Charchapatra

2024માં પુન: નરેન્દ્ર મોદી: શું ફેર પડે છે?

ગૃહમંત્રી અમિતા શાહે તાજેતરમાં જ કહ્યું કે 2024માં નરેન્દ્ર મોદી જ પુન: વડાપ્રધાન બનશે? તેના અનુસંધાનમાં કહેવાનું કે એનાથી શું ફરક પડશે? એમના આજ પર્યંતના 20 વર્ષના શાસનમાં ભારત પહેલા હતું એાન કરતાં વધારે સારૂ તો બન્યું નથી જ. સમાજ સુધારાનું કોઇ અનન્ય અને અભૂતપૂર્વ કામ તેઓ કરી શકયા તો નથી જ. કોટ, કિલ્લા, નગરો, મહેલો અને મિનારાઓ તો મોગલોએ પણ બનાવ્યા હતા. એમની જેમ જ એકસપ્રેસ હાઇવે, પુલો, મેટ્રો-બુલેટ ટ્રેનો, મંદિરો અને મોલો બનાવવા એ કોઇ અનોખુ ભવ્ય કાર્ય તો નથી જ. કોમ-કોમ વચ્ચે વિશ્વાસ, પ્રેમ અને સહોદરભાવ વધે એવું એક પણ પગલુ ભર્યું છે ખરૂં?

દેશમાં સત્યને આધારે ન્યાય તોળવામાં આવે છે કે બળવાન ગુંડાગીરીના દબાણમાં ન્યાય અપાય છે? પેન્ડોરા પેપરવાળા 300થી વધારે ચોર લોકોને કોઇ શિક્ષા 56ની છાતીવાળા વડાપ્રધાન કરી શકશે ખરા? સ્વચ્છ ભારત અભિયાનના 20 વર્ષ પછી કચરાના ઢગલાઓ ઉપાડવામાં હજી બીજા 20 વર્ષ તો લાગશે જ ને? ભ્રષ્ટાચારમુકત ભારત અને ગંદકીમુકત ગંગાની આશા જ ઠગારી નીવડી નથી? દેશની 90 ટકા સંપત્તિ 10 ટકા લોકો પાસે જ કાયમ રહેવાની હોય અને 90 ટકા લોકો કાયમ ગરીબી, ભૂખમરો, બેરોજગારી અને કંગાલિયતમાં જ સબડતા રહેવાના હોય તો નરેન્દ્ર મોદી હોય કે ન હોય શું ફેર પડે છે?
કડોદ     – એન. વી. ચાવડા          -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top