Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ ગયા મહિને સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં 8 વર્ષ જૂનું 5 માળનું બિલ્ડિંગ તુટી પડ્યું ત્યાર બાદથી તંત્ર જર્જરિત મકાનો ખાલી કરાવવા અને ઉતારી પાડવા માટે મક્કમ બન્યું છે. માનદરવાજામાં ટેનામેન્ટ ખાલી કરાવ્યા બાદ આજે તંત્ર દ્વારા સુરતના સચિન વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો ખાલી કરાવવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી. જોકે, ભર ચોમાસે મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યાં હોય રહીશો રોષે ભરાયા હતા અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. માહોલ તંગ બની ગયો હતો. વિરોધ કરનારાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 266 જેટલા આવાસ જર્જરિત સ્થિતિમાં છે. અહીં 30 વર્ષ કરતાં વધુ સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના 10 હજાર લોકો રહે છે. 7થી 8 વર્ષથી તંત્ર દ્વારા આવાસો માત્ર કરવા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ ઘર ખાલી ન કરતા આજે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેથી સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા હતા. લોકોએ પોલીસને ધક્કે ચડાવતાં ઘર્ષણ સર્જાયું હતું. જેથી પોલીસે બળપ્રયોગ કરીને અટકાયત શરૂ કરી હતી.

ચાલુ ચોમાસાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના 266 જેટલા આવાસોમાં રહેતા લોકો ઘરવિહોણા થઈ જાય તેવી સ્થિતી ઉભી થઈ છે. તંત્રએ આવાસમાં રહેતા લોકોને નોટિસ પાઠવી હતી. આજે વીજ જોડાણ અને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમજ ઘર ખાલી કરી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. જેને લઈને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી.

મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા પોલીસે ટોળું વિખેરવાની કામગીરી હાથ ધરી હતી તો કેટલાક યુવકોને ડિટેઇન પણ કરી લેવાયા હતા. થોડા સમય માટે વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું અને લોકો સતત કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કરીને નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા તો કેટલાક યુવકોએ કામગીરીને રોકવાનો પ્રયાસ કરતા તેમની સામે સખ્તાઈપૂર્વકના પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યા હતા અને ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા.

To Top