Dakshin Gujarat

નેશનલ હાઈવે નં. 48 ઉપર આવેલ આ હોટલના પાર્કિંગમાંથી મળી આવ્યો 2.38 લાખનો દારૂ

નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર વેસ્મા ગામે હોટલના (Hotel) પાર્કિંગમાંથી 2.38 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ (Alcohol) ભરાવનાર અને મંગાવનાર એકને વોન્ટેડ જાહેર કરાયો હતો.

  • વેસ્મા ગામે હોટલના પાર્કિંગમાંથી 2.38 લાખના દારૂ ભરેલા ટેમ્પા સાથે 3 ઝડપાયા
  • પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 4 લાખનો ટેમ્પો અને રોકડા રૂપિયા જપ્ત કર્યા

મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસે લીબર્ટી હોટલના પાર્કિંગમાં એક ટેમ્પો (નં. એમએચ-01-સીવી-5958) માંથી 2,38,500 રૂપિયાના વિદેશી દારૂની ૨૨૬૫ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે મહારાષ્ટ્રના થાણા જિલ્લાના ભીવંડી તાલુકાના શાંતિનગર ન્યુ આઝાદનગરમાં રહેતા જુલફેકાર અહમદ સિરાજુદ્દીન અંસારી, થાણા જિલ્લાના ભીવંડી તાલુકાના નયાગામ ગાયત્રી નગરમાં રહેતા સંતોષ નગીનભાઈ સિંગ અને સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે ગંગાધરા સ્વર્ગ વિલા સોસાયટીમાં રહેતા ઉત્તમભાઈ ચંદ્રમાભાઈ દુબેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા સુરત ગોડાદરા આદર્શ કુંજ સોસાયટીમાં રહેતા મિલન શંકર ઉર્ફે નાના અન્ના શિંદેએ વિદેશી દારૂ ભરાવી આપી અને મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે મિલન શંકર ઉર્ફે નાનાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 4 લાખનો ટેમ્પો અને રોકડા 980 રૂપિયા અને 15 હજાર રૂપિયાના 3 મોબાઈલ મળી કુલ્લે 6,54,480 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ધમડાછા ગામે અંબિકા નદીના પાણીમાં ડૂબી જતા બીલીમોરાના યુવાનનું મોત
નવસારી : ધમડાછા ગામે અંબિકા નદીના પાણીમાં ડૂબી જતા બીલીમોરાના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, બીલીમોરા આંતલિયા જી.આઈ.ડી.સી. આર.સી.એલ ક્વાટર્સમાં મિતેશભાઈ અર્જુનભાઈ પટેલ (ઉ.વ. 35) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 3જીએ મોડી સાંજે મિતેશભાઈ ધમડાછા ગામે અંબિકા નદી પાસે ગયા હતા. દરમિયાન અચાનક મિતેશભાઈ નદીના પાણીમાં પડી જઈ ડૂબી ગયા હતા. જેથી તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓ મળ્યા ન હતા. બીજા દિવસે 4થીએ સવારે મિતેશભાઈની લાશ મળી આવી હતી. આ બાબતે ગણદેવી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે કામીનીબેને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.

Most Popular

To Top