સુરત: હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય (MoHUA) દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના સહયોગથી ‘ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ’ની શરૂઆત કરવામાં આવી છે. આ ચેલેન્જ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન હેઠળનાં તમામ શહેરો, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાની અને 500,000થી વધુ વસતી ધરાવતાં શહેરોને આ ચેલેન્જમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં ઈટ રાઈટ ઈન્ડિયા ફ્રેમવર્ક એક્ટિવિટી હેઠળ હાથ ધરવામાં આવેલી પાયલોટ પ્રવૃત્તિઓના આધારે 108 શહેર આ ચેલેન્જ માટે નોંધાયાં હતાં અને 36 શહેરે તેમના સ્કોર કાર્ડ અને વિઝન ફોર્મ સબમિટ કર્યાં હતાં.
- સુરતીઓની ખાણી-પીણીને ગુણવત્તાસભર બનાવવા અર્બન ફુડ પોલીસી હેઠળ એમઓયુ
- ઇ-સ્માર્ટ સિટી ચેલેન્જ અંતર્ગત પસંદ થયેલા દેશના 11 શહેરોમાં સુરતનો પણ સમાવેશ : મેયરે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
- ખાણી-પીણીનું સ્ટાન્ડર્ડ જળવાય અને પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પર પણ ભાર મુકાશે
15મી એપ્રિલે યોજાયેલી વર્ચ્યુઅલ ઈવેન્ટમાં જ્યુરી દ્વારા હાલ પ્રથમ તબક્કામાં 11 વિજેતા શહેરોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં સુરત શહેરની પણ આ ચેલેન્જમાં પસંદગી કરવામાં આવી હતી. પસંદગી થયેલા તમામ 11 શહેરોએ ઈન્ટરનેશનલ એગ્રીમેન્ટ મિલાન અર્બન ફુડ પોલીસી પેકટ(MUFPP) ભાગ લીધો છે. જેમાં સુરત શહેર દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. 28 મી એપ્રિલે મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા વર્ચ્યુઅલી જોડાયેલા વિવિધ શહેરોના પ્રતિનિધિઓ સમક્ષ મિલાન અર્બન ફુડ પોલિસી પેકટ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મિલાન અર્બન ફુડ પોલીસી પેકટમાં ભારતનાં 11 ઉપરાંત જુદા જુદા દેશોનાં 9 શહેરોએ ભાગ લીધો છે.
શું છે MUFPP?
MUFPP (મિલાન અર્બન ફુડ પોલિસી પેક્ટ) એ શહેરની ખાદ્ય પ્રણાલીને વિકસાવવા માટે પ્રતિબદ્ધ શહેરો વચ્ચેનો આંતરરાષ્ટ્રીય કરાર છે જે શહેરનાં નાગરિકોને તંદુરસ્ત, સલામત, સ્વાસ્થ્ય માટે સારો અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુથી કામ કરવાનો છે. આ પોલીસીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની ખાદ્ય પ્રણાલી વિકસાવવા ઈચ્છતા શહેરોને સમર્થન આપવાનો છે.
‘ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ’નો ઉદ્દેશ શું છે?
‘ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ’ની શરૂઆત કરવાનો ઉદ્દેશ એ છે કે, તમામ શહેરોને તેમની ખાદ્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવું જોઈએ. ઓફિસો, શાળાઓ અને કોલેજોની કેન્ટીનમાં સારું ભોજન મળે એ જરૂરી છે. દરેક સ્થળોએ ખાસ કરીને ખાણીપીણીની જગ્યાઓ પર ફૂડ સ્ટાન્ડર્ડ જળવાય છે કે કેમ તેની ચકાસણી થવી જોઈએ. ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકાય એ માટે પણ પ્રયત્નો કરવા જોઈએ. આ તમામ પેરામીટર્સ પર ધ્યાન અપાય છે કે કેમ તેની ચકાસણી પણ થવી જોઈએ તેમજ હવે વિવિધ સ્માર્ટ શહેરો વચ્ચે ઈટ રાઈટ ઈન્ડિયા મિશન હેઠળ સ્પર્ધા કરવાનું પણ આયોજન કરાશે, તેમ જાણવામાં આવ્યું છે.