રાજપીપળા: કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. એપ્રિલ મહિનામાં કોરોનાના કેસો પિક પર હતા. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કડક નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી રહ્યા હોવાથી મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ (Tourists) માટે ખુલ્લું (Open) મૂકવામાં આવ્યું છે. શરૂઆતમાં માત્ર ઓનલાઇન ટિકિટ જ પ્રવાસીઓએ મેળવવાની હતી, ત્યારે પ્રથમ દિવસે 400 જેટલા પ્રવાસી આવ્યા હતા. મંગળવારે આવેલા પ્રવાસીઓમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભલે બીજા પ્રવાસન સ્થળો હજી પણ બંધ રાખવામાં આવ્યા છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખોલી દેવાયું છે. પ્રથમ દિવસે 400 જેટલા પ્રવાસી આવ્યા હતા. તમામ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે કોરોના કેસ વધારે હતા. ત્યારે માંડ રોજના માત્ર 15થી 20 પ્રવાસીઓ આવતા હતા. પરંતુ મંગળવારે ચારસો જેટલા પ્રવાસીઓ આવ્યા છે ત્યારે તંત્રને આશા છે કે પ્રવાસીઓની સંખ્યા હવે ધીરે ધીરે વધશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ માટે કાળજી પણ રાખવામાં આવી રહી છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ દરેક માટે ફરજિયાત છે. ઉપરાંત અલગ અલગ પોઇન્ટ પર સેનિટાઈઝર મૂકવામાં આવ્યા છે. મંગળવારે આવેલા પ્રવાસીઓમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઈંગ ગેલેરીમાં અગાઉ એક દિવસમાં માત્ર 200 જ પ્રવાસીઓને વ્યૂઈંગ ગેલેરી જોવાનું મર્યાદિત પણ કરાયું હતું, ને હવે પૂર્ણ ક્ષમતા એટલે કે 7000 સાથે શરૂ કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ વધતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતાં પ્રવાસીઓ માટે એપ્રિલ મહિનામાં કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવવું ફરજિયાત હતું. એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહાર આરોગ્ય વિભાગની ટીમ ગોઠવી દેવામાં આવી હતી, જે પણ પ્રવાસીઓ આવે એમણે રેપિડ ટેસ્ટ કરાવ્યા બાદ જેમનો નેગેટિવ રિપોર્ટ આવે તેમને નામ સાથે કોરોના નેગેટિવ લખેલું યલો કાર્ડ આપવામાં આવતું અને આ કોરોના રિપોર્ટ જોયા બાદ જ ઓન લાઈન ટિકિટ બુક કરાવેલા પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવેશ આપવામાં આવતો હતો.