Business

નાદાન સાથે નાદાનની દોસ્તી; બિડેનની બેરૂખી

થોડા વખત અગાઉ, ગુજરાત સરહદને અડતા મહારાષ્ટ્રના તલાસરી પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર નપાવટ અને નીચ પોલીસના જવાનોએ બે ગુજરાતી શરણાગત સાધુઓને હાથ પકડીને રાક્ષસી ટોળાંને હવાલે કરી દીધા હતાં. સાધુઓ ફફડતા, કરગરતા હતા. એક તો વૃધ્ધ હતા. ટોળાએ સાધુઓને એટલા માટે પિંખી નાખ્યા કે એ સાધુઓ હતા. અમેરિકી પ્રમુખ જો બિડેને આવા જ હાલ આખા અફઘાનિસ્તાન અને તેની પ્રજાના કર્યા છે.

એકવીસ એકવીસ સાલથી કબજો કર્યો. ત્રણ ટ્રિલિયન ડોલર જેવડી પ્રચંડ રકમનું રોકાણ કર્યું જે હવે આંધણ પુરવાર થઇ રહ્યું છે. તાલીબાનના શાસનમાં પડીને પાદર થયેલા અફઘાનિસ્તાનને બેઠું કરવા અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ભારત જેવા દેશની મદદ લીધી. મનમોહન અને સોનિયાને જાગતિક મંચના હીરો – હીરોઇન બનવું હતું. ભારતે પણ અફઘાનિસ્તાનમાં ચાર અબજ ડોલરનું રોકાણ કર્યું અને ભારતના રસ્તાઓ અને હોસ્પિટલો બિસ્માર રહી ગયા. વર્તમાન સરકારે પણ એજ કડી આગળ વધારી.

વીસ વરસના અમેરિકી કબજા બાદ અફઘાનિસ્તાન પાટા પર ચડી ગયું હતું. તાલીબાનની વગ દક્ષિણની પાકિસ્તાન નજીકની સરહદો પર મર્યાદિત હતી. એક યોગ્ય વ્યવસ્થા સ્થાપવામાં આવી હતી. તે સ્થિતિ પ્રાપ્ત કરવા અમેરિકા અને યુરોપના NATO દળોએ હજારો જવાનો અને ભારત સહિત જાગતિક સંસ્થાઓએ અસંખ્ય કાર્યકરોના જીવ ગુમાવ્યા છે. એ સંવારેલું, સજાવેલું અફઘાનિસ્તાન હવે પ્રમુખ જો બિડેને તાસકમાં ઉપાડીને તાલીબાનને સમક્ષ ધરી દીધું છે.  

અમેરિકાએ વિયેતનામ યુદ્ધ જેવા ઘણા લાંબા યુદ્ધો ખેલ્યાં છે પરંતુ અફઘાનિસ્તાનમાં તાલીબાન સામેનું યુદ્ધ અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ યુદ્ધ છે. અર્થ નિષ્ણાતો કહે છે કે આ યુદ્ધનો ખર્ચ ઉઠાવવા માટે અમેરિકાએ નાણાં ઊછીનાં લીધાં હતા તે દેવાનો બોજ અમેરિકી નાગરિકો વરસો સુધી સહન કરશે. હજારો અમેરિકી નાગરિકો, અમેરિકી અને NATO સૈનિકો માર્યા ગયા. તેનાથી અનેકગણા અપંગ બન્યા. વરસ ૨૦૦૧ માં આ યુદ્ધ શરૂ થયું પછી હાલમાં અમેરિકામાં જીવતી વસતિના ૨૫ % (એટલે ચતૂર્થાંશ) વસતિનો જનમ થયો છે. યુદ્ધમાં ગયા એપ્રિલ સુધીમાં ૨૪૪૮ (લગભગ અઢી હજાર) સૈનિકો, ૩૮૪૬ અમેરિકી કોન્ટ્રાકટરો, ૬૬  હજાર અફઘાની સૈનિકો અને પોલીસમેન ૧૧૪૪ NATO દેશોના સૈનિકો, માર્યા ગયા છે. ૪૭,૨૪૫ અફઘાન નાગરિકો, ૫૧૧૯૧ તાલીબાનનો સંહાર થયો છે.

અમેરિકાએ અચાનક, શાંતિપૂર્વક સત્તાનું હસ્તાંતરણ થાય તેની વ્યવસ્થા કર્યા વગર અફઘાનિસ્તાનને તાલીબાનને ભરોસે છોડી દીધું. પ્રમુખ બિડેને પરાજય સ્વીકારી લીધો પણ અફઘાનિસ્તાન એવી કોઇ લાચાર સ્થિતિમાં ન હતું કે ભગવાન ભરોસે રેઢું મૂકી દેવું પડે. જે લોકો, જેની સંખ્યા લાખોમાં છે, તેઓના માટે યોગ્ય સેટલમેન્ટની વ્યવસ્થા કરાવીને અમેરિકા તાલીબાનને છૂટો દોર આપી શકયું હોત. લાખો લોકોની લાશો ઢાળીને, ત્રણ હજાર અબજ અમેરિકી ડોલર વેડફીને આખરે જો બિડેને દળી દળીને ઢાંકણીમાં ઊઘરાવ્યું. આજે તાલીબાને અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબજો જમાવ્યો છે.

અમેરિકી ઢીંગલી સમાન રાષ્ટ્રપતિ અશરફ ગની અને એમના દરબારીઓ ભાગીને પડોશના તઝાકિસ્તાનમાં ઘૂસી ગયા છે. સામાન્ય પ્રજા દિગ્મૂઢ બનીને ચારે તરફ અથડાઇ – કૂટાઇ રહી છે. જાયે તો જાયે કહાં? લગભગ વીસેક વરસના ઠીક ઠીક શાંતિના સમયમાં લોકો શાંતિ અને સુખાકારીનો અનુભવ કરી રહ્યા હતા. તેઓ ડરી ગયા છે. તાલીબાનની પ્રકૃતિ બદલો લેવાની રહી છે તેથી વધુ ડરી ગયા છે.

વળી પાછા મધ્યકાલીન સમાજ વ્યવસ્થામાં જીવન ગુજારવું પડશે તે ડર સતાવી રહ્યો છે. લોકોએ પોતાનાં બિસ્તરાં પોટલાં બાંધ્યાં છે. વિમાનમથકો પર અને પાસપોર્ટ ઓફિસોમાં ગીરદી કરી મૂકી છે. તેઓને કયાંક જતું રહેવું છે. પણ કયાં જવું છે તેની ખબર નથી, અને ખબર હોય તો ત્યાં પહોંચવાની કોઇ વ્યવસ્થા નથી. લોકો હાંફળાફાંફળા, ભાગતા – દોડતા તૈયારીઓ કરી રહ્યા છે. કપાળ પરના પરસેવામાંથી ચિંતા અને ભય ટપકે છે. હવે તાલીબાને સંપૂર્ણ સત્તા સંભાળી છે જયારે લોકોને અભયવચન આપે અને અત્યાચારો ના ગુજારે તો મોટી રહેમ ગણાશે.

પ્રમુખ જો બિડેન પોતાના આ કૃત્ય વડે જગતમાં પોતાને શાંતિના મસીહા તરીકે સ્થાપવા માગતા હતા. પણ એમનો દાવ ઊલટો પડયો છે. આજે દુનિયાની લગભગ તમામ સરકારો, તમામ નારીવાદી સંસ્થાઓ, ઘરઆંગણાના વિપક્ષો, કટારલેખકો બિડેનની ભર્ત્સના કરી રહ્યા છે. અફઘાનો પડોશના ઇરાન, તુર્કી, તુર્કમેનિસ્તાન, તઝાકિસ્તાન અને પાકિસ્તાન તરફ પલાયન કરી રહ્યા છે. તેઓને ડર છે કે તાલીબાન જરૂર ખૂન્નસ કાઢશે. શરણાર્થીઓની આ સમસ્યા, સિરિયાના શરણાર્થીઓ જેવી ગંભીર બનશે. આ વખતે યુરોપના દેશો દરવાજા ખોલશે તેવી શકયતા ખૂબ ઓછી છે. કારણ કે જર્મનીના એંજલો મરકલ ૧૧ લાખ સિરિયનોને આશ્રય આપ્યો બાદ જર્મનો નારાજ થયા છે અને અમુક ઘટનાઓએ યુરોપીઅન રાષ્ટ્રોને ડરાવી દીધા છે.

અફઘાનિસ્તાનમાંથી સામાન્ય નાગરિકો ભાગી રહ્યા છે અથવા ભાગવાની પેરવીમાં છે ત્યારે પાકિસ્તાનમાંથી હજારો જેહાદીઓ અફઘાનિસ્તાનમાં પહોંચ્યા છે અને તાલીબાન સાથે હાથ મીલાવ્યા છે. અફઘાનિસ્તાન એવું કોઇ મોટું અર્થતંત્ર નથી. ઉદ્યોગ-ધંધાઓ નહીંવત છે. રાષ્ટ્રને ચલાવવા માટે અમેરિકાને જે નાણાંની જરૂર હતી તે અમેરિકનો પાસે પુષ્કળ હતા. સુંદર હોસ્પિટલો, સરકારી ભવનો, માર્ગો વગેરે અમેરિકાએ બાંધ્યા છે. અસરકારક સરકારી તંત્રો ઊભાં કર્યાં છે. એ ચલાવવાના નાણાં તાલીબાન કયાંથી મેળવશે? દુનિયામાં તાલીબાનને નાણાં ધીરે એવો કોઇ દેશ નથી. ચીન અને રશિયાને અમેરિકાની વિદાયથી ફાવતું મળી ગયું છે પણ સોવિયેત સંઘે અફઘાનિસ્તાનમાં હાથ બરાબર દઝાડયા હતા.

ચીન કોઇ નવી યોજનાઓ લાવી શકે છે. પણ તેમ કરવામાં પોતાના ઉઇધર પ્રદેશના મુસ્લિમો બાબતમાં કોઇક ઊથલપાથલને આમંત્રણ આપવું પડે. તાલીબાને જાહેર કર્યું છે કે તે ઉઇધરના મુસ્લિમોના મુદ્દાને ડીપ ફ્રીજમાં મૂકી, ચીન સાથે સંબંધો જાળવવા આતુર છે, પણ બન્નેના સંબંધો પરસ્પર શંકા અને ડરના હશે. સામ્યવાદીઓ અને મુસ્લિમ રૂઢીવાદીઓ વચ્ચે હંગામી સમય માટે, અમેરિકાને નીચું બતાવવા કાજે સંબંધો બંધાય તો પણ તે કાયમી અને ફળદ્રુપ નહીં હોય. અફઘાનિસ્તાનની માટીમાં રહેલા ખનીજો, ધાતુઓ પર ચીનનો ડોળો છે. તેનું શોષણ કરવાનો પ્રયત્ન થશે. પણ આ સંબંધો શિયાળ અને ઊંટની મિત્રતા જેવા થશે.

પાકિસ્તાનીઓ મનમાં ફૂલાતા હશે તો પણ અફઘાનિસ્તાન તેના માટે લાંબા ગાળાની આધાશીશી પુરવાર થશે. તાલીબાન અને ત્રાસવાદ સાથે તેનું નામ હંમેશા જોડાયેલું રહેશે. પરિણામે જગતના આર્થિક મંચ સાથે પાકિસ્તાને હંમેશા કાકલૂદીઓ કરતા રહેવું પડશે. તાજેતરમાં જ યુરોપીય સંઘે પાકિસ્તાનમાં નિર્મિત કપડાં અને અન્ય ચીજો યુરોપમાં આયાત કરવા પર 20% ની ટેરિફ (જકાત) લાદી દીધી છે. પાકિસ્તાનના વિકાસને લક્ષમાં રાખીને અગાઉ તેને વરસો સુધી આ જોગવાઇમાંથી મુકિત આપવામાં આવી હતી જેથી પાકિસ્તાન વિકાસ કરી શકે. જ્યાં સુધી પાકિસ્તાન અમેરિકાની ગૂડ બુકમાં હતું અને અમેરિકાને અફઘાનિસ્તાનના સંદર્ભમાં પાકિસ્તાનની જરૂર હતી ત્યારે પાકિસ્તાનના વિકાસને કારણ બનાવી અમેરિકાએ પાકિસ્તાનને વારંવાર તગડી લાંચ – રૂશ્વત આપી હતી. હવે ચીન મદદ કરે છે પણ ચીન શુદ્ધ વેપારી નીતિ ધરાવે છે.

સહાય કરતા ફાયદાનું વધુ વિચારશે. વાસ્તવમાં અમેરિકાના જતા રહેવાથી, અને બે વરસ અગાઉ જતા રહેવાની શકયતા ઊભી થઇ ત્યારથી પાકિસ્તાન પોતાને અનાથ અનુભવી રહ્યું છે. બરાક હુસૈન ઓબામા નામનો રાહબર અને દિલબર જતો રહ્યો ત્યારથી પાકિસ્તાનનું કટોરું ખાલી રહેવા માંડયું છે. હવે તાલીબાનની ખરાબ પ્રતિષ્ઠા અને પાકિસ્તાનની સહેલી આબરૂનો સરવાળો થશે. રશિયા, ચીન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાનની ધરી રચાશે પણ તે સામે સાઉદી અરેબિયા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મધ્યપૂર્વ, ભારત વગેરે પાકિસ્તાનની સાથે નહીં હોય.

અફઘાનિસ્તાનમાં તાલિબાન, અન્ય ત્રાસવાદી સંગઠનો જૈશે મોહમ્મદ, હરકત ઉબ અન્સાર, ISI, અલ-કાયદા વગેરેને આશ્રય અને નાણાં આપશે. જગતના મંચ પર પાકિસ્તાન ડોળ ઘાલશે કે અમે ત્રાસવાદ સાથે નથી, પણ તે વધુ દંભી પુરવાર થશે. ઘણા લોકો હવે મિત્રો બની રહ્યા છે, જેઓ જૂની શંકાઓ અને પરસ્પર વિરોધી હિતો ધરાવે છે. હવે પછીનો મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને તેઓના સંદર્ભમાં ચીન તેમજ રશિયાનો એક નવો સમય  શરૂ થાય છે. એક નવી રમત શરૂ થવાની છે જેમાં કેવા ચડાવ – ઊતાર આવશે અને શું પરિણામો આવશે તે કોઇ જાણતું નથી.

Most Popular

To Top