મુંબઈ: મુંબઈ (Mumbai) પોલીસે (Police) શહેરના માર્ગો પર બોલીવૂડ (Bollywood) અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને લિફ્ટ ઓફર કરતી વખતે હેલ્મેટ ન પહેરવા બદલ બે મોટરસાઇકલ સવારો પર દંડ ફટકાર્યો છે. એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ”મુંબઈના રસ્તાઓ પર હેલ્મેટ વિના બાઇક ચલાવવા બદલ અમિતાભ અને અનુષ્કા બંનેને તેમના રાઇડર્સ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.” અધિકારીએ જણાવ્યું હતું કે, બે અલગ-અલગ ઘટનાઓમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ધ્યાન દોર્યું હતું કે, સવારોએ ફરજિયાત હેલ્મેટ નિયમનું ઉલ્લંઘન કર્યું છે તે પછી દંડ લાદવામાં આવ્યો હતો.
મુંબઈ ટ્રાફિક પોલીસે બંને વાહનોના સવારો સામે મંગળવારે જારી કરાયેલા ચલણની નકલો તેમના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરી હતી. અભિનેત્રી અનુષ્કા શર્મા તાજેતરમાં જ મોટરબાઇક પર સવારી કરતી જોવા મળી હતી, જેમાં બંને સવારો હેલ્મેટ વિના હતા. નેટીઝન્સે તેની ટીકા કરી હતી અને કેટલાક લોકોએ પોલીસના ટ્વિટર હેન્ડલ પર ક્લિપ્સને ટેગ કરીને મુંબઈ પોલીસના ધ્યાન પર લાવ્યા હતા. તેની નોંધ લેતાં પોલીસે વાહન સવાર સામે 10,500 રૂપિયાના દંડ સાથે ચલણ જારી કર્યું હતું. એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ ટ્રાફિક પોલીસે ચલણની નકલ સાથે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ”સેક્શન 129/194(ડી), કલમ 5/180 અને કલમ 3(1)181 એમવી એક્ટ હેઠળ ચાલકને રૂ. 10,500ના દંડની સાથે ચલણ જારી કરવામાં આવ્યું છે અને ગુનેગાર દ્વારા ચૂકવવામાં આવ્યું છે.” મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ થોડા દિવસો પહેલા શહેરના ટ્રાફિક વચ્ચે મુસાફરી કરવા માટે મોટરબાઇક પર લિફ્ટ લેતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, મહાનાયકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રાઇડની તસવીરો શેર કરી હતી અને તેમાં સવાર લોકો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા. નેટીઝન્સે ધ્યાન દોર્યું કે સવાર અને અભિનેતા બન્નેએ હેલ્મેટ પહેર્યું ન હતું, જેના પગલે મુંબઈ પોલીસે કહ્યું કે તેઓએ આ માહિતી ટ્રાફિક શાખા સાથે શેર કરી છે. ટ્રાફિક પોલીસે મંગળવારે મોડી રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ”એમવી એક્ટની કલમ 129/194(ડી) હેઠળ 1000 રૂપિયાના દંડ સાથે ચલણ જારી કરવામાં આવ્યું છે અને તે ગુનેગાર દ્વારા ચૂકવવામાં આવ્યું છે.”