SURAT

વેક્સિનના માત્ર 70 જ ડોઝ ઉપલબ્ધ હતાં અને 200ને મેસેજ કરી દેવાતા હોબાળો

સુરત: હાલમાં સોનીફળિયામાં થયેલી માથાકૂટ જેવી જ માથાકૂટ હવે ફરી અડાજણના ઈશિતા પાર્કની બાજુમાં આવેલા કોમ્યુનિટી હોલના વેક્સિનેશન સેન્ટર પર થઈ છે. આ સેન્ટર પર વેક્સિનના માત્ર 70 જ ડોઝ ઉપલબ્ધ હતાં. જ્યારે તેની સામે 200 લોકોને વેક્સિનેશન માટે મેસેજ પહોંચી જતાં લોકોના ટોળા ભેગા થઈ ગયાં હતાં. લોકોએ વેક્સિનેશન સેન્ટર પર બોલાચાલી કરતાં માહોલ ગરમ થઈ ગયો હતો. સ્થળ પર લોકોને સમજાવવા માટે ગયેલા કોર્પોરેટર કેતન મહેતા અને પૂર્વ ડે.મેયર નિરવ શાહને પણ ઉગ્ર રજૂઆતો કરી હતી.

કોરોનાની બીજી લહેર બાદ લોકો વેક્સિનેશન માટે જાગૃત થયા છે. લોકો વેક્સિન મુકાવવા માટે પડાપડી કરી રહ્યા છે. મનપા દ્વારા વેક્સિનના બીજા ડોઝ માટે જેઓને એસએમએસ જાય તેમને જ વેક્સિન સેન્ટર પર વેક્સિન મુકવા જવાનું રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સેન્ટરો પર વેક્સિનના ડોઝ ઓછા પહોંચે છે અને વધારે લોકોને મેસેજ થઈ જતા હોય, સેન્ટરો પર ઉહાપોહ થઈ રહ્યો છે. સોમવારે રાંદેર ઝોનના અડાજણ વિસ્તારના ઈશિતા પાર્ક સોસાયટીની બાજુના કોમ્યુનિટી હોલમાં વેક્સિનનના માત્ર 70 જ ડોઝ ઉપલબ્ધ હતા. પરંતુ તેની સામે અંદાજીત 200 જેટલા લોકોને મેસેજ કરી દેવાતા, લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું અને લોકોએ વેક્સિનેશન સેન્ટર પર બોલાચાલી કરી હતી. જેથી સ્થળ પર સ્થાનિક કોર્પોરેટર કેતન મહેતા તેમજ પુર્વ ડે.મેયર નિરવ શાહ પહોંચતાં લોકોએ તેમની સામે પણ ઉગ્ર રજૂઆતો કરી હતી. બંને આગેવાનોએ લોકો સાથે વાતચીત કરી, વધુ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવ્યા હતા.

વેક્સિનના ડોઝ ઓછા હતા, અને મેસેજ વધારે કરી દેવાતા અવ્યવસ્થા સર્જાઈ હતી: નિરવ શાહ

ઘટના અંગે માજી ડે.મેયર નિરવ શાહે જણાવ્યું હતું કે, અડાજણના ઈશિતા પાર્ક કોમ્યુનિટી હોલમાં સવારે માત્ર 70 જેટલા જ વેક્સિનના ડોઝ આવ્યા હતા. પરંતુ સેન્ટર પર વધુ લોકોને મેસેજ મળી હતા, તેઓ તમામ વેક્સિનેશન સેન્ટર પહોંચી ગયા હતા. અને લોકોનું ટોળું એકત્ર થઈ જતા, સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા કે, વેક્સિનનો ડોઝ બપોર સુધીમાં ઉપલબ્ધ કરાશે. પરંતુ લોકોએ તુરંત જ ટોકનની વ્યવસ્થા કરી આપવા જીદ કરી હતી. જેથી વધુ વેક્સિનના ડોઝ મંગાવી જેટલા લોકોને વેક્સિન મુકી શકાય તેટલાને તાબડતોબ વેક્સિનેશન કરાવ્યું હતું. અને બાકી રહેલા લોકોને બીજા દિવસે વેક્સિન મુકાશે તેમ વાત કરી સમજાવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top