Top News

More Posts

   The Latest

Most Popular

બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ નિર્ણયથી આસારામને મોટી કાનૂની રાહત મળી છે.

રાજસ્થાન હાઈકોર્ટે આજ રોજ તા. 29 ઓક્ટોબર બુધવારે આપેલા મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું કે આસારામની તબિયત સતત બગડી રહી છે અને તેમને વિશેષ સારવારની જરૂર છે. જેથી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચએ આ નિર્ણય આપ્યો છે.

આસારામે પોતાના વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં જણાવાયું હતું કે તેઓ અનેક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને હાલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આસારામે નિયમિત જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટએ પ્રથમ વખત છ મહિના માટે વચગાળાના જામીન મંજૂર કર્યા.

આ પહેલા જાન્યુઆરી 2025માં સુપ્રીમ કોર્ટે પણ આસારામને તબીબી કારણોસર માર્ચના અંત સુધી વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આસારામની ઉંમર વધુ હોવાથી તેમને હૃદયરોગ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ છે.

કેસનો ઇતિહાસ
આસારામની ધરપકડ ઓગસ્ટ 2013માં એક 16 વર્ષની યુવતી પર બળાત્કારના આરોપમાં કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં જ સજા ભોગવી રહ્યા છે. બાદમાં ગુજરાતના સુરત ખાતે પણ બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારના કેસ નોંધાવ્યા હતા.

હાઈકોર્ટના આ ચુકાદા પછી આસારામના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જ્યારે પીડિત પક્ષે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની શક્યતા દર્શાવી છે.

હાઈકોર્ટના નિર્ણયથી આસારામને તાત્કાલિક રાહત મળી છે. પરંતુ કેસ હજી પૂર્ણ નથી. આગામી છ મહિનામાં જો તેમની તબિયત સુધરે નહીં તો કોર્ટ તેમની જામીન અવધિ વિશે નવો નિર્ણય લઈ શકે છે.

To Top