Top News

More Posts

   The Latest

Most Popular

અમે વોટ આપ્યો એનું વળતર શું ગંદકી અને દુર્ગંધ? વોર્ડ નંબર 4 માં જનતાની વેદના સાંભળનાર કોઈ નથી!”

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી ‘શિવમ હોમ સોસાયટી (વૈકુંઠ-2)’ ના રહીશો છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વિસ્તાર ખુદ શહેરના મેયરનો છે અને અહીંના ધારાસભ્ય મનીષાબેન વકીલ રાજ્ય સરકારમાં મંત્રી પદ ભોગવે છે, છતાં મહિલા નેતાઓના રાજમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.
વરસાદી પૂર દરમિયાન સોસાયટીના કોમન પ્લોટની બાઉન્ડ્રી વોલ તૂટી ગઈ હતી, જે આજદિન સુધી રિપેર કરવામાં આવી નથી. પરિણામે, સોસાયટીમાં જંગલી ભૂંડોએ ડેરા નાખ્યા છે. તાજેતરમાં એક ભૂંડનું મોત થતા ત્રણ દિવસ સુધી તંત્રએ તેને ઉપાડવાની તસ્દી ન લીધી. અંતે વિપક્ષના નેતાઓની દરમિયાનગીરી બાદ મૃતદેહ હટાવવામાં આવ્યો. રહીશોનો પ્રશ્ન છે કે જો આ ભૂંડ કોઈ બાળકને કરડશે તો જવાબદારી કોની?
સોસાયટી પાસેથી પસાર થતી વરસાદી કાસ (કેનાલ)માં ગટરનું ગંદુ પાણી સતત ભરાઈ રહે છે. આ પાણી ક્યાંથી આવે છે તે તપાસવાની તંત્ર પાસે ફુરસદ નથી. મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય દુર્ગંધને કારણે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. પીવાનું પાણી પણ પૂરતા પ્રેશરથી મળતું નથી અને રસ્તાઓ ખોદી નાખતા ઉડતી ધૂળ રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે.
દીવાલ તૂટી હોવાથી સોસાયટીના બાકડાઓ પર રાત્રે અસામાજિક તત્વો અડિંગો જમાવે છે. અહીંથી પસાર થતી મહિલાઓ પર ગંદી કોમેન્ટ્સ અને બાળકોને અશ્લીલ ઈશારા કરવાની ઘટનાઓથી સોસાયટીમાં ભયનો માહોલ છે. ગ્રાન્ટ હોવા છતાં મેયર કે ધારાસભ્ય અહીં CCTV કે સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ કેમ નથી આપતા તે મોટો સવાલ છે.


​”અમે શિક્ષિત નાગરિકો છીએ અને નિયમિત ટેક્સ ભરીએ છીએ, છતાં અમારે ભૂંડ અને ગંદકી વચ્ચે રહેવું પડે છે. મેયર અને ધારાસભ્ય બંને મહિલા હોવા છતાં અમારી સુરક્ષા અને સ્વાસ્થ્યની સમસ્યા સમજી શકતા નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે.”
— દક્ષા બેન પટેલ (સ્થાનિક રહીશ)


​”પાંચ વર્ષથી કોઈ કોર્પોરેટર કે ધારાસભ્યએ અમારા વિસ્તારની મુલાકાત લીધી નથી. વોટ આપવાનું વળતર શું અમને આ ગંદકી અને અસામાજિક તત્વોના ત્રાસમાં મળશે? જો વહેલી તકે બાઉન્ડ્રી વોલ નહીં બને તો અમે ઉગ્ર આંદોલન કરીશું.”
— દિનેશ ભાઈ પરમાર (સ્થાનિક રહીશ)


​”નાની સમસ્યા માટે પણ અમારે વિપક્ષ પાસે જવું પડે છે. તંત્ર અને શાસક પક્ષના નેતાઓ જાણે કુંભકર્ણની નિદ્રામાં છે. અમને બે ટાઈમ પાણી નથી મળતું અને રસ્તાની ધૂળ ખાવી પડે છે. શું આ જ છે સ્માર્ટ સિટીનો વિકાસ?”
— બીના બેન રાજપૂત (સ્થાનિક રહીશ)

મુખ્ય પ્રશ્નો જેનો જવાબ સ્થાનિક ઈચ્છી રહ્યા છે:
1.કોમન પ્લોટની બાઉન્ડ્રી વોલ ક્યારે બનશે?
2.​CCTV અને સ્ટ્રીટ લાઈટ ક્યારે લાગશે?
3.​વરસાદી કાસમાં ગટરનું પાણી બંધ ક્યારે થશે?
4.​લોકોએ નાની સમસ્યાઓ માટે પણ નેતાઓ પાછળ કેમ દોડવું પડે છે?

To Top