National

કાશ્મીરમાં 370 નાબૂદ થયા બાદ બે જ જણાંએ મિલકત ખરીદી છે

જમ્મુ અને કાશ્મીરમાં ઑગસ્ટ 2019માં આ પૂર્વ રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ થયા પછી માત્ર બે જ વ્યક્તિઓને બે મિલકતો ખરીદી છે એમ લોકસભામાં આજે માહિતી આપવામાં આવી હતી. અન્ય રાજ્યોના કેટલાં લોકોએ કલમ 370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં મિલકત ખરીદી અથવા કેટલાં ખરીદવાનો રસ ધરાવે છે એવા લેખિત સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ લેખિત જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની સરકારે આપેલી માહિતી અનુસાર કાશ્મીરની બહારના બે જણાએ ઑગસ્ટ 2019 બાદ સંપત્તિ ખરીદી છે.

જમ્મુ અને કાશ્મીરમાં સંપત્તિ ખરીદતી વખતે સરકાર અને અન્ય રાજ્યોના લોકોને કોઇ મુશ્કેલી કે અડચણો નડી રહી છે કે કેમ એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે એવો કોઇ બનાવ સરકારને નોંધાયો નથી. કેન્દ્ર સરકારે 2019ની પાંચમી ઑગસ્ટે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરી હતી અને રાજ્યનું બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કર્યું હતું.

આ કલમ રદ થયા બાદ વહીવટીતંત્રએ જમ્મુ અને કાશ્મીરના રહીશની એક નવી વ્યાખ્યા ઘડી હતી. 2019ની 5મી ઑગસ્ટ પૂર્વે આ સત્તા કાશ્મીર વિધાનસભાને હતી. આ નક્કી કરાયેલા રહીશો જ કાશ્મીરમાં નોકરીઓ અથવા સ્થાવર મિલકત ખરીદવા અરજી કરી શક્તા હતા.

Most Popular

To Top