નવસારી: નવસારી(Navsari) જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ(Heavy Rain)ને કારણે નવસારી જિલ્લામાં પૂર્ણા(Purna), અંબિકા(Ambika), અને કાવેરી(Kaveri) નદી(River)માં પુર(Flood) આવતા ભારે તારાજી સર્જાય છે. નવસારી જિલ્લામાં આજે પુરના પાણી ઉતરતા ઠેર ઠેર તબાહીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી અને સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે પૂર્ણા, અંબિકા, કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા ખેતીવાડી ઘર વખરી સહિત અનેક માલ મિલકતને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. ગણદેવી તાલુકામાં આંટલીયા અને ઊંડાચગામ ને જોડતો પુલ બેસી જતા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
નદીમાં ઘોડાપુરનાં પાણી ઉતરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા
નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે લોકમાતા અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા સમગ્ર જીલ્લામાં પાણી ફરી વળ્યા હતા. પૂર્ણા નદીમાં ઘોડાપૂરના કારણે પાણી ભરાતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. નવસારી શહેરમાં રેકોર્ડ બ્રેક પાણી ભરાયાં હતાં. પોશ વિસ્તારોમાં પૂરના પાણી ભરાતા લોકોની કિંમતી વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ જતાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આજે મેઘરાજા ધીમા પડતા લોકો રાહત અનુભવી રહ્યા છે. આજે સવારથી પૂર્ણા અંબિકા કાવેરી નદીમાં ઘોડાપૂરના પાણી ઉતરતા ભારે તારાજી અને ખાના ખરાબીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુર અસર ગ્રસ્ત વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જિલ્લામાં આજે તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. પૂર્ણા નદીના પુરના પાણી આજે ઉતરતા વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરમાં સાફ સફાઇ અભિયાન હાથ ધર્યું છે તેમજ નકશાનીનો સર્વે વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
કેલીયાડેમ અને જુજ ડેમ ઓવરફલો થતા લોકોને ફરી એલર્ટ કરાયા
નવસારી જિલ્લામાં પુરના કારણે બંધ કરવામાં આવેલા મહત્તમ રસ્તાઓ પુનઃ ચાલુ થઈ ગયા છે. જિલ્લાના અંબિકા નદી પર આવેલ કેલીયાડેમ અને વાંસદાની કાવેરી નદી પર આવેલ જુજ ડેમ ઓવરફલો થતાં લોકોને હજુ પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એન.ડી.આર. એફ ફાયર બ્રિગેડના જવાનો સ્થાનિક તરવૈયાઓની મદદથી અનેક લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.અને જિલ્લામાં પ00 થી વધુ લોકોનું રેસક્યું કરી બચાવી લેવામાં આવ્યા હતા. ગણદેવી તાલુકામાં ઉંડાચ અને આતાલીયા ગામને જોડતો કાવેરી નદી પરનો પુલ બેસી જતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેને પગલે ઊંડાચ ગામ સંપર્ક વિહોણા બની ગયું છે. તેમજ જલાલપોર તાલુકાના પૂર્ણા નદી કિનારે આવેલા તવડી ગામે પણ ભારે તારાજી સર્જાઈ હતી આજે પણ ગામમાં સવાર સુધી પુરના પાણી ભરાયેલા રહેતા વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. જેથી લોકોને ભારે મુશ્કેલી પડી હતી. તવડી ગામના લોકો વહીવટી તંત્રની તાકીદે મદદ મળે તેની રાહ જોઈ રહ્યા છે.
પૂરના કારણે પાંજરાપોળમાં મુંગા પશુઓએ જીવ ગૂમાવ્યો
નવસારી નેશનલ હાઈવે નં.48 ઉપર આવેલા ભગવાન મહાવીર પાંજરાપોળમાં પૂરના અને વરસાદી પાણી ભરાય જતા પાંજરાપોળમાં રાખવામાં આવેલા કેટલાંક ગૌવંશ મૃત્યુ પામ્યા હતાં. ઘાસચારોની ભારે અછત અને પાણી ભરાયેલા રહેતા ગૌવંશ પશુઓ બહાર ન નીકળી શક્તા દયનીય સ્થિતિ સર્જાય હતી. નવસારીના સામાજિક આગેવાનો અને ગૌરક્ષકો જીવદયાપ્રેમીઓએ ફાયર બ્રિગેડ અને એન.ડી.આર.એફની મદદથી પશુઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.