SURAT

સુરતના ન્યૂઝ પેપરની ઓફિસમાં નકલી ચલણી નોટો છપાવા લાગી, ત્રણ પકડાયા

સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં સાપ્તાહિક અખબાર અને ન્યુઝ ચેનલની આડમાં નકલી ચલણી નોટોનો વેપલો કરનારા ત્રણ આરોપીઓને એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના હાથે ઝડપાયેલા કુખ્યાત આરોપીઓ પાસેથી 9.36 લાખની નકલી ચલણી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરમાં નકલી નોટોનો વેપલો કરનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા પીસીબી અને એસઓજીની ટીમને સુચના આપવામાં આવી હતી. જેને પગલે પીસીબી પીઆઈ આર.એસ. સુવેરા તથા એસ.ઓ.જી. પીઆઈ એપી ચૌધરી દ્વારા અલગ – અલગ ટીમો બનાવીને બનાવટી ચલણી નોટો છાપનારાઓની માહિતીઓ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન એસઓજીના એએસઆઈ ઈમ્તિયાઝ ફકરૂ મોહમ્મદને બાતમી મળી હતી કે લિંબાયતમાં રહેતો અને લોકલ ન્યુઝ ચેનલ અને સાપ્તાહિક અખબાર ચલાવતો એક ઈસમ તેના મળતિયાઓ મારફતે બનાવટી ચલણી નોટો છાપીને આસપાસના વિસ્તારોમાં આ નોટો વટાવી રહ્યો છે.

પોલીસ દ્વારા બાતમીને પગલે આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લિંબાયતના મદિના મસ્જીદ પાછળ આવેલી એસએચ ન્યુઝ અને સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબારની ઓફિસમાં આ ગોરખધંધો ચાલી રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસની ટીમ દ્વારા લિંબાયતના જ મારૂતિનગર ખાતે આવેલ સરદાર નગરમાં પહેલા માળ પર આવેલ ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

જ્યાંથી ફિરોજ સુપડુ શાહ (ઉ.વ.46 રહે. ઘર નં.7 પ્લોટ નંબર 63, ઇબ્રાહિમભાઈના મકાનમાં ભાડેથી ગલી નં.3 શાસ્ત્રીનગર સોસાયટી મદિના મસ્જીદની પાછળ લિંબાયત સુરત, મુળ રહે. ચાંદ શાહ વલીની દરગાહની બાજુમાં પીપરલા ગામ તા. ભુસાવલ જિ. જલગાંવ મહારાષ્ટ્ર), બાબુલાલ ગંગારામ કપાસીયા (ઉ.વ.41 રહે. ઘર નં.49 સેમલીયાબીબી ગામ તા. ઘટ્ટીયા જિ.ઉજજૈન) તથા સફીકખાન ઇસ્માઈલખાન (ઉ.વ.53 રહે. સુમખેડાખાન ગામ તા.દેવાસ જિ.દેવાસ, એમપી)ને ઝડપી તેઓની ન્યુઝ ચેનલની ઓફીસમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો છાપવાનું મીની કારખાનુ મળી આવ્યું હતું.

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 9,39,100ની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ પેપર નંગ- 3110, એક કલર પ્રિટર, કટર મશીન નંગ-2, લીલા રંગની શાહી વાળી બોલપેન અને ઇન્ક બોટલ, ન્યુઝ ચેનલનુ પ્રેસ આઈ.કાર્ડ, ઈન્ટરવ્યુના માઈક નંગ-4 સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા હતા.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ફિરોજ સુપડુ શાહની પુછપરછ કરતાં તે અગાઉ સને-2015માં ઝારખંડ મુકામે ઘનબાદ ખાતે બનાવટી ચલણી નોટો લેવા માટે ગયેલ અને ત્યાં પોલીસે તેને 35,000ની બનાવટી ચલણી નોટો સાથે પકડી પાડ્યો હતો.

આ કેસમાં ફિરોજ બે વર્ષ જેલમાં રહ્યો હતો અને બાદમાં હાઈકોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યો હતો. ત્યારબાદ બે વર્ષ પહેલા વ્યાજ વટાવ બાબતેનું લાયસન્સ લીધું હતું અને તેમાં પણ રૂપિયા ડુબી ગયા હતા. ત્યારબાદ પોતાની ન્યુઝ ચેનલ છ મહિના પહેલા શરૂ કરી હતી. પોલીસ દ્વારા હાલમાં આ ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

યુટ્યૂબ જોઈ નકલી નોટો છાપવાનું શીખ્યો
ફિરોજ શાહ દેવામાં ડૂબી ગયો હતો. તે ઉઘરાણીવાળાઓથી હેરાન થઈ ગયો હતો. દરમિયાન ફિરોજ શાહની મુલાકાત મધ્ય પ્રદેશ ખાતે રહેતા બાબુલાલ કપાસીયા અને સફીક ખાન સાથે થઈ હતી. આ બંને આરોપીઓએ જ ફિરોઝ શાહને નકલી નોટો છાપવાનો આઈડિયા આપ્યો હતો. ફિરોજની સાથે સુરત આવીને આ બંને આરોપીઓએ નોટો છાપવામાં તેમજ બજારમાં ફરતી કરવા માટે ગ્રાહકો શોધવામાં પણ મદદ કરી હતી.

જો કે, શરૂઆતમાં નોટો કેવી રીતે છાપવાની તે અંગેની અવઢવ થતાં આરોપીઓએ યુ ટ્યુબ પર વીડિયો જોઈને ઉછીના રૂપિયા લઈ કલર પ્રિન્ટર, શાહી તથા નોટો છાપવા માટે તેને ભળતાં કાગળો વિગેરે ખરીદી કરી હતી. તમામ તૈયારીઓ થઈ ગયા બાદ ન્યુઝ ચેનલની ઓફિસમાં જ ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું.

નકલી નોટો છાપનારને પકડવા પોલીસે ફેરિયા બનીને બે મહિના ફિલ્ડીંગ ભરી
એસઓજીએએસઆઈ ઈમ્તિયાઝને બાતમી મળ્યા બાદ પોલીસ દ્વારા આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, અત્યંત રીઢા આરોપીઓ દ્વારા કોઈને પણ શંકા ન જાય તે માટે બનાવટી નોટો લિંબાયત વિસ્તારમાં જ શાકભાજીની લારી, પાનના ગલ્લાઓ પર વટાવવામાં આવતી હતી. આરોપીઓને આસાનીથી પકડવા મુશ્કેલ હોવાને કારણે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આ વિસ્તારમાં જ આરોપીની ઓફિસની આસપાસ બે મહિના સુધી શાકભાજીની લારી, કપડાંની લારી અને ફુટ સહિત નાસ્તાની લારીઓ શરૂ કરીને વોટ ગોઠવવામાં આવી હતી. બે મહિનાની જહેમત અને ફિલ્ડીંગ બાદ ત્રણેય આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા સાંપડી હતી.

Most Popular

To Top