નવસારી, વાપી: (Navsari, Vaapi) છેલ્લા બે-ચાર દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂરજદાદાની આવ-જા રહ્યા કરતી હતી. જેને લઈ વાતાવરણમાં ઠંડી-ગરમી બંનેનો અહેસાસ લોકોને થતો હતો. જોકે, રવિવારથી આકાશ એકદમ ખૂલી જતાં ઠંડીનો (Winter) પારો વધવા લાગ્યો છે. સાથે સાથે ઉત્તર ભારતમાં પણ હીમવર્ષા (Snow Fall) થતાં તેની અસર સમગ્ર ગુજરાત અનુભવી રહ્યું છે.
- નવસારીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી ગગડીને 7 ડિગ્રી નોંધાયું, મહત્તમ તાપમાન વધુ 2 ડિગ્રી ગગડ્યું
- વલસાડ જિલ્લામાં ઠંડીનો પારો 5 ડિગ્રી નીચે ગગડી 13 ડિગ્રી પર પહોંચી ગયો
- હવામાન વિભાગ હજુ પણ બે-ચાર દિવસ ઠંડીનું જોર વધુ રહેશે, તેવું જણાવી રહ્યું છે
જેમાં આજે નવસારીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી ગગડીને 7 ડિગ્રી નોંધાયું હતું. જેથી સિઝનનો સૌથી ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન વધુ 2 ડિગ્રી ગગડ્યું હતું. જેથી દિવસ દરમિયાન હાડ થીજવતી ઠંડી પડી હતી. નવસારીમાં ગત બુધવારથી લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાઈ રહ્યો હતો. પરંતુ વાદળછાયા વાતાવરણમાં ઠંડક વર્તાઈ હતી. જોકે ગત રોજ લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો અને મહત્તમ તાપમાનમાં 7.5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. જ્યારે આજે સોમવારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી ગગડીને સીધું 7 ડિગ્રીએ આવી પહોંચ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન વધુ 2 ડિગ્રી ગગડીને 23 ડિગ્રી નોંધાયું હતું. જેથી સોમવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાતા હાડ થીજવતી ઠંડી પડી હતી.
સોમવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 30 ટકાએ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 5.8 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા. જ્યારે વલસાડ જિલ્લામાં સોમવારે એકદમ ફેરફાર થતાં વહેલી પરોઢથી વાતાવરણ ખૂશનુમાની સાથે ભારે પવનને લઈ ઠંડુગાર બની ગયું છે. શનિવારે 19, રવિવારે 18 અને આજે સોમવારે ઠંડીનો પારો 5 ડિગ્રી નીચે ગગડી 13 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ઉપરાંત મહત્તમ તાપમાનમાં પણ ફેરફાર થયો છે. શનિવારે 31, રવિવારે 29 અને સોમવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી સિમીત રહ્યું હતું. હવામાન વિભાગ હજુ પણ બે-ચાર દિવસ ઠંડીનું જોર વધુ રહેશે, તેવું જણાવી રહ્યું છે.