નવસારી: (Navsari) ગણદેવીના દુવાડા ગામે થયેલી મહિલાની હત્યાના (Murder) આરોપીને નવસારી એલ.સી.બી. પોલીસે (Police) ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. હત્યાના આરોપીએ પોલીસ સમક્ષ એવી સ્ફોટક કબૂલાત કરી હતી કે તે યુવતીને શરીર સંબંધ બાંધવા માટે લઈ આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પૈસા અંગે માથાકૂટ થતાં યુવતીએ આરોપીને બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી. જેથી ઉશ્કેરાઈને આરોપીએ યુવતીની હત્યા કરી હતી અને નાસી છૂટ્યો હતો. પોલીસે મયુર ઉર્ફે માયાની ધરપકડ કરતા મયુરનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. જેમાં ગત 2016માં મયુર ઉર્ફે માયાએ તેના પિતાની હત્યા કરી હતી. જે બાબતે ગણદેવી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
- ગણદેવીના દુવાડામાં શરીર સંબંધ બાધ્યા બાદ પૈસાની માથાકૂટમાં યુવતીની હત્યા
- દુવાડાની ખેતરાડીમાંથી ગત 20મીએ મળેલી યુવતીની લાશની ઓળખ અને તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
- પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્માર્ટ સર્વેલન્સને આધારે હત્યારાને દબોચી લીધો
મળતી માહિતી મુજબ, ગત 20મીએ ગણદેવીના દુવાડા ગામે શ્રીરામ કવોરીની સામે ચીમનભાઈ પટેલની ખેતરાડી જગ્યામાં કોઈ અજાણ્યા ઇસમે દુવાડા ગામે વડ ફળીયામાં રહેતી હીનાબેન ઉર્ફે હેતલબેન અર્જુનભાઈ નાયકાને દુપટ્ટા વડે ગળે ટુંપો આપી તેમજ માથાના ભાગે તથા કપાળના ભાગે અને ડાબી આંખની નજીકમાં કોઈ તિક્ષ્ણ ધારવાળા બોથડ પદાર્થથી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી નાસી ગયો હતો. ગામજનોને હીનાબેન ઉર્ફે હેતલબેનની લાશ મળતા ગણદેવી પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે નવસારી જીલ્લા પોલીસ વડાએ નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને જરૂરી સૂચનો આપ્યા હતા. જેથી એલ.સી.બી. પોલીસે ઘટના સ્થળની આજુબાજુના તેમજ તે જગ્યાને જોડતા રસ્તાઓ ઉપર ફીટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી એનાલીસીસ કરતા તેમજ ટેકનીકલ સોર્સ મારફતે જણાઈ આવ્યું હતું કે, ગત 19મીએ સાંજે પાંચેક વાગ્યે એક કાળા રંગની હીરો સ્પ્લેન્ડર બાઈક ઉપર એક ઇસમ મૃતક હીનાબેન ઉર્ફે હેતલબેનને બેસાડી લઈ જતો દેખાય છે અને સાડા છ વાગ્યે ઇસમ એકલો બાઈક લઈને આવતો દેખાય છે. જેથી સીસીટીવી કેમેરામાં દેખાતો બાઈક ચલાવનાર ઇસમ બાબતે ટેકનીકલ સોર્સ મારફતે વર્ક આઉટમાં હતા.
દરમિયાન પોલીસે બાતમીના આધારે ગણદેવી સુગર ફેક્ટરી ચાર રસ્તાની સામે નીચલું ફળીયામાં રહેતા મયુર ઉર્ફે માયા રાજુભાઈ હળપતિને તેના ઘરેથી ઝડપી પાડયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા મયુર ઉર્ફે માયાએ જણાવ્યું હતું કે ગત 19મીએ હીનાબેન ઉર્ફે હેતલબેન આરોપી મયુર ઉર્ફે માયા સાથે તેની બાઇક ઉપર જતી હતી. દરમિયાન આરોપી મયુર ઉર્ફે માયાએ હીનાબેન ઉર્ફે હેતલબેનને શરીર સબંધ બાંધવા જણાવ્યું હતું. જેથી હીનાબેન ઉર્ફે હેતલબેને તેની પાસેથી શરીર સબંધ બાંધવાના 2500 રૂપિયા માંગ્યા હતા. જેથી તેઓએ ખેતરાડી જગ્યામાં જઈ શરીર સબંધ બાંધ્યા હતા. પરંતુ શરીર સબંધ બાંધ્યા બાદ આરોપી મયુર ઉર્ફે માયાએ પૈસા આપવા બાબતે માથાકૂટ કરતા હીનાબેન ઉર્ફે હેતલબેને પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ કરવાનું કહેતા મયુર ઉર્ફે માયાએ આવેશમાં આવી હીનાબેન ઉર્ફે હેતલબેનની હત્યા કરી દીધી હોવાનું કબુલ્યું છે. પોલીસે તેની કબુલાતને આધારે તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ બીલીમોરા સર્કલ પી.આઈ.ને સોંપી છે.