નવસારી: (Navsari) નવસારી-વિજલપોરમાં આજથી 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાતા 16 વિવિધ સંસ્થાઓએ સમર્થન આપી સ્વૈચ્છિક બંધમાં ફાળો આપ્યો હતો. નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધતા જિલ્લામાં જોખમ ઉભુ થયુ છે. કોરોનાના વધતા કેસોને લઇ રાજકારણીઓ સહિત વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. જેના પગલે જિલ્લાના વિવિધ એસોસિએશનો કોરોનાની ચેઇન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન (Voluntary lockdown) રાખવા આગળ આવી રહ્યા છે. પરંતુ તે બાદ પણ કેટલાક લોકો દુકાન ચાલુ રાખી ધંધો કરતા હોય છે. નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ અને નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓએ મળી 30 એપ્રિલ સુધી શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક બંધ રાખવા જણાવતા દુકાનના વેપારીઓએ સમર્થન આપી દુકાનો (Shop) બંધ રાખી હતી. સાથે જ શાકમાર્કેટના વિક્રેતાઓએ શાકભાજી માર્કેટ બંધ રાખ્યુ હતુ. તે છતાં પણ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો હતો. જેથી નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ અને નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓએ નવસારી અને વિજલપોરને કોરોનાથી બચાવવા માટે નવો નિર્ણય લીધો છે.
જેમાં નવસાર-વિજલપોર પાલિકા વિસ્તારમાં આજે ગુરૂવારથી સવારે 7 વાગ્યેથી બપોરે 2 વાગ્યા સુધી કામ-ધંધાઓ ચાલુ રહેશે. જ્યારે 2 વાગ્યા બાદ તમામ વેપાર-ધંધાઓ બંધ રાખવા માટે લોકોને અપીલ કરી છે. જોકે 2 વાગ્યા બાદ મેડિકલ અને દુધની ડેરી સહિત હોટલો તેમજ રેસ્ટોરન્ટોમાં પાર્સલની સુવિધાઓ ચાલુ રહેશે. સાથે જ લોકોને કામ વગર ઘરની બહાર નહી નીકળવા માટે અપીલ કરી છે. આ નિર્ણયમાં નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સની 16 જેટલી સંસ્થાઓએ સમર્થન આપ્યુ છે. જેથી કરીને કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે.
જિલ્લા કલેક્ટર તેમની જવાબદારી ક્યારે નિભાવશે ?
નવસારી અને વિજલપોર શહેરને કોરોનાથી બચાવવા માટે પાલિકા અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓ આયોજન કરી રહ્યા છે. જિલ્લામાં ખાસ કરીને નવસારીમાં વધુ કેસ નોંધાયા છે. જેથી પાલિકા, ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓ અને રાજકારણીઓ શહેરના લોકોને બચાવવાની ચિંતા કરી ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે દોડધામ કરી રહ્યા છે. ગતરોજ નવસારી અને ગણદેવી ધારાસભ્યએ કલેક્ટર સાથે બેઠક કરી લોકડાઉન અંગે ચર્ચા કરી હતી. પરંતુ કલેક્ટર કોઇપણ નિર્ણય લીધા વિના સભાખંડ છોડી જતા રહ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર જનહિતના કામો કરવામાં નિષ્ફળ નિવડી છે. મહામારીની પરિસ્થિતિમાં જિલ્લાના વડા કહેવાતા કલેક્ટરના શિરે સમગ્ર જવાબદારી હોય છે. આવી પરિસ્થિતિમાં કલેક્ટર જનહિતમાં કોઇપણ નિર્ણય લઇ શકે છે. પરંતુ નવસારી જિલ્લા કલેક્ટરને કામ કરવામાં કોઇ રસ ન હોય તેમ હજી સુધી કોઇ નિર્ણય લઇ શક્યા નથી.
વાપીમાં સ્વૈચ્છીક લોકડાઉન : બપોર બાદ ધંધા-રોજગાર બંધ
વાપી: (Vapi) કોરોના સંક્રમણને નાથવા વહિવટી તંત્ર દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનના અપાયેલા આદેશને સમગ્ર જિલ્લામાં પ્રતિસાદ મળી રહ્યો છે. બીજા દિવસે પણ તમામ પ્રકારના ધંધા-રોજગાર બપોર બાદ બંધ રહેતા વાપીના જાહેર માર્ગો લોકોની ચહલ પહલ વગર સૂમસામ ભાસી રહ્યા હતા.
ઉનાળાની ગરમ લૂ અને લોકડાઉનને લઈ લોકો પોતાના ઘરોમાં જ પૂરાઈ રહ્યા હતા. વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોકોને અપીલ પણ કરાઈ છે કે, તંત્રને પૂરેપૂરો સહયોગ આપો, કામ વગર ઘરની બહાર ન નીકળો, બાળકો અને ઉંમરલાયક લોકોને તો ઘરની બહાર મોકલવા જ નહી. ઉપરાંત દરેકે મોંઢે માસ્ક પહેરવાનું કદાપી ભૂલતા નહી. હાથને વારંવાર સેનિટાઈઝર કે સાબુથી ધોવાનો આગ્ર રાખો અને સામાજિક અંતર જાળવી જ્યાં ત્યાં સમૂહમાં એકઠા થવાનું ટાળો.