નવસારી: (Navsari) રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડ બાદ નવસારી જીલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. જેથી નવસારી જીલ્લા તંત્ર દ્વારા જીલ્લાના ગેમઝોનમાં સુરક્ષાના માપદંડોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમજ તંત્રએ જીલ્લાના કાર્યરત 6 ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા હતા. બીજી તરફ તંત્રએ વલસાડ (Valsad) અને ડાંગમાં પણ ચેકિંગ કર્યું હતું.
રાજકોટમાં નાના માવા રોડ પર વેલ્ડીંગ કામ કરતી વખતે સિલિન્ડર ફાટ્યું હતું. જેના કારણે ટીઆરપી મોલ ખાતે આવેલું ગેમઝોન પણ આગની ચપેટમાં આવી ગયું હતું. આ ભભૂકેલી આગને કારણે આખું ગેમઝોન માત્ર 30 સેકન્ડમાં જ બળીને ખાખ થઈ ગયો હતો. જેના પગલે ગેમઝોનમાં હાજર બાળકોના મોત નીપજ્યા હતા. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારે તમામ મિલકતોમાં ફાયર સેફટી ફરજીયાત લગાવવાનો આદેશ કર્યો હતો. ત્યારે હવે રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ થયા બાદ ગુજરાત સરકાર ફરી એકશનમાં આવ્યું છે.
ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા રાજકોટ જેવી ગંભીર ઘટનાઓ ન બને તે માટે સમગ્ર જીલ્લાના કલેકટર અને મેજીસ્ટ્રેટને સુચના આપવામાં આવી હતી. જેથી નવસારી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જીલ્લામાં કાર્યરત ગેમઝોનમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં વહીવટી તંત્રએ ગેમિંગ ઝોનની મંજુરી આપવા બાબતે, મંજુરી આપતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાને લેવામાં આવી, ગેમિંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજુરી મેળવવામાં આવી છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવી છે કે, ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવી છે કે કેમ, ફાયર સેફટી તેમજ આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા ઉપલબ્ધ છે કે કેમ, ઈમરજન્સી એક્ઝીટ માટેની વ્યવસ્થા છે કે કેમ, તેમજ સબંધિત ઓથોરીટી દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી છે. જેથી નવસારી જીલ્લામાં કાર્યરત 6 ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા છે.
ક્યા-ક્યા ગેમઝોન બંધ કરાવ્યા
ઇટાળવા વિશાલનગરની સામે ધ વિલ્સન પોઈન્ટમાં આવેલું ફનકીડો, ફન ફોર યુ, નેશનલ હાઈવે નં. 48 ઉપર ઉન ગામે ઉદય પેલેસ હોટલમાં આવેલ બેલી વેલી રિસોર્ટ, નેશનલ હાઈવે નં. 48 ઉપર મજીગામે આવેલ એસ.એસ. ગેમઝોન, ચીખલી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલા ફૂડ એન્ડ ફન મેળા તેમજ બીલીમોરા જવાહર રોડ પર વાંકા મહોલ્લામાં આગમ આર્કેડ ખાતે આવેલા કેન્ડી કિડસ ગેમઝોન બંધ કરવામાં આવ્યા છે.
વલસાડમાં મોલના ગેમઝોનમાં ફાયર એક્સિઝ સિલિન્ડર એક્સપાયરી ડેટના મળી આવ્યા
વલસાડ : રાજકોટમાં TRP ગેમ ઝોનમાં બનેલી કરુણ ઘટના બાદ વલસાડ વહિવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. વલસાડના અબ્રામા અને તિથલ રોડ સ્થિત ગેમઝોન પર ફાયર સેફ્ટી અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં ફાયબ્રિગેડની ટીમ સહિત મામલતદાર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર તપાસ શરૂ કરી હતી.
રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ વલસાડ ફાયરની ટીમ, ડિઝાસ્ટર મામલતદારની ટીમે વલસાડના ગેમઝોનની મુલાકાત લઈને ફાયર સેફ્ટીના સાધનો અને ઈન-એક્ઝિટ સહિતની જરૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વલસાડના તિથલ રોડ ઉપર આવેલા M2 મોલના ગેમઝોનની મુલાકાત લીધી હતી. ચેકિંગ સમયે એક મોપેડ ઉપર 10 થી વધુ ફાયર એક્સિઝ સિલિન્ડર એક્સપાયરી ડેટના મળી આવ્યા હતા. મોલ સંચાલકોએ એક વર્ષથી એક્સપાયર થયેલા ફાયર એક્સિઝ સિલિન્ડર રાખ્યા હોવાનું સામે આવ્યું હતું. એજન્સી સંચાલકને મોલ સંચાલકોએ આજે રિફીલિંગ કરવા જણાવ્યું હોવાનું એજન્સી સંચાલકે જણાવ્યું હતું.
રાજકોટમાં આવેલા TRP ગેમઝોનમાં શનિવારે લાગેલી આગની ઘટના માં 28 જેટલા લોકો ભૂંજાઈ ગયા હતા. ઘટનાને લઈને રાજ્યમાં આવેલા તમામ ગેમઝોન ઉપર ડિઝાસ્ટર મામલતદાર અને ફાયરની ટીમને ચેકિંગ કરવાની સૂચના અપાઈ હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં તમામ ગેમઝોન ઉપર ચકાસણી હાથ ધરાઈ છે.
ડાંગની વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ
સાપુતારા: રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બારે માસ પ્રવાસીઓનો કલરવ જોવા મળી રહે છે. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના મનોરંજન માટે અસંખ્ય એડવેન્ચર એક્ટિવિટીઓ ચાલી રહી છે. થોડા સમય પૂર્વે તક્ષશિલા કાંડ, બાદમાં મોરબીની બ્રિજ ઘટના અને વડોદરાની હરણી લેક ઘટના સૌ કોઈનાં મન હચમચાવી ચૂકી હતી. તેવામાં ગતરોજ રાજકોટ ખાતે ગેમઝોનમાં આગ લાગતા 27થી વધુ વ્યક્તિઓ આગમાં ભડથું થઈ જવા પામ્યા હતા. જેના પગલે આખુ ગુજરાત રાજ્ય શોકમગ્ન બન્યું છે.
રાજકોટમાં બનેલ દુર્ઘટનાનાં પગલે રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડ તથા નાયબ મામલતદાર પી.વી.પરમાર દ્વારા પેરાગ્લાયડીંગ, બોટિંગ, એડવેન્ચર પાર્ક સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળોએ સરપ્રાઈઝ મુલાકાત ગોઠવી ચેકીંગ હાથ ધર્યું હતું. સાપુતારા ચીફ ઓફિસર મેહુલ ભરવાડ તથા નાયબ મામલતદાર પી.વી.પરમાર દ્વારા સાપુતારા ખાતે ચાલતી એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળે ઈક્યુપમેન્ટ સહિત વિવિધ સાધનોની ચેકીંગ હાથ ધરી સંચાલકોને નીતિ નિયમો મુજબ સરકારની ગાઈડલાઈનની સુચનાઓનું પાલન કરવા કડક સૂચનાઓ આપી હતી. સાથે પ્રવાસીઓની સેફટી બાબતે કોઈ કમી ધ્યાનમાં આવશે તો તેઓ સામે કડક પગલા ભરવાની ચીમકી આપી હતી.