન જવા માંગતા પરપ્રાંતિયો માટે પશ્ચિમ રેલવે દ્વારા વધારાની 106 ફેસ્ટિવલ ટ્રેનની 2315 ટ્રીપનું આયોજન કરાયું છે. જેથી પરપ્રાંતિયોને ટ્રેનોમાં જગ્યા મળી રહે. ગયા વર્ષે વધારાની ટ્રેનો દોડાવવા છતાં રેલવે સ્ટેશન પર ભીડને લીધે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. તેના પગલે રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવાયો છે.

દિવાળી અને છઠ પર પોતાના વતન જવા માટે લોકોની ભીડ ઉધના રેલવે સ્ટેશન પર 18 ઓક્ટોબરથી એકત્ર થવાનું શરૂ થઈ જશે. દરરોજ લગભગ 10 હજાર મુસાફરો UP-બિહારની સ્પેશિયલ ટ્રેન પકડશે. ગત વર્ષે ભારે ભીડના કારણે એક યાત્રીનું મોત નીપજ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને આ વખતે ખાસ તકેદારી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તમામ મુસાફરોને ટ્રેન પકડવાની તક મળે દિવાળી અને છઠ પર યાત્રીઓ હજારોની સંખ્યામાં પ્લેટફોર્મ ન આવી જાય તેમને પહોંચતા અટકાવવા માટે કામગીરી કરવામા આવી છે.

રેલવે સ્ટેશ પર 24 કલાક બંદોબસ્ત
દિવાળી અને છઠને લઇ ઉધના રેલવે સ્ટેશન પર 90 RPSF,40 GRP જવાનોની ટીમ અને નોડલ ઓફિસર સહિત મેડિકલ ટીમ તૈનાત રહેશે. ઉધના રેલવે સ્ટેશન પર ભીડને ધ્યાનમાં રાખી મેડિકલ ટીમ 24 કલાક ઉપલબ્ધ રહેશે. ભારે ભીડને જોતા રેલવે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે ઉધના સ્ટેશન પર રેલવે દ્વારા મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ખાસ તહેનાત કરવામાં આવશે. ભારે ભીડમાં જો કોઈ મુસાફરને તબીબી સહાયની જરૂર પડે તો તેને તાત્કાલિક સારવાર મળી શકે છે, અથવા નજીકની હોસ્પિટલમાં મોકલી શકાય છે.

એસટી વધારાની બસો દોડાવશે
આ તરફ પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી આગામી દિવાળીના તહેવારોમાં 8340 બસની એક્સ્ટ્રા ટ્રીપો દોડાવશે તેનાથી રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને એસ.ટીની સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશે, તેવું વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

એસટી દ્વારા દૈનિક 8000થી વધુ બસો, 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોંચાડવાની બસ સેવા પૂરી પાડે છે. દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ 8340 બસની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી 2200 બસ, દક્ષિણ- મધ્ય ગુજરાતમાંથી 2900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2151 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1090 મળીને કુલ 8340 બસની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના 3.75 લાખ જેટલા મુસાફરોને આ બસસેવાઓનો લાભ મળશે. દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 18%નો વધારો જોવા મળી રહ્યો છે.

To Top