ભરૂચ: (Bharuch) કોરોના મહામારી બાદ હવે બીજી મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) મહામારીએ પણ ભરૂચ જિલ્લામાં દસ્તક દેતા 12 કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓ હાલ વડોદરા સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 6ની સર્જરી થઈ ચૂકી છે. કોરોના બાદ હવે બ્લેક ફંગસ મ્યુકરમાઇકોસીસના (Mucormycosis) કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. બ્લેક ફંગસને કોરોના બાદ બીજી મહામારી જાહેર કર્યા બાદ સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન આ કેસ વધી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ મ્યુકરમાઇકોસીસના હાલ સુધીમાં સત્તાવાર 12 કેસ નોંધાયા છે.
આ તમામ દર્દીઓને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 6 જેટલા વ્યક્તિઓની સર્જરી પણ પૂર્ણ થઇ ચુકી છે. જયારે અન્ય 6 વ્યક્તિઓના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. બ્લેક ફંગસ એ સમગ્ર રાજ્યમાં કોરોના બાદ હવે તેજીથી ફુંફાડા મારી રહ્યો છે. વૈજ્ઞાનિકો પણ તેની દવા શોધી રહ્યા છે. ત્યારે આ રોગને મહામારી જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે આ રોગની સામે પહોંચી વળવા તમામ આગોતરી તૈયારીઓ સાથે સક્ષમ હોવાનું જણાવ્યું છે.
ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરાએ જણાવ્યું હતું કે, બ્લેક ફંગસના જિલ્લાના 12 કેસમાં 6 પોસ્ટ કોવિડ છે. ભરૂચ તાલુકામાં 6, અંકલેશ્વર અને જબુસરમાં 3-3 કેસ સામે આવ્યા છે. આ દર્દીઓમાં 6 ડાયાબિટીસવાળા છે. જિલ્લામાં કેસો વધતા સિવિલ હોસ્પિટલમાં સ્પેશ્યલ મ્યુકરમાઇકોસીસ વોર્ડ કાર્યરત કરવાની તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે.
આ મહામારી નાથવા હાઈજીન ખૂબ જરૂરી, માસ્ક બદલતા રહેવું : ડો.દુષ્યંત વરિયા
બ્લેક ફંગસ અંગે ભરૂચ IMA પ્રમુખ ડો. દુષ્યંત વરિયાએ જણાવ્યું હતું કે, કોરોના બાદ આ મહામારીને નાથવા હાઈજિન ખૂબ જ જરૂરી છે. કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ વચ્ચે કોન્ટેક્ટલેસ પેશન્ટ ટુ પેશન્ટ ટ્રીટમેન્ટ અત્યંત જરૂરી છે. કોરોનાની સારવારમાં આપાતા સ્ટીરોઇડ સાથે ડાયાબિટીસના દર્દીઓને તેનું જોખમ રહેલું છે. સ્વસ્થતા અને હાઇજેનિક વાતાવરણ ખૂબ જ જરૂરી છે. ફૂગ અનહાઇજેનિક વાતાવરણના કારણે ફેલાય છે, જેને અટકાવવા કોવિડ હોસ્પિટલોમાં હાલ સારવાર આપતા સ્ટાફને ડબલ કરવો પડે. સાથે જ દર્દીઓ સાથે તેમના સ્વજનને સાથે રાખવા કે સંપર્કમાં રહેવા દેવા ઉપર રોક લગાવવી પડશે. એક જ માસ્ક વારંવાર પેહરી રાખવું એ પણ મ્યુકરમાઇકોસીસને દસ્તક આપવા સમાન છે જેને ધ્યાને લઇ રોજે રોજ માસ્ક બદલવું જોઈએ.