નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે (LCB Police) બાતમીના આધારે 3.21 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા (Tempo) સાથે એકને ઝડપી પાડયો હતો. જ્યારે પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર સહીત 3ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
- બોરીયાચ ટોલનાકા પાસેથી 3.21 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એક ઝડપાયો
- બાતમીને આધારે લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસની કાર્યવાહી, દારૂ ભરાવનાર, મંગાવનાર ત્રણને વોન્ટેડ જાહેર કર્યાં
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસે મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો આઈસર ટેમ્પો (નં. ડીડી-01-એલ-9807) આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 3,21,600 રૂપિયાની વિદેશી દારૂની ૩૧૯૨ નંગ બાટલીઓ મળી આવતા સેલવાસ, દાદરા નગર હવેલી સામરવરણી વડ ફળીયામાં રહેતા રિતિક ભરતભાઈ પટેલને ઝડપી પાડયો હતો.
પોલીસે રિતિકની પૂછપરછ કરતા વલસાડના પારડી તાલુકાના અંબાચ ગામે રહેતા સ્નેહલ પટેલે અને સેલવાસ દાદરા નગર હવેલી સામરવરણી વડ ફળીયામાં રહેતા જન્મેશ ભરતભાઈ પટેલે દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સ્નેહલ પટેલના માણસે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે સ્નેહલ, જન્મેશ અને સ્નેહલના માણસને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 10 લાખનો ટેમ્પો, રોકડા 1 હજાર રૂપિયા અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 13,27,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ધોળાપીપળા ઓવરબ્રિજ પાસેથી 1.32 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો
નવસારી : નેશનલ હાઈવે નં. 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ પાસેથી 1.32 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે નવસારી ગ્રામ્ય પોલીસે એકને ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ પાસેથી એક ટેમ્પો (નં. જીજે-16-એવી-8214)ને રોકી તપાસ કરી હતી. ટેમ્પાના ચોર ખાનામાંથી પોલીસને 1.32 લાખના વિદેશી દારૂની 720 નંગ બાટલીઓ મળી આવતા પોલીસે વલસાડના ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે મંદિર ફળીયામાં રહેતા ડ્રાઈવર રાહુલ ચુનીલાલ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે રાહુલની પૂછપરછ કરતા સેલવાસ દપાડા ગામે રહેતા લાલીયાએ વિદેશી દારૂ ભરાવી આપ્યો હતો અને સુરત ગોડાદરા આસપાસ મંદિરની સામે હળપતિ વાસમાં રહેતા તાલીબ ઉર્ફે રાજુશીલા ઇન્દ્રીશ મિર્ઝાએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે લાલીયા અને તાલીબ ઉર્ફે રાજુશીલાને વોન્ટેડ જાહેર કર્યા હતા. બીજી તરફ બુટલેગરો પોલીસથી બચવા માટે વાહનોની નંબર પ્લેટો બદલી દેતા હોય છે. જેથી પોલીસે ઝડપાયેલા ટેમ્પા બાબતે તપાસ કરતા ટેમ્પાની નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને 3 લાખ રૂપિયાનો ટેમ્પો મળી કુલ્લે 4.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.