સુરત: સુરત (Surat) મનપા (Municipal Corporation) દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી (Water) યોજના લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી રહી છે. ન્યુ નોર્થ ઝોન વિસ્તારમાં પાયલોટ પ્રોજેકટ 10 વર્ષ પહેલા ચાલુ કરાયો હતો. જો કે હજુ ત્યાં પણ આ યોજના ગડથોલિયા ખાઇ રહી છે. પરંતુ ભવિષ્યના આયોજનોને ધ્યાને રાખી સુરત મનપાનું તંત્ર શહેરીજનોને 24 કલાક પાણી પુરવઠો મળી શકે તે માટે મથામણ કરી રહ્યું છે.
- કનેક્શનો પર ઓટોમેટિક વોટર મીટર લગાડવા તથા સ્કાડા સિસ્ટમ ઉભી કરવા યોજના
- ટેન્ડરમાં 51.27 કરોડની લોએસ્ટ ઓફર આવી
અગાઉ પાલ-પાલનપોર વિસ્તારમાં પણ આ યોજના માટે એજન્સીને કામ સોંપાયા બાદ હવે જહાંગીરપુરા વિસ્તારમાં 24 x 7 હેઠળ પાણીના નેટવર્કની કામગીરી પુર્ણ થતાં હવે જરૂરી ઓટોમેટિક વોટર મીટર (Automatic water meter) લગાડવા તથા સ્કાડા સિસ્ટમ ઉભી કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત હવે રાંદેરની 6 ટી.પી.સ્કીમો, ટી.પી નં 29,30,42,43,44,46માં 24 બાય 7 ધોરણે પાણી પુરવઠો પુરો પાડવા જરૂરી ઓવરહેડ ટાંકી તથા નેટવર્કની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે તેથી જરૂરી સ્કાડા સિસ્ટમ સહિત ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇન્સ્ટુમેન્ટેશન કામગીરી કરવામાં આવનાર છે. જે માટે કનેકશનો પર ઓટોમેટિક મીટર રિડિંગ (એ.એમ.આર) લગાવવા અને આ મીટરના રિડિંગ, બિલિંગ તથા સમગ્ર નેટવર્કનું સ્કાડા સિસ્ટમ સહિત 10 વર્ષ સુધી મરામત અને નિભાવ કરવાની જરૂરિયાત ઉભી થતાં પાલિકાએ ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં આ કામ માટે 51.27 કરોડની લોએસ્ટ ઓફર આવી છે.