નવસારી : (Navsari) પહેલા તબક્કાના મતદાનમાં ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) નવસારી જિલ્લાની ચાર બેઠકો માટે મતદાન (voting) થઇ ગયું છે. પરંતુ ટોક ઓફ ધ ટાઉન મુદ્દો એ રહ્યો કે જિલ્લામાં કોંગ્રેસ અને આપનો ત્રિકોણીયો જંગ હોવા છતાં બંને પક્ષોના પ્રચાર કેમ સુસ્ત રહ્યો. ન કોઇ મોટા નેતાએ સભાઓ ગજવી ન તો સ્થાનિક નેતાઓએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો !નવસારી જિલ્લામાં નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદા બેઠકોનો સમાવેશ થાય છે. હાલમાં આ ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો પર ભાજપ અને વાંસદાની બેઠક પર કોંગ્રેસનો કબ્જો છે. આ ચારે બેઠકો પર પહેલી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. એ સંજોગોમાં એમ લાગતું હતું કે આ જંગ ખૂબ જ રસપ્રદ રહેશે.
આ જંગ ખાસ રસકસ વિનાનો સાબિત થયો છે
આ જંગ ખાસ રસકસ વિનાનો સાબિત થયો છે. પ્રચારની વાત કરીએ તો ભાજપનો પ્રચાર કરવા તો ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જંગમાં ઉતર્યા હતા. એ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ પણ જિલ્લામાં ઠેર ઠેર સભાઓ કરી હતી. ભાજપ માટે તો અહીંની ત્રણ બેઠક તો ભાજપનો ગઢ ગણાય છે, છતાં મોદી ખૂદ પ્રચાર કરવા આવ્યા હતા. એ ઉપરાંત સ્લીપ વહેંચવા માટે પણ કાર્યકરો ઘરે ઘર નીકળ્યા હતા. એ ઉપરાંત સ્થાનિક કક્ષાએ પણ પ્રચાર થતા રહ્યો હતો. વ્યક્તિગત સંપર્ક ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પ્રચાર થયો હતો.
જિલ્લાની ચાર બેઠકો જીતવા માટે કોઇ પ્રયાસ દેખાયા નહીં
બીજી તરફ ભાજપને હરાવવા માટે મેદાને પડેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો સાવ સુસ્ત સાબિત થઇ હતી. કોંગ્રેસમાં કોઇ મોટા ગજાના નેતાઓ મેદાનમાં ઉતર્યા ન હતા. એ તો રાજ્ય કક્ષાએ પણ વર્તાતુ હતું. એમ છતાં ઉમેદવારોએ રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીએ તો ફક્ત ઉમેદવારી કરવા જેટલી જ તસ્દી લીધી હતી. બીજી તરફ આપના નેતાઓ સરકાર રચવાના બણગાં ફૂંકે છે, તે કેટલા માની શકાય ? નવસારી જિલ્લાની ચાર બેઠકો જીતવા માટે તેમના કોઇ પ્રયાસ દેખાતા ન હોય, એવી તો બીજી કેટલીય બેઠકો હશે, એ બધા પર સુસ્તી હોય તો તેનો ફાયદો ક્યાંથી થઇ શકે ? આ સુસ્તી પાછળનું કારણ કયું? શું પહેલેથી જ કોંગ્રેસ અને આપ પરાજય પામી ગયા હતા કે સ્થાનિક નેતાઓએ ભાજપ સાથે સેટીંગ કરી નાંખ્યું હતું ?