Top News

More Posts

   The Latest

Most Popular

VMCની સંવેદનહીનતા: ભંગાર લાઇનના કારણે પાણીની નદીઓ વહી, સ્થાનિકોએ દુ:ખ ઠાલવ્યું

વડોદરા :;શહેરના છાણી વિસ્તારમાં આવેલ છાણી જકાતનાકા ગાર્ડન નજીક પીવાના પાણીની મુખ્ય વિતરણ લાઈનમાં ગંભીર ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીનો જબરદસ્ત વેડફાટ થયો છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે અહીં જાહેર માર્ગો પર પીવાના પાણીની રેલમછેલ જોવા મળતા વડોદરા મહાનગરપાલિકા ની પાણી પુરવઠા શાખાની કામગીરી અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, છાણી જકાતનાકા પાસે ગાર્ડનની નજીકથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ પડ્યું છે. આ ભંગાણને કારણે અત્યંત પ્રેશર સાથે લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી સતત વહી રહ્યું હતું. જેના પરિણામે સમગ્ર જાહેર માર્ગ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આટલા મોટા પાયે પાણીનો વેડફાટ થવા છતાં વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ તંત્રને આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં પરિસ્થિતિ યથાવત રહી હતી.

એક સ્થાનિકે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, અને અહીં લાખો-કરોડો ગેલન પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ પગલાં લેતા નથી. શું આ જ વડોદરા મહાનગરપાલિકાનું સંચાલન છે?”
​આ ઘટનાથી વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી છતી થાય છે. નાગરિકોના મતે, આ રીતે પાણીનો બેફામ વેડફાટ પર્યાવરણ અને જાહેર સંપત્તિ બંને માટે નુકસાનકારક છે.
સમગ્ર મામલે સ્થાનિકોએ પોતાની વેદના ઠાલવીને તંત્રનું ધ્યાન દોર્યું છે. હવે જોવાનું એ રહે છે કે, વડોદરા મહાનગરપાલિકા અને પાણી પુરવઠા શાખા આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને કેટલા સમયમાં આ ભંગાણનું સમારકામ કરીને પાણીના વેડફાટને અટકાવી, નાગરિકોને રાહત આપે છે.
મહાનગરપાલિકા સામે ઉભા થયેલા પ્રશ્નો…


*​પાણીની લાઈન તૂટ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં કેમ ન લેવાયા?
*​વારંવારની રજૂઆતો છતાં પાણીનો વેડફાટ કેમ ચાલુ રહ્યો?
*​એક તરફ પાણીની તંગી અને બીજી તરફ લાખો ગેલન પાણીનો વેડફાટ – શું આ પાણીનું વ્યવસ્થાપન છે?

To Top