Business

ફકત ત્રણ જ મહિનામાં જો દોઢા પૈસા મળતા હોય તો….

‘અમારા વ્યવસાયમાં વૈવિધ્યને એટલો બધો અવકાશ છે કે ઘણી વાર કલ્પનાય ચકરાવે ચડી જાય’, મારા મિત્ર પ્રાઇવેટ ડિટેકટીવ અજય વર્માએ એક વાર ચા પીતાં પીતાં ઉચ્ચાર્યું, એ કોઇક કેસની તપાસમાં અમારા ઘર તરફ નીકળી આવ્યો હતો અને અમારા તોફાનીઓના સરદારને ઘડીક રમાડી લેવાના ઉદ્દેશથી અમારે ઘેર આવી ગયો હતો. થોડીક મિનિટો પછી, પોતાના વિધાનનો વિસ્તાર કરતાં એણે ગજવામાંથી મની પર્સ કાઢયું અને એની અંદરથી અખબારી જાહેરખબરોની એક ટચૂકડી કાપલી કાઢી. એ બોલ્યો, ‘આપણો પેલો પત્રકાર મિત્ર પત્રકારત્વના વર્ગોમાં જાહેરખબરનો વિષય ભણાવે છે અને એમાં વળી જાહેરખબરના પ્રકારો ભણાવે છે. એને પૂછવું જોઇએ કે ભાઇ, આ જાહેરખબર કયા પ્રકારમાં આવે કારણ કે આ જાહેરખબરને આધારે મને કિન્નરકુમાર ભણસાળીના મૃત્યુનો ભેદ ઉકેલવામાં મદદ મળી હતી!’ આમ કહીને અજયે જાહેરખબરની કાપલી મારા હાથમાં મૂકી. એમાં આ પ્રમાણે લખાણ હતું:

‘જોઇએ છે: મોદી લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેકટર માટે પર્સનલ સેક્રેટરી જોઇએ છે. આકર્ષક પગાર અને બઢતીની તક. મરાઠી જાણતા ઉમેદવારને પહેલી પસંદગી. કાયદા તથા કામદાર સંબંધોની જાણકારી વિશેષ લાયકાત ગણાશે. લખો: બોકસ નંબર 1281, ભારત સમાચાર દૈનિક.’ જાહેરખબરની આ કાપલી બે વાર વાંચવા છતાં મને તો એમાં કશો સંકેત, સંદેશો કે સંદેહજનક વાકય ન જણાતાં મેં કહ્યું, ‘ભાઇ અજય, મને તો આ રીતસરની સાધારણ જાહેરખબર લાગે છે. તને કેમ એમાં અપરાધની ગંધ આવી તે સમજાતું નથી.’ ‘તો સાંભળ’, એમ કહેતાં, ચા પીતાં અજયે કિન્નર ભણસાળી ખૂનકેસની વિગતો આપવા માંડી.

કિન્નરકુમાર ભણસાળી એક આશાસ્પદ અને આશાવાદી યુવાન હતો. B.Com. અને LLB ભણી રહ્યા પછી એણે સેક્રેટરિયલ પ્રેક્ટિસનો ખાસ ડિપ્લોમા અભ્યાસ કર્યો હતો. જો કે એને કામગીરી અમદાવાદના માંડ ચાલતા એક કારખાનામાં કારકુનની મળી હતી. કારખાનું બહુ સધ્ધર નહોતું એથી કિન્નરને કોઇ વધુ પગારવાળી સલામત નોકરીની તલાશ હતી. એનાં માબાપ વળી એનાથી ય વધુ આશાવાદી હતાં. એમણે તો દીકરો સારી કમાણી કરશે જ એવી આશામાં એનાં લગ્ન પણ કરી દીધાં હતાં!

પછી સૌથી મોટી તકલીફની વાત એ બની કે કિન્નરની પત્ની સુરૂપા તો વળી બધાંયના કરતાં વધુ આશાવાદી નીકળી અથવા એમ કહેવું જોઇએ કે એ વધુ આશાઓ સેવનારી સ્ત્રી હતી! મકાન, ફર્નિચર, વાહન, પ્રવાસ, વસ્ત્રો, વગેરે વિશેની સુરૂપાની આશાઓ, અપેક્ષાઓ અનંત હતી, જે બધી એક ગરીબ કારખાનાના ગરીબ પગારદાર વડે પોષાઇ શકે એમ નહોતી. કિન્નર એને ઘણું સમજાવતો કે સુરૂપા! આપણા ય સારા દિવસો આવશે; જરૂર આવશે. તું જરા ધીરજ રાખ, બસ. દરેક વેળા સુરૂપા કહેતી. ‘ધીરજ રાખી રાખીને ઘરડાં થઇ જઇએ તે પછી પૈસો મળવાનો હોય તો તે શા કામનો? મઝા કરવાની ઉંમરમાં મઝા ન મળે તો અર્થ જ શો રહ્યો?’

સુરૂપાની આ ‘ફિલોસોફી’ને અનુમોદન આપે એવી એક વ્યકિત પાડોશમાં જ હાજર હતી. એનું નામ પ્રશાંત દલાલ. આ પ્રશાંત ન નોકરી કરતો, ન ધંધો કે ન કોઇની ગુલામી કરતો કે ન કોઇ બંધન સ્વીકારતો. જયારે જુઓ ત્યારે એની તો એ જ વાત હોય! શેરોનાં ભરણાં! એ દરેક નવા શેર ઇસ્યુનાં ભરણાં ભરતો. જે શેરના એલોટમેન્ટ મળે તે વધ્યા ભાવે વેચી મારતો. તેજીનો તોખાર એને આંગણે સતત હણહણ્યા કરતો. એનું બેન્ક બેલેન્સ તર રહ્યા કરતું. થોડાંક ફોર્મ ભરવાં, થોડુંક બેન્કોનું કામ પતાવવું અને પછી પ્રશાંત નવરો ને નવરો રહેતો.પડોશીદાવે એ કિન્નરને ય ઘણી વાર કહેતો. ‘મૂરખા! તારી કારકુની છોડીને શેરોનું કામકાજ થોડું થોડું કરતો જા! વરસમાં તો લખપતિ થઇ જઇશ!’ કિન્નર મ્લાન સ્મિત કરીને કહેતો, ‘એમ શેરસટ્ટામાં લગાવવા જેવી ફાજલ મૂડી નથી ને મારી પાસે નહિતર હું ય થોડાક પૈસા લડાવી દઉં.’ પ્રશાંત કહેતો ‘બસ, મને દસ હજાર રૂપિયા આપી દે. હું ત્રણ મહિનામાં તને દોઢા કરીને પાછા આપીશ.’

જવાબમાં કિન્નર મૌન સ્મિત કરતો ત્યારે સુરૂપા અકળાઇને બોલતી, ‘એક વાર આપી દો ને પ્રશાંતભાઇને દસ હજાર! જોઇએ તો મારા એકબે ઘરેણાં કાઢી નાખો. ત્રણ મહિનામાં દોઢા પૈસા મળતા હોય તો….’ ‘અરે, એ શું બોલ્યાં ભાભી!’ પ્રશાંત એકદમ વચ્ચે પડતો. ‘એમ કાંઇ તમારાં ઘરેણાં વેચવાનાં હોય? પણ મને લાગે છે કે તમે લકી છો. એક વાર મારે તમારે નામે થોડુંક ભરણું કરવું છે. તમારે ફકત સહી આપવાની. જો નફો થાય તો અર્ધો તમારો. ખોટ જાય તો મારી. બસ?’ અને સુરૂપાને નામે ખરીદાયેલા પહેલા જ શેરોમાં સારો એવો લાભ થયો. પ્રશાંતે વચન પાળી બતાવ્યું. નફામાં અડધો ભાગ સુરૂપાને આપી દીધો અને કિન્નરને કહ્યું, ‘ભાભીના આ નફાની રકમ તો તું નવાં શેરભરણાંમાં ભરવા દઇશ ને?’

ત્યારે કિન્નરથી ના પાડી ન શકાઇ અને એ પછી સુરૂપા અને પ્રશાંતનો શેરભરણાંનો સિલસિલો શરૂ થયો. શેરબજારમાં તેજી હતી. નિત્ય નવાં ભરણાં આવતાં. એનાં જાતજાતનાં ફોર્મ ભરવાં, શેરોના એલોટમેન્ટ મળે પછી રીનાઉન્સમેન્ટનાં ફોર્મ ભરવાં, બધા પ્રકારની લેવડદેવડ માટે બેન્કોના ચેક, ભરણાં, રોકડ ઉપાડ, વગેરે વગેરે અનેક પ્રકારની કામગીરીમાં પ્રશાંત અને સુરૂપાનો સહયોગ ચાલ્યા કરતો તે કયારે સહભોગમાં પલટાઇ ગયો એની સુરૂપાને ખબર પણ ન પડી. ખબર પડી ત્યારે બન્ને એકબીજામાં એ હદે ઓતપ્રોત બની ગયાં હતાં કે અલગ ન થઇ શકે. આવા સંબંધોમાં બને છે તે પાડોશીઓને પહેલા ખબર પડી અને પતિ કિન્નરને ખબર મળતા સુધીમાં તો પ્રશાંત-સુરૂપા અભિન્ન રીતે જોડાઇ ગયાં હતાં.

કિન્નર આત્મપ્રતારણા અને આત્મદયામાં સરી પડયો. રે! હું એક સાવ સાધારણ કારકુન છું અને ધન તથા પદની દૃષ્ટિએ પછાત છું ત્યારે સુરૂપા મારાથી અપાકર્ષિત થઇ ને! મારે હજુ મારું હીર દેખાડી આપવું જોઇએ. આથી સારી નોકરી શોધી કાઢવી જોઇએ. આખરે એની તાલીમને અનુરૂપ એક કામગીરીની જાહેરખબર એણે જોઇ. પર્સનલ સેક્રેટરીની કામગીરી હતી. એ માટેની બધી લાયકાતો એ ધરાવતો હતો. નાનપણમાં પિતાજીની નોકરીને કારણે દસેક વર્ષ એણે નાગપુરમાં ગાળ્યા હોવાને કારણે, મરાઠી ભાષા પણ એને આવડતી હતી. એણે સુરૂપાને કહ્યું, ‘જો આ જોબ મળી જાય તો પગાર સારો મળશે અને પોઝિશન પણ સારી ગણાય, બરાબર ને? અરજી કરું ને?’

સુરૂપા કહે, ‘સારું થયું તમારું આ જાહેરખબર ભણી ધ્યાન ગયું. હું સવારથી જ વિચારતી હતી કે તમને આ જોબ માટે અરજી કરવાનું કહી જોઉં, હવે તમે જ તૈયાર થયા છો એટલે….’ એટલે કિન્નરે આ જાહેરખબરની સામે અરજી કરી અને પોતાની ઉમેદવારી નોંધાવી. થોડાક જ દિવસોમાં એને જવાબ મળી ગયો. એમાં એને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો હતો. એ ઇન્ટરવ્યૂ થયો કે નહિ અને થયો તો કેવો થયો, એની કશી માહિતી પરિવારને મળી નહિ. મળી માત્ર કિન્નરની લાશ, જે અમદાવાદ – વડોદરા હાઇવેની બાજુના એક ખાડામાં ફેંકી દેવામાં આવી હતી. બિચારાને મેનેજિંગ ડિરેકટરની મુલાકાત થવાને બદલે મૃત્યુની મુલાકાત થઇ ગઇ.

(વાચકમિત્રો! રહસ્યકથા સમાજકથા પણ બને છે. એના ઉદાહરણરૂપ આ કથા આવતે અઠવાડિયે એક પડકાર સાથે પૂરી થશે. દરમિયાનમાં, વાંચીએ ગત રહસ્યકથાનો ઉકેલ.)

Most Popular

To Top