નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે વડાપ્રધાન મોદી 8 એપ્રિલે સવારે 11 વાગ્યે સંસદના બંને ગૃહોમાં પાંચથી વધુ સાંસદો ધરાવતા તે તમામ પક્ષોના ટોચના નેતાઓ સાથે વાતચીત કરશે.બેઠક દરમિયાન કોવિડ -19 અને દેશવ્યાપી લૉકડાઉન અંગે ચર્ચા થવાની સંભાવના છે.લોકડાઉન પછી વિપક્ષી નેતાઓ સાથે વડાપ્રધાનની આ પહેલી વાતચીત હશે.
આ બેઠક માટે કૉંગ્રેસના અધિર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ અને ટીએમસી, બસપા, ડીએમકે, બીજેડી, ટીઆરએસ તેમજ અન્ય વિવિધ પક્ષોના નેતાઓને આમંત્રણ અપાયું છે. જો કે, તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમના નેતાઓ ડેરેક ઓ ‘બ્રાયન અને સુદિપ બંદિયોપાધ્યાયની આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના નથી. એનડીએના વિવિધ સહયોગી દળોના ટોચના નેતાઓ પણ આ બેઠકમાં ભાગ લેશે.
તમામ પક્ષોના નેતાઓને કોવિડ -19 સામેની લડત અંગે તેમના મંતવ્યો શેર કરવા અને સૂચનો આપવાની તક આપવામાં આવશે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન કોવિડ -19 ને પગલે દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ નેતાઓ સાથે ચર્ચા કરશે અને તેમનો સહયોગ લેશે તેવી અપેક્ષા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને રાજનાથ સિંહ પણ આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે.