નડિયાદ: કડાણા ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો હોવાથી સિંચાઇ માટે પાણી આપવા પર બ્રેક મારવામાં આવી હતી. જેથી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકારે ખેડા જિલ્લામાં ડાંગર પાક માટે 15 એપ્રિલ સુધી નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાનું જાહેર કર્યું છે. ખેડા અને આણંદ જિલ્લાની ખેતી સિંચાઇના પાણી પર નિર્ભર છે. ત્યારે કડાણા ડેમમાં માત્ર 48 ટકા પાણીનો જથ્થો છે. જેથી સિંચાઇ માટે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક ખેડૂતોએ ઉનાળામાં કરેલી ડાંગર પાકને બચાવવા નહેરોમાં પાણી છોડવા માગણી કરી હતી. જેને ધ્યાનમાં લઇ ડાંગરના પાકને બચાવવા સિંચાઇ માટે નર્મદાના પાણી આપવા સરકારે નિર્ણય લેતા ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.
ખેડા અને આણંદ જિલ્લાની ખેતી સિંચાઇ પર નિર્ભર છે, ત્યારે કડાણા ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવકમાં સતત ઘટાડો નોધાઈ રહ્યો છે. તાજેતરમાં 20 માર્ચના રોજ આ ડેમમાં 56.48 ટકા પાણીનો પર્યાપ્ત જથ્થો હતો. જે માત્ર 20 દિવસમાં ઘટીને 47.97 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. આ ટૂંકા ગાળામાં જ પાણીના જથ્થામાં આઠ ટકા ઘટાડો નોંધાયો છે. તો હાલ કડાણા ડેમમાં પાણીની આવક ઘટતાં પીવાના પાણીનો સંગ્રહ કરવાના કારણે હવે સિંચાઇ માટે કડાણામાથી છોડાતુ પાણી બંધ કરવામાં આવ્યુ છે.
તો બીજી તરફ ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોએ ઉનાળામાં ડાંગરનો પાક કરતા આ પાકને ભરપુર પાણીની જરૂર રહે છે. સિંચાઇના પાણી આપવાનું બંધ કરવામાં આવતા ખેડૂતોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા માગણી કરી હતી.જેથી માતરના ધારાસભ્ય તેમજ સાંસદે રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં સરકારે નર્મદામાંથી પાણી સિંચાઇ માટે આપવાનુ જાહેર કરતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.
સરકારની જાહેરાત મુજબ આજથી સાત એપ્રિલથી એક સપ્તાહ સુધી નર્મદામાંથી પાણી સિંચાઇ માટે કેનાલોમાં છોડાયુ છે. ડાંગર પકવતા ખેડૂતોનો પાક બળી જવાની સંભાવના હતી તે હવે નર્મદાના નીરથી ડાંગરના પાકને જીવતદાન મળશે.