રાજપીપળા: ડેડિયાપાડાથી સાગબારા અને રાજપીપળાના મુખ્ય માર્ગ પર હજુ પણ રાત્રિ દરમિયાન લુંટારુ ગેંગ (Gang) સક્રિય હોવા બાબતના પુરાવારૂપ એક ઘટના ઘટી છે. ગત રોજ ટ્રકચાલકને (Truck driver) લૂંટી ત્રણ વ્યક્તિ ફરાર થઇ જતાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. એ વિસ્તારમાંથી માલ-સામાન ભરીને જતા ટ્રકચાલકોને અથવા 2 વ્યક્તિ હોય એવી જ ગાડીઓને લુંટારુ ગેંગ પોતાનો શિકાર બનાવે છે. લુંટારુઓ માત્ર 200 રૂપિયા માંગીને મોબાઈલ (Mobile) અને પર્સ લઇ ફરાર થઇ ગયા હતા. પણ સવાલ નાની કે મોટી લૂંટનો નથી સવાલ છે લોકોની સુરક્ષાનો.
ખેડા જિલ્લાના ગળતેશ્વર ગામના મુકેશ પરમાર ક્લીનર વિકી મકવાણા સાથે ટ્રક ચલાવી માલ લઇ પરત ખેડા તરફ જતા હતા. દરમિયાન ડેડિયાપાડાના કાલ્બી ગામના ટેકરા પાસે સાંજના પાંચ વાગે ધોળા દિવસે એક અજાણ્યા ઈસમે ભૂરા જેવા રંગનું સ્કૂટર લઇ આવી ટ્રકને ઓવરટેક કરી ટ્રકની આગળ ઊભી રાખી દીધી અને જમીન પરથી પથ્થરો લઈ મારવાની એક્શન કરતાં ટ્રકચાલકે ટ્રક ઊભી રાખી હતી. એટલે બીજા બે પણ ત્યાં દોડી આવ્યા બંને બાજુએથી ટ્રકચાલકને ઘેરી લઈ તેઓ કેબિનમાં ચઢી અપશબ્દો બોલવા લાગ્યા હતા. વધુમાં મારવાની ધમકી આપી 200 રૂપિયાની માંગણી કરી, ટ્રકચાલક મુકેશ પરમારે રૂપિયા આપવા જતાં લુંટારુઓ આખું પર્સ અને મોબાઈલ ચોરી ભાગી ગયા હતા. આ મામલે ડેડિયાપાડા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નિવૃત્ત કર્મચારીના બચત ખાતામાંથી ભેજાબાજે 1.50 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા
ઘેજ : ચીખલીમાં નિવૃત્ત કર્મચારી સાઇબર ક્રાઇમનો ભોગ બનવાના એકાદ વર્ષ પૂર્વેના બનાવમાં પોલીસે અજાણ્યા સામે આઇટી એક્ટની જોગવાઇ તથા છેતરપિંડી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ખાનગી કંપનીમાં રોકાણ માટેની 14079 હોલ્ડ પર રખાયેલી રકમ અનહોલ્ડ કરવા માટે મદદ માંગવા જતા એસબીઆઇના બચત ખાતામાંથી 1.50 લાખ કોઇ ભેજાબાજે ઓનલાઇન ટ્રાન્સફર કરી લેતા છેતરપિંડીનો ભોગ બન્યા છે.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી પ્રતાપસિંહ બળવંતસિંહ જાડેજા ભાવનગર જિલ્લા પંચાયતમાં કારકૂનની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે જૂન 21 દરમ્યાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મારફત અસ્બા દ્વારા 14079 રૂપિયાના રોકાણ માટે ઓનલાઇન અરજી કરતા તત્વ ચિંતન ફાર્મા કંપની દ્વારા જાહેર થયેલા શેરની ફાળવણી થઇ ન હતી. જેથી 14079 રૂપિયા જે તેમના બેંક ખાતામાં હોલ્ડ પર હતા.
તે રકમ બેંક દ્વારા સમયસર ખાતામાં અનહોલ્ડ કરી નહીં આપતા તેમણે ગુગલ ઉપરથી એસબીઆઇ હેલ્પ લાઇનનો નંબર સર્ચ કરી ફોન કરતા રીસીવ કરનારે બેંકના અધિકારી વાત કરશે. તેમ જણાવી બાદમાં અન્ય મોબાઇલ નંબરથી ફોન કરનારે કવીક સપોટ નામની એપ ડાઉનલોડ કરાવી તેમાં નેટ બેન્કીંગમાં લોગીન કરાવડાવી તેમના ભાવનગર ભગવતી સર્કલ સ્થિત એસબીઆઇ બેંકની શાખાના ખાતામાંથી રૂપિયા 1000000ની ઓનલાઇન એફડી હતી તે કોમ્પ્યુટર રીસોર્સના સાધનોનો ઉપયોગ કરી એફડી ઓનલાઇન વિડ્રોલ કરી નાંખી તેમના બચત ખાતામાં તે રકમ જમા થતા તેમાંથી 25000 રૂપિયાના કુલ છ જેટલા ટ્રાન્જેકશનોમાં રૂપિયા 150000 જેટલી રકમ ડેબીટ કરી લેતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઇટી એક્ટની જોગવાઇ તેમજ છેતરપિંડી મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.