બારડોલી તાલુકામાં પ્રથમ દિવસે 40 ગ્રામ પંચાયતમાં નવા સરપંચ-સભ્યોએ ચાર્જ સંભાળ્યો

બારડોલી: બારડોલી (Bardoli) તાલુકામાં ગત મહિને યોજાયેલી 69 ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં (Gram Panchayat Election) પરિણામ બાદ કમુરતા પૂર્ણ થતાં સોમવારથી પદગ્રહણ સમારોહ અને ઉપ સરપંચની વરણી કરવાની શરૂઆત થઈ હતી. સોમવારે પ્રથમ દિવસે બારડોલી તાલુકાની 40 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં નવા ચુંટાયેલા સરપંચો અને સભ્યોએ ચાર્જ સંભાળ્યો હતો. આ ઉપરાંત ઉપ સરપંચોની પણ વરણી કરવામાં આવી હતી.

ગત તા.19 ડિસેમ્બર-2021ના રોજ બારડોલી તાલુકા પંચાયતની 69માંથી 45 ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાઇ હતી. જ્યારે બાકીની ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ હતી. 21 ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ કમૂરતા ઊતરતાની સાથે જ સરપંચોએ ચાર્જ સાંભળવાની શરૂઆત કરી છે. 17, 18 અને 19 જાન્યુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ ગ્રામ પંચાયતોમાં સરપંચો અને સભ્યો ચાર્જ લેવાની સાથે ઉપ સરપંચની ચૂંટણી પણ થઈ રહી છે. સોમવારે પ્રથમ દિવસે તેન, બાબેન, મઢી, અસ્તાન સહિતની 40 ગ્રામ પંચાયતમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં પદગ્રહણની સાથે સાથે ઉપ સરપંચની પણ વરણી કરવામાં આવી હતી.

બારડોલી તાલુકાના બાબેન ગામે ઉપસરપંચ તરીકે ભરત પટેલની સર્વાનુમતે વરણી થઈ હતી. જ્યારે મઢીમાં કાંતુ રબારીની વરણી કરવામાં આવી હતી. બાબેનમાં પ્રથમ સભામાં કેક કાપીને તમામ નવા સભ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. 18મી જાન્યુઆરીના રોજ વધુ 25 અને 19મીના રોજ 4 ગ્રામ પંચાયતોના ચુંટાયેલા સરપંચ અને સભ્યો ચાર્જ સંભાળશે તેમજ ઉપ સરપંચની પદ માટે ચૂંટણી કરવામાં આવશે.

બારડોલી તાલુકાની તેન ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ બે ઉમેદવાર મેદાનમાં હોય ચૂંટણી કરવાની ફરજ પડી હતી. જેમાં પરિવર્તન પેનલના સભ્ય સંજય પ્રવીણ ચૌધરીનો વિજય થયો હતો.

તેન ગ્રામ પંચાયતની ઉપ સરપંચની ચૂંટણીમાં ભાજપના આગેવાન દેવેન્દ્ર ચૌધરીની હાર
સોમવારે બારડોલી તાલુકામાં 40 ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી. મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ બિનહરીફ થયા હતા. પરંતુ બારડોલીને અડીને આવેલા તેન ગ્રામ પંચાયતમાં સોમવારે સાંજે ચાર વાગ્યે મળેલી પ્રથમ સામાન્ય સભા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ઉપસરપંચ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. સરપંચ રીનાબેન ચૌધરીના પતિ અને ભાજપના આગેવાન દેવેન્દ્રભાઈ ચૌધરી તેમજ સામે પક્ષે પરેશ નાયકાની પરિવર્તન પેનલના સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી. આથી ચૂંટણી કરવાની ફરજ પડી હતી. કુલ 12 સભ્યોએ હાથ ઊંચા કરી મત આપ્યા હતા.

પરિવર્તન પેનલના સભ્ય સંજય પ્રવીણ ચૌધરીનો વિજય થયો
જેમાં સંજયના પક્ષમાં 7 મત પડ્યા હતા. જ્યારે દેવેન્દ્ર ચૌધરીને માત્ર 5 જ મતો મળતા સંજય ચૌધરીનો વિજય થતાં તેમને તેન ગામના ઉપસરપંચ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. સંજય ચૌધરીને તેમના સમર્થકોએ અભિનંદન પાઠવ્યાં હતાં. દેવેન્દ્ર ચૌધરીને જિતાડવા માટે બારડોલી તાલુકા ભાજપ સંગઠન જોર લગાવ્યું હતું. છતાં દેવેન્દ્ર ચૌધરીની હાર થતાં ભાજપમાં સોપો પડી ગયો હતો.

Most Popular

To Top