Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉત્તરનો પવન ફૂંકાતા ગરમીમાં વધારો નોંધાયો છે. ગુરુવારે સુરતમાં મહત્તમ તાપમાન (Temperature) 37.9 ડિગ્રી રહેવા પામ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજી પણ જમ્મુ કાશ્મીર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે હિમવર્ષા પડી રહી છે. તો બીજી તરફ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર પણ વર્તાય રહી છે. જેના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા બે સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. હવામાનના આ પલટા વચ્ચે શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત રાજસ્થાન તરફથી ઉત્તરના ગરમ (Hot) પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો નોંધાયો છે.

ગુરુવારે પણ શહેરનું મહત્તમ તાપમાન ૩૭.૯ ડિગ્રી સેલ્સિયસ યથાવત રહેવા પામ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે ૨૩.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરમાં આજે હવામાં બપોરે માત્ર ૧૬ ટકા ભેજની સાથે નવ કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાયો હતો. ઝડપી અને ગરમ પવનને કારણે બપોરે શહેરમાં લૂ નો અહેસાસ શહેરીજનોએ કર્યો છે. લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ તેમજ લીંબુ શરબતનો સહારો લેવા મજબૂર બન્યા હતા. જ્યારે ઓફિસ અને ઘરોમાં એસીની ઠંડક વચ્ચે લોકોએ બપોરનો સમય પસાર કર્યો હતો. આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનમાં વધઘટ રહ્યા બાદ હોળી પછી કાળઝાળ ગરમીનો પ્રારંભ થશે.

નવસારીમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું

નવસારી : ગુરૂવાર સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ગુરૂવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રવિવારે મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રી ઉપર હતો, જે એક જ દિવસમાં બે ડિગ્રી વધીને સોમવારે 38.2 ડિગ્રીએ પહોંચ્યો બાદ મંગળવારે તેમાં 1.2 ડિગ્રીનો ઘટાડો થતાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચ્યું હતું. જો કે બુધવારે તેમાં 1.5 ડિગ્રીનો વધારો થઇને તાપમાન 38. 5 ડિગ્રીએ પહોંચ્યો હતો. એ બાદ ગુરૂવારે ફરીથી મહત્તમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો વધારો થતાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચતા સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.

જોકે રાત્રે થોડી ઠંડક વર્તાઇ હતી. પરંતુ દિવસ દરમ્યાન ભારે ગરમીનો અનુભવ થયો હતો અને તેને પગલે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ગુરૂવારે સવારે ભેજનું પ્રમાણ 61 ટકા અને સાંજે 21 ટકા નોંઘાયું હતું. જ્યારે દિવસ દરમ્યાન ઉત્તર પશ્ચિમ દિશામાંથી કલાકે 6.8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પવનને કારણે થોડી રાહત જરૂર રહી હતી.

To Top