
સુરત(Surat): બમરોલી (Bamroli) ખાતે આકાશ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં વિવર્સ પાસેથી ગ્રે કાપડનો (Gray Cloth) માલ ખરીદી (Purchase) બાદમાં 26.63 લાખનું પેમેન્ટ (Payment) નહીં ચુકવતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં (Police Station) મિલેનિયમ માર્કેટમાં આરના ફેશનના માલિક અને દલાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ કેનાલ રોડ પર વાસ્તુ ડિસ્કવરી સોસાયટીમાં રહેતા 41 વર્ષીય યોગેશકુમાર ભોગીલાલ પટેલ બમરોલી રોડ આકાશ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં યુનિક ફેબ્રિક્સના નામની પેઢી ધરાવે છે. યોગેશકુમાર પાસેથી કાપડ દલાલ ધર્મેશ વેલવન ભાઠેના મિલેનિયમ માર્કેટમાં આરના ફેશનના નામે ધંધો કરતા અરવિંદ ઉર્ફે અતુલ ભગવાન વઘાસીયા સાથે મુલાકાત કરાવી હતી. અરવિંદને પ્રતિષ્ઠીત વેપારી તરીકે ઓળખ આપી હતી. અને તેમની સાથે વેપાર કરશો તો ધંધામાં મોટો નફો થશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. શરૂઆતમાં માલ ખરીદી કરી સમયસર પેમેન્ટ ચુકવ્યું હતું. પરંતુ બાદમાં ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં 35.74 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી કર્યો હતો. પરંતુ સમયસર તેનું પેમેન્ટ નહીં ચુકવતા યોગેશકુમારે ઉઘરાણી શરૂ કરી હતી. ત્યારે 9.10 લાખનો માલ પરત મોકલી આપ્યો હતો. બાકીના 26.63 લાખ રૂપિયાનું પેમેન્ટ નહીં આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
જીવનસાથી વેબસાઇટથી સંપર્કમાં આવેલા યુવકની વરાછાની મહિલા સાથે 3.14 લાખની ઠગાઇ
સુરત : જીવનસાથી વેબસાઇટથી સંપર્કમાં આવેલા યુવકે વરાછાની યુવતી સાથે લોભામણી વાતો કરીને રૂા. 3.14 લાખ પડાવી લીધા હતા. આ યુવકે તેની માતાને એનિવર્સરીમાં આઇફોન આપવાના બહાને મહિલા પાસેથી 80 હજાર પણ પડાવી લીધા હતા. બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ પૂણા બોમ્બે માર્કેટ જલવંત ટાઉનશીપમાં રહેતા શિવાબેન શ્રવણ ગૌરવ તિવારી વરાછા ગ્લોબલ માર્કેટમાં લીબાસ પ્રેજાન્ટેડ બાય શીવા ટેક્ષટાઈલ નામથી સાડી અને કુર્તીનો વેપાર કરે છે. એક વર્ષ પહેલા જીવનસાથી વેબસાઇટ મારફતે તેમની મુલાકાત અભિષેક સુરેશકુમાર નંદવાની સાથે સંપર્ક થયો હતો. આ બંને વચ્ચે અવારનવાર મોબાઇલમાં વાત થતી હતી. શિવાબેનએ તેમના પરિવાર માટે અર્ટિગા ગાડી બુક કરાવી હતી, પરંતુ તેમાં 10 મહિનાનું વેઇટીંગ હતું. આ દરમિયાન અભિષેકે તેના મિત્ર એજન્ટને કહીને ગાડી બુક કરવા માટે કહ્યું હતું. ગાડી બુક કરાવવા માટે શિવાબેને ઓનલાઇન તેમજ રોકડા મળીને કુલ્લે 3.14 લાખ આપ્યા હતા. ત્યારબાદ અભિષેકે શિવાબેનને મળીને તેની માતા-પિતાને એનિવર્સરીમાં આઇફોન ગીફ્ટ કરવાનું કહીને શિવાબેનના ડેબિટ કાર્ડ ઉપરથી 80 હજારની કિંમતનો આઇફોન ખરીદ્યો હતો. આખરે શિવાબેનએ ગુગલમાં સર્ચ કરતા નવસારીમાં જ્યાં ગાડી બુક કરાવી ત્યાં કોઇ ધરમરાજ નામનો કોઇ શો-રૂમ ન હતો. શિવાબેને અભિષેકની પાસેથી ગાડી બુકીંગ કરાવ્યાની રસીદો મંગાવી હતી, પરંતુ અભિષેકે માત્ર 2 લાખની જ રસીદો આપી હતી. અભિષેકે વિશ્વાસ રાખવાનું કહીને શિવાબેનને મનાવી લીધા હતા. આખરે અભિષેકે રૂપિયા પરત આપવા માટે શિવાબેનનો એકાઉન્ટ નંબર મંગાવ્યો હતો. પરંતુ અભિષેકે તેમાં પણ રૂપિયા નહીં આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અભિષેકે વેસુના સરનામાનું આધારકાર્ડ આપ્યું હતું પરંતુ ત્યાંથી તે પાંચ વર્ષ પહેલા જ જતો રહ્યો હતો
શિવાબેનને ઠગાઇની આશંકા જતા તેને સવાલો પુછવાનું શરૂ કર્યું હતું. ત્યારે અભિષેકે પોતાની ઉપર વિશ્વાસ રાખવાનું કહીને આધારકાર્ડ આપ્યો હતો. આ આધારકાર્ડમાં વેસુનું સરનામુ હતું. શિવાબેને તપાસ કરતા અભિષેક પાંચ વર્ષ પહેલા જ ભાડાનું મકાન ખાલી કરીને ત્યાંથી જતો રહ્યો હતો.