નવસારી: (Navsari) નવસારીમાં હીરાના કારખાનામાં રત્ન કલાકારનું (Diamond Worker) આકસ્મિક રીતે મોત નીપજ્યાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નગડલા ગામે અને હાલ જલાલપોર તાલુકાના હંસગંગા સોસાયટીમાં પ્રકાશભાઈ ઝીણાભાઈ સોંદરવા (ઉ.વ. 30) તેમના પરિવાર સાથે રહેતા હતા. પ્રકાશભાઈ શાંતાદેવી રોડ પર આવેલા આર.સી. જેમ્સ હીરાના કારખાનામાં રત્ન કલાકારનું કામ કરતો હતો.
ગત ૨૦મીએ પ્રકાશભાઈ રાબેતા મુજબ હીરાના કારખાનામાં કામ કરવા ગયો હતો. દરમિયાન કારખાનામાં થોડું કામ કરીને પાણી પીવા માટે ગયો હતો. જ્યાં તેને અચાનક ચક્કર આવી જતા પડી ગયો હતો. જેથી કારખાનાના અન્ય લોકોએ તેને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ભીખાભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.જે. કડીવાલાએ હાથ ધરી છે.
નવસારીમાં સાઢુભાઈના ઘરે આવેલા આધેડનું હૃદય રોગનો હુમલો આવતા મોત
નવસારી : નવસારીમાં સાઢુભાઈના ઘરે મહેમાનગતિ માટે આવેલા આધેડને હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર શિવનગર સોસાયટીમાં દિનેશભાઈ અવચરભાઇ મોકાસણા (ઉ.વ. 53) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 19મીએ દિનેશભાઈ શાંતાદેવી રોડ પર કૃષ્ણા પેલેસમાં રહેતા સાઢુભાઈના ઘરે મહેમાનગતિ માટે ગયા હતા. દરમિયાન ત્યાં તેમને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે કેતનભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.જે. કડીવાલાએ હાથ ધરી છે.