SURAT

ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌપ્રથમ ડિઝલપંપ મુકત ગામ બન્યું

સુરત: સુરત જિલ્લાના ઓલપાડમાં (Olpad) આવેલુ ભાંડુત ગામ (Bhandut Village)હવે 100% સોલાર પંપ (Solar pump) સંચાલિત બની ગયું છે. ગામની 688 વીઘા ખેતીની જમીન પર અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના પંદર પંપની સુવિધા અપાતા જમીન સિંચાઈયુક્ત બની છે. પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મૉડલને દર્શાવતી આ પહેલ સંપૂર્ણ રીતે અમલમાં છે. ગ્રામ પંચાયત અને અદાણી ફાઉન્ડેશન સરકારના સિંચાઈ વિભાગના માર્ગદર્શન સાથે મળીને બે વર્ષમાં ડીઝલથી સૌર ઉર્જાથી ચાલતા પંપમાં રૂપાંતરણને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અદાણી ફાઉન્ડેશને સૌર-પંપ અને સ્થાપનોમાં મદદ કરી તો રાજ્ય સરકારની સિંચાઈ સંબંધિત યોજનાઓને સુનિશ્ચિત કરી ખેતરોમાં સિંચાઈની પાઈપલાઈન સ્થાપિત કરવામાં ગ્રામ પંચાયત પણ મદદરૂપ બની છે.આ પ્રોજેક્ટનું લોકાર્પણ ઊર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પહેલ દ્વારા ભાંડુત ગામના 401 ખેડૂત ડીઝલની ખરીદી ન કરીને સંપત્તિની બચત કરી રહ્યા છે એટલું જ નહીં, શ્રમ ખર્ચ અને સમયની પણ બચત કરી રહ્યા છે. સામૂહિક રીતે ડીઝલ પરની સરેરાશ વાર્ષિક બચતને જોતા ખેડૂતો અંદાજે રૂ. 9.13 લાખ માસિક અને વાર્ષિક રૂ. 1.10 કરોડ અને રૂ. 20 લાખ શ્રમ કલાકોની બચત કરી રહ્યા છે.ડીઝલથી સૌર સુધીના સંક્રમણની પર્યાવરણ પર પણ સકારાત્મક અસર પડે છે. એક ગણતરી મુજબ ડીઝલ પંપને નાબૂદ કરવાથી ગામમાંથી પ્રતિ વર્ષ 269916 KG કાર્બનનું ઉત્સર્જન દૂર થયું છે.ગુજરાત સરકારના ઉર્જા, પેટ્રોકેમિકલ અને કૃષિ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, “ભાંડુત ગામ ડિઝલપંપમુકત બનવાથી ગામની 688 વીઘા ખેતીની જમીનમાં ખેતી કરતા 400 ખેડૂતોને ફાયદો થયો છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના પંદર પંપની સુવિધા અપાતા જમીન સિંચાઈયુક્ત બની છે. પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મૉડલને દર્શાવતી આ યોજના સાકાર થવાથી ખર્ચ અને સમયની બચત સાથે ખેડૂતોની આવકમાં વધારો થયો છે.”આ પ્રસંગે ઓલપાડ તાલુકાના કારોબારી સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, ભાડુત ગામના સરપંચ ધનુબેન રાઠોડ, તાલુકા પંચાયતના સભ્યશ્રી પ્રિયંકાબેન, સંગઠનના મહામંત્રી કુલદિપ ઠાકોર, અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર.યુનિટ હેડ પ્રિયેશકુમાર રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top