Editorial

મુલામય સિંહની વિદાય: સમાજવાદી રાજકારણમાં એક પ્રકરણની સમાપ્તિ

આપણા દેશના રાજકારણમાં એક નોંધપાત્ર બાબત એ છે કે કેટલાક નેતાઓ પ્રાદેશિક નેતાઓ હોવા છતાં અને પોતાના પ્રદેશના રાજકારણમાં જ મોટે ભાગે રચ્યા પચ્યા રહેતા હોવા છતાં રાષ્ટ્રીય રાજકારણ પર પણ તેમનો પ્રભાવ નોંધપાત્ર રહે છે અને તેવા નેતાઓમાંના એક નેતા મુલાયમ સિંહ યાદવ હતા. સોમવારે મુલાયમ સિંહે આ દુનિયામાંથી વિદાય લીધી. સમાજવાદી પાર્ટીના આ સ્થાપક, પીઢ રાજકારણી અને કુશળ વ્યુહરચનાકાર મુલાયમ સિંહ યાદવના અવસાન સાથે ઉત્તર પ્રદેશમાં જાણે એક યુગની સમાપ્તિ થઇ છે.

મુલાયમ સિંહની બાબતમાં એક સૌથી નોંધપાત્ર વાત એ હતી કે તેમના જીવનમાં અનેક ચડાવ ઉતાર આવ્યા, પરંતુ તેમનો એક ટેકેદાર વર્ગ એવો હતો કે તેના માટે મુલાયમ સિંહ યાદવ હંમેશા સન્માનીય નેતાજી રહ્યા. વડાપ્રધાનપદના પણ દાવેદાર તરીકે પણ જેમની ગણના થતી હતી તેવા મુલાયમ સિંહ યાદવ એક દિગ્ગજ નેતા હતા. કેટલાક લોકો આ વાત નહીં માને પણ તેઓ દિગ્ગજ કહી શકાય તેવા નેતા હતા જ. તેમનું અવસાન થતા જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુલાયમ સિંહ જ્યાં અવસાન પામ્યા તે ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં પહોંચી ગયા અને વિચારધારાની રીતે મુલાયમના સખત વિરોધી એવા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુલાયમના વતન સૈફઇ પહોંચી ગયા તે બાબત જ મુલાયમ સિંહના રાજકીય કદાવરપણાની ગવાહી છે.

ઉત્તર પ્રદેશના ઇટાવાહ નજીક આવેલા સૈફઇમાં ૨૨ નવેમ્બર, ૧૯૩૯માં એક ખેડૂત કુટુંબમાં જન્મેલા મુલાયમ સિંહ યાદવ તરૂણ અવસ્થામાં જ રામ મનોહર લોહિયાની સમાજવાદી ચળવળથી ખૂબ પ્રભાવિત થયા અને આ ચળવળનો ભાગ બન્યા, નાની વયે રાજકારણમાં પ્રવેશીને બાદમાં અનેક હોદ્દાઓ પર પહોંચ્યા પરંતુ સમાજવાદી વિચારધારા સાથે આજીવન સંકળાયેલા રહ્યા અને જીવનભર બિનસાંપ્રદાયિકતાના ચુસ્ત ટેકેદાર રહ્યા. એક કુસ્તીબાજમાંથી શિક્ષક અને ત્યારબાદ રાજકારણી બનેલા મુલાયમ સિંહ દસ વખત ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા, ત્રણ વખત યુપીના મુખ્યમંત્રી બન્યા અને લોકસભામાં ચૂંટાઇને દેશના સંરક્ષણ મંત્રી પણ બન્યા.

વિદ્યાર્થી ચળવળથી શરૂઆત કરનાર મુલાયમ સિંહે પોલીટિકલ સાયન્સની ત્રણ ડીગ્રીઓ મેળવી હતી અને થોડોક સમય એક ઇન્ટર કોલેજમાં અધ્યાપન કાર્ય પણ કર્યું. તેઓ ૧૯૬૭માં લોહીયાની સંયુક્ત સોશ્યાલિસ્ટ પાર્ટીમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. બીજા વર્ષે તેઓ ચૌધરી ચરણ સિંહના ભારતીય ક્રાન્તિ દલમાં જોડાયા. આ પક્ષ લોહીયાના પક્ષ સાથે જોડાઇને બાદમાં લોકદળ બન્યો. કટોકટી વખતે જેલમાં પણ ગયા. ૧૯૮૯માં મુલાયમ સિંહ યાદવ પ્રથમ વખત યુપીના મુખ્યમંત્રી બન્યા. રામ મંદિર ચળવળકારો સાથે ખૂબ સખત હાથે કામ લઇને હિન્દુવાદીઓમાં અળખામણા પણ બન્યા.

૧૯૯૨માં મુલાયમે સમાજવાદી પક્ષની રચના કરી અને પછી પણ બે વખત યુપીના મુખ્યમંત્રી બન્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં મુલાયમે પક્ષની ધુરા ધીમે ધીમે પોતાના પુત્ર અખિલેશને સોંપવા માંડી હતી. અનેક નેતાઓના જીવનમાં બને છે તેમ મુલાયમ સિંહના જીવનમાં પણ કૌટુંબિક વિખવાદના સંજોગો સર્જાયા હતા. મુલાયમ સિંહ યાદવે પત્ની માલતી દેવીની હયાતીમાં જ સાધના ગુપ્તા સાથે બીજા લગ્ન ગુપચુપ કરી લીધા હતા એમ કહેવાય છે.

માલતી દેવીના અવસાન બાદ આ બીજા લગ્નની વાત તેમણે જાહેરમાં સ્વીકારી લીધી. આનાથી કૌટુંબિક વિખવાદ પણ થયો અને માલતી દેવીથી જન્મેલા પુત્ર અખિલેશ સાથે મુલાયમને સંઘર્ષ પણ થયો, પરંતુ બાદમાં સમાધાન થઇ ગયું. હાલમાં થોડા મહિના પહેલા જ સાધનાજીનુ પણ અવસાન થયું. પક્ષના વડા નહીં રહ્યા છતાં પણ મુલાયમ તેમના ચુસ્ત ટેકેદારો અને પ્રશંસકો માટે આદરણીય નેતાજી જ રહ્યા. મુલાયમ સિંહને જેવું માન તેમના ટેકેદારો અને પક્ષના કાર્યકરો આપતા હતા તે ખૂબ ઉમળકાથી આપતા હતા જે અનેક વખત જોઇ શકાતું હતું અને આવું બહુ ઓછા નેતાઓના જીવનમાં બનતું હોય છે.

તેમનું નામ મુલાયમ હતું પણ તેઓ એક તાલીમ બધ્ધ પહેલવાન પણ હતા. જૂની સ્ટાઇલના કુશળ કુસ્તીબાજ તેઓ હતા. જો કે રાજકીય અખાડામાં પ્રવેશ્યા બાદ તેમણે કુસ્તીના અખાડાનો ત્યાગ કર્યો હતો. રાજકીય અખાડામાં તેમણે પોતાની કુશળતાનું અદભૂત પ્રદર્શન કર્યું અને એક કુશળ વ્યુહરચનાકાર તરીકે જાણીતા થયા. બિન સાંપ્રદાયિકતા પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતા અને તેને કારણે તેમણે મંદિર ચળવળ વખતે કારસેવકો સાથે જે સખત હાથે કામ લીધું હતું તે બાબતે તેઓ એક ચોક્કસ વર્ગમાં ખૂબ અળખામણા બન્યા પણ મુલાયમ સિંહ પોતાની વિચારધારામાં મક્કમ રહ્યા.

તેમના સમકાલીન અને સમાન વિચારધારા ધરાવતા લાલુ યાદવ જે અમુક પ્રકારના વિવાદોમાં સંડોવાયા તેવું મુલાયમની બાબતમાં થયું નહીં. તેમનું નામ મુલાયમ હતું પણ તેઓ સમય આવ્યે ઘણા કઠોર થઇ શકતા હતા. જયલલિતા અને લાલુ યાદવની જેમ જ તેઓ એક ચર્ચિત નેતા હતા પણ વિવાદાસ્પદ નહીં. આટલી લાંબી રાજકીય કારકિર્દી અને દેશના રાજકારણમાં બહોળા પ્રદાન સાથે તેઓ એક અમીટ છાપ છોડી ગયા છે. મુલાયમ સિંહના અવસાનથી ફક્ત ઉત્તર પ્રદેશે જ નહીં પણ સમગ્ર દેશે એક દિગ્ગજ સમાજવાદી નેતા ગુમાવ્યો છે એમ કહી શકાય.

Most Popular

To Top