Comments

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે…

આ ૮ માર્ચ  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌ કોઈને હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસ સ્ત્રીઓના સંઘર્ષને યાદ કરવાનો છે. સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે મહિલાઓએ કરેલી પ્રગતિને બિરદાવવાનો દિવસ છે જે સ્ત્રી અને પુરુષ  સૌ ને સમાન અધિકાર મળતા હોય એવા પ્રગતિશીલ સમાજની રચના તરફ આગળ લઇ જાય. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો ઉદ્ભવ ૨૦મી સદીની શરૂઆતમાં શ્રમજીવી સ્રીઓના સંઘર્ષમાંથી થયો. ૧૯૦૮માં યુ.એસ.માં હજારો સ્ત્રીઓ શેરીઓ પર ઊતરી આવી જેની મુખ્ય માંગ કામના કલાકો ઘટાડવાની, સમાન કામ માટે સમાન વેતનની હતી તેમજ કામની શરતો સુધારવાની હતી. ૧૯૦૯થી યુ.એસ.માં ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં મહિલા દિન ઉજવવાની શરૂઆત થઇ. ૧૯૧૩-૧૪ દરમ્યાન પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થઇ ચૂક્યું હતું. આ અરસામાં રશિયામાં સ્ત્રીઓએ ફેબ્રુઆરી મહિનાના અંતમાં મહિલા દિવસ મનાવ્યો જેના મંચ પરથી યુદ્ધનો વિરોધ કર્યો. આ જ અરસામાં યુરોપના ઘણા દેશોની સ્ત્રીઓએ યુદ્ધનો વિરોધ કર્યો.

૧૯૧૭ સુધી પ્રથમ વિશ્વ યુધ્ધમાં બે મિલિયનથી વધુ રશિયન સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ માહોલમાં રશિયન સ્ત્રીઓએ ‘પીસ એન્ડ બ્રેડ’એટલે કે ‘શાંતિ અને રોટી’ માટેની ચળવળ ચલાવી જેની શરૂઆત જ્યોર્જિયન કેલેન્ડર પ્રમાણે ૮મી માર્ચે થઇ. એના ચાર જ દિવસ પછી રશિયાના ઝારે રાજીનામું આપ્યું અને ત્યાર બાદની તત્કાલ સરકારે સ્ત્રીઓના મતાધિકારને મંજૂરી આપી. સમાનાધિકારની દિશામાં આ એક મોટી સફળતા હતી. એટલે જ જ્યારે ૧૯૭૫માં યુ.એન. એ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાનું નક્કી કર્યું ત્યારે ૮ માર્ચનો દિવસ પસંદ કરવામાં આવ્યો. ત્યારથી મહિલા દિનની ઉજવણી સ્ત્રીઓના મૂળભૂત પ્રશ્નોને સંબોધવાનો અગત્યનો મંચ રહી છે. આ દિવસે સ્ત્રી સશક્તિકરણના પ્રયત્નોને સુદ્રઢ અને સુગઠિત કરતા નવા સંકલ્પો થાય અને નવા કાર્યક્રમો માટે નવી દિશા ખૂલે.

લૈંગિક સમાનતાના સંઘર્ષના પ્રવાસમાં એક મહત્ત્વનો પડાવ ૧૯૯૫માં આવ્યો. જ્યારે ચીનના બેજિંગ ખાતે યોજાયેલી મહિલાઓ અંગેની ચોથી વૈશ્વિક કોન્ફરન્સના ઉપક્રમે ભેગા થયેલા વિશ્વના ૧૮૯ દેશોનાં પ્રતિનિધિઓએ લૈંગિક સમાનતાની દિશામાં યોગ્ય પગલાં લેવા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવતા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. ‘બેજિંગ ઘોષણા પત્ર’તરીકે ઓળખાતો આ દસ્તાવેજ અને એ સાથે ઊભો થયેલ કાર્યમંચ આટલાં વર્ષો પછી આજે પણ મહિલાઓના અધિકાર માટે સૌથી પ્રગતિશીલ બ્લુપ્રિન્ટ ગણાય છે જેને વિશ્વવ્યાપી સમર્થન મળેલું છે. શિક્ષણ, આરોગ્ય, શાંતિ, રાજકીય ભાગીદારી, આર્થિક સશક્તિકરણ તેમજ મહિલા વિરોધી હિંસાને નાબૂદ કરવા માટેના કાયદા ઘડવામાં, કાર્યક્રમ તૈયાર કરવામાં તેમજ નીતિ તૈયાર કરવામાં બેજિંગ ઘોષણાનો ઘણો મોટો ફાળો છે.

મહિલા સશક્તિકરણનાં ત્રીસ વર્ષની આ યાત્રામાં ઘણું પ્રાપ્ત થયું છે, ઘણું બાકી રહ્યું છે અને ઘણી જગ્યાએ પગલાં પાછાં પણ પડ્યાં છે! સમાન હક તરફ જતો રસ્તો સીધો અને સરળ નથી. કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત સંકટની અસર પુરુષની સરખામણીએ સ્ત્રીઓ પર અનેક ગણી વધારે પડતી હોય છે. પૂર કે ધરતીકંપ જેવી કુદરતી હોનારત હોય કે પછી યુધ્ધમાં થયેલી તારાજી હોય, મૃત નાગરિકોમાં સ્ત્રીઓની સંખ્યા વધુ રહેવાની. વળી સંકટ સમયે ઊભી થતી અછતનો ભોગ પણ સ્ત્રીઓ જ વધારે બને છે.

ખોરવાયેલા જનજીવનમાં સ્ત્રીઓના જ શિક્ષણની કુરબાની લેવાય છે. દરેક સંકટ સમયે મહિલાઓ વિરુદ્ધ હિંસા પણ વધી જાય છે. કોરોના મહામારી સમયે આપણે જોયું કે ઘરેલુ હિંસા એક બીજી મહામારી તરીકે બહાર આવી. આજે પણ દર ત્રણમાંથી એક સ્ત્રી ઘરેલું હિંસાનો ભોગ બની રહી છે અને એ પણ ત્યારે કે જ્યારે બેજિંગ ઘોષણા પછી વિશ્વના દેશો સામુહિક રીતે મહિલા વિરોધી હિંસાનો પ્રતિકાર કરી રહ્યા છે. ૧૯૯૫ પહેલાં માત્ર ૧૨ દેશોમાં ઘરેલું હિંસા વિરુદ્ધ કાયદો હતો. આજે, ૧૯૩ દેશોમાં અલગ અલગ કાયદાઓ મળીને કુલ ૧,૫૮૩ કાયદા છે, જેમાંથી ૩૫૪ સીધા ઘરેલું હિંસા વિરુદ્ધ છે. છતાં ઘરેલું હિંસા કાબૂમાં આવતી નથી.

વળી, બજાર તો પોતાની તક ચૂકતું નથી. બજારના પ્રવાહોએ મહિલા દિવસને સંઘર્ષના પ્રતીકમાંથી એક ઉપભોગતાવાદી દિવસમાં જ બદલી નાખ્યો છે. કાર્ડ, કેક, ગુલાબ, હોટેલ, કપડા કે ઘરેણા જેવી અનેક વસ્તુઓ પર મહિલા દિવસનું ડિસ્કાઉન્ટ આપી સ્ત્રીની અંદરના ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મધ્યમ વર્ગની ઘણી સ્ત્રીઓ મહિલા દિવસને પોતાના ભાગે આવેલો એક માત્ર દિવસ સમજી એક દિવસની આઝાદી માણી લેવા આ ઓફરોનો છૂટથી ઉપયોગ કરે, ફરવા જાય, હોટેલમાં જમવા જાય અને આનંદ કરે.

એનો મતલબ સ્ત્રીની આનંદ કરવાની આઝાદી એક દિવસ પૂરતી પ્રતિકાત્મક જ. બાકીના દિવસોમાં તો ઠેરના ઠેર. મહિલા દિનના વ્યાપારીકરણથી એની ઉજવણી પાછળનો ઝુઝારુ મિજાજ મોળો પડી રહ્યો છે. નાની મોટી ખરીદી થકી સશક્તિકરણનો અહેસાસ પામતાં વર્ગને અસમાન તક, અસમાન વેતન, અસંગઠિત ક્ષેત્રમાં લંબાતા કામના કલાકો, વધતી જતી અસલામતી, વધતી જતી હિંસા, વિશ્વના અનેક ખૂણે ચાલી રહેલાં યુદ્ધ, પર્યાવરણના બદલાવ જેવા પ્રશ્નો સામે અવાજ ઉઠાવવાનું જરૂરી નથી લાગતું. કારણકે આ બધા પ્રશ્નોને એકબીજા સાથે જોડતી કડી જોવાનું ચૂકી જાય છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top