નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. પોલીસે (LCB Police) બાતમીના આધારે નવસારી જીલ્લામાં 2 અલગ-અલગ જગ્યાએથી હોળી-ધૂળેટી માટે લવાતો 3.27 લાખના વિદેશી દારૂ (Liquor) સાથે 3 લોકોને ઝડપી પાડયા હતા. જયારે પોલીસે 4 લોકોને વોન્ટેડ જાહેર કરી કુલ્લે 27.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિર્દેશકે આગામી હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યમાં પ્રોહીની પ્રવૃત્તિ રોકવા માટે 1લી માર્ચથી આગામી 8મી માર્ચ સુધી પ્રોહી ડ્રાઈવનું આયોજન કર્યું છે. જે અનુસંધાને ઇન્ચાર્જ નવસારી જીલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ નવસારી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા તથા પ્રોહી લીસ્ટેડ બુટલેગરો તથા પ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો ઉપર વોચ રાખી માહિતી મેળવી સફળ રેઈડો કરવા તથા પ્રોહી કેસો શોધી કાઢવા માટે નવસારી એલ.સી.બી. પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યા હતા.
જેથી નવસારી એલ.સી.બી. પોલીસ નવસારી જીલ્લામાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર આલીપોર વસુધારા દેરી પાસે વોચ ગોઠવી એક ટાટા ટ્રક (નં. જીજે-32-ટી-5966) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 1.20 લાખની વિદેશી દારૂની 60 નંગ બાટલીઓ મળી આવતા ગીર સોમનાથ જીલ્લાના વિરાવળ તાલુકાના પ્રભાસ પાટણ ગુલાબનગરમાં રહેતા દાદા ઉમર ભાદરકા અને જુનાગઢ જીલ્લાના માગરોળ તાલુકાના માંગરોળ ગામે જુમ્મા મસ્જિદની પાછળ રહેતા સિદ્ધિકશાહ ઈસ્માઈલશાહ ભાનવાને ઝડપી પાડયા હતા. પોલીસે દાદા અને સિદ્ધિકશાહની પૂછપરછ કરતા રવિભાઈ નામના ઇસમે દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનું કબુલતા પોલીસે રવિભાઈને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 10 લાખનો ટ્રક, 9,64,894 રૂપિયાની પેકિંગ કેસ પ્લાયવુડ, 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 1500 રૂપિયા મળી કુલ્લે 20,91,394 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં પોલીસે બાતમીના આધારે મલિયાધરાથી પીપલગભાણ જતા રોડ ઉપર સોલધરા હનુમાનજીના મંદિર સામે જાહેર રોડ ઉપરથી એક કાર (નં. જીજે-15-સીએફ-2375) ને રોકી તપાસ કરતા તેમાંથી 2,07,200 રૂપિયાની વિદેશી દારૂની 247 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે વલસાડ તાલુકાના ચીચવાડા ગામે સ્કુલ ફળીયામાં રહેતા દેવીસ ઉર્ફે દેવલોનાગ કાંતિલાલ પટેલને ઝડપી પાડયો હતો. પોલીસે દેવીસની પૂછપરછ કરતા વલસાડના વાપી તાલુકાના તંબાડી ગામે રહેતા હેમંત તંબાડી અને સંજય તંબાડીએ દારૂ ભરાવી આપ્યો હતો અને એક કાળા રંગની પેસન પ્રો બાઈકવાળા ઇસમે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે હેમંત, સંજય અને બાઈકવાળા ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 4 લાખની કાર, 5,500 રૂપિયાના 2 મોબાઈલ અને રોકડા 500 રૂપિયા મળી કુલ્લે 6,13,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.