Top News

More Posts

   The Latest

Most Popular

2016માં સુરત એરપોર્ટના 655 મીટરના રન-વેનાં વિસ્તરણ કામ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે એરપોર્ટ ડાયરેક્ટર અને એંજિનિયરિંગ વિભાગ દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન રિજીયન અને દિલ્હી હેડક્વાર્ટરને સુરત એરપોર્ટની રન-વે સ્ટ્રીટ, ગ્રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટ અને સ્ટેબિલાઇઝેશનનું કામ પણ પૂર્ણ કરવા માટે ખુબ રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેને ધ્યાને લેવામાં આવી નહતી.

તે પછી વર્ષ 2017માં એસવીએનઆઇટીએ સર્વે કરી આ કામ ઝડપથી પૂર્ણ કરવા રિપોર્ટ રજૂ કર્યો હતો. 2016-17માં સુરત એરપોર્ટથી ગણ્યા-ગાંઠ્યા વિમાનો ઉડતા હતા. ત્યારે આ કામ કરવાને બદલે હવે જ્યારે 2021માં ફ્લાઇટ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સુરત એરપોર્ટના રન-વે સ્ટ્રીપ, ગ્રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટ અને સ્ટેબિલાઇઝેશન માટે 20 કરોડનું ટેન્ડર ઇશ્યું કરાયું છે.

જો આ કામ શરૂ કરવામાં આવે તો પીક-અવર્સમાં આઠ મહિના વિમાનની અવર-જવર અટકાવવી પડે અથવા રાતે 10 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કામ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. એરપોર્ટના રનવેની બેઝિક સ્ટ્રીપ, રનવેના બન્ને તરફના શોલ્ડરના ભાગ અને વિમાનના એન્ટ્રી પોઇન્ટનું ખોદકામ કરી વધારાની માટી, ગ્રાવલ, સ્લેગ અને ચુનો નાખી તેને મજબુત કરવા માટેનું આ ટેન્ડર ઇશ્યું કરવામાં આવ્યું છે. 2905 મીટરના રન-વેના બન્ને તરફ 150 મીટરના પટામાં આ કાર્ય કરવામાં આવશે.

આ ટેન્ડર મુજબ કામ શરૂ કરાશે તો ડોમેસ્ટિક ફ્લાઇટની સેવાઓને આઠ મહિના અસર થઇ શકે

સુરત એરપોર્ટ પર સવારે 10થી 5 અને રાતે 10 વાગ્યા સુધી ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર રહતી હોય છે. તે જોતા બેઝિક રન-વે સ્ટ્રીપ,રન-વે સ્ટ્રીપના શોલ્ડરના ભાગ અને લેન્ડિંગ પોઇન્ટ મજબુત કરવાનું કામ ટેન્ડરની શરતોમાં જણાવ્યા મુજબ આઠ મહિના ચાલે તો ડોમેસ્ટિક અને નોન શિડ્યુલ ફ્લાઇટને અસર થઇ શકે છે.

કેટલીક ફ્લાઇટ તો રદ્દ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. સુરત એરપોર્ટના રન-વે પર અત્યારે માત્ર રાતે 10થી સવારના 5 વાગ્યા સુધીના સમયે ફ્લાઇટની અવર-જવર રહેતી નથી. તે સ્થિતિમાં રાતે ફ્લડ લાઇટ ગોઠવીને મર્યાદિત કામ થઇ શકે છે.

2016-17માં કામ પુરૂં થયું હોત તો ટેન્ડરની 30 ટકા રકમ બચી હોત

2016-17માં એરપોર્ટની રન-વે સ્ટ્રીપ અને ગ્રાઉન્ડ શોલ્ડર ઇમ્પ્રુવમેન્ટ તથા સ્ટેબિલાઇઝેશનનું કામ પૂર્ણ થયુ હોત તો ડોમેસ્ટિક ફ્લાઇટને હવે પછી જે મુશ્કેલીઓ નડવાની છે તે નડી નહોત. એટલું જ નહીં 2017 કરતાં 2021માં આ ટેન્ડર પાછળ 30 ટકા વધુ ખર્ચ એરપોર્ટ ઓથોરિટીને કરવો પડશે.

To Top