Gujarat

અમદાવાદમાં APMCથી મોટેરા સ્ટેડિયમ અને થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે, મહત્તમ ભાડું 25 રૂપિયા હશે

અમદાવાદ: આગામી નવરાત્રિમાં અમદાવાદીઓ (Ahmadabad) માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન (Metro Train) ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. હવે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહથી અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. આ ટ્રેનનું મહત્તમ ભાડું 25 રૂપિયા રાખવામાં આવ્યું છે. અલગ અલગ સ્ટેશનની ટિકિટ રૂ 5, 10, 15, 20 અને 25 હશે. APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે.

અમદાવાદમાં હાલ ફેઝ-1નું કામ પૂર્ણ થવાના આરે છે તેમજ ઉત્તર અને દક્ષિણ કોરિડોરમાં ટ્રેનનો ટ્રાયલ રન (Trail Run) શરૂ કરી દેવાયો છે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર આવતા સપ્તાહમાં ફાઈનલ ઈન્સ્પેક્શન માટે આવી શકે છે. 20 ઓગસ્ટે CMRSની ટીમ અમદાવાદ આવશે અને સમગ્ર 40 કિમીના રૂટ પર નિરીક્ષણ કરશે. નિરક્ષણ બાદ જ ગુજરાત મેટ્રો રેલ સર્વિસ દ્વારા મેટ્રોની સર્વિસ લોન્ચ માટે જરૂરી પેપરવર્ક કરી સર્વિસની મંજૂરી આપવામાં આવશે. લગભગ મંજૂરી માટે 15થી 20 દિવસ સુધીનો સમય લાગશે અને ત્યાર બાદ જ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સર્વિસ શરૂ કરવામાં આવશે.

કેટલું હશે મેટ્રોનું ભાડું
અમદાવાદ મેટ્રો ટ્રેનનું ભાડું મહત્તમ 25 રૂપિયા સુધી રાખવામાં આવ્યું છે. અલગ અલગ સ્ટેશન પ્રમાણે અલગ અલગ ભાડું રાખવામાં આવ્યું છે. જેમાં ટિકિટ ભાડું 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીનું રાખવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેન અન્ડરગ્રાઉન્ડ પણ દોડશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલ જો આપણે કાકરિયા જવું હોય તો 30 મિનિટનો લાંબો રૂટ લઈ જવું પડે છે. પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે. તમને જણાવી દઈએ કે ટ્રેનના પાટાથી લઇ ટનલની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વસ્ત્રાલ ગામથી થલકેજ ગામ સુધીના રૂટમાં કુલ ચાર સ્ટેશન અંડરગ્રાઉન્ડ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. આમ તો રૂટ 21.16 કિમીનો છે જેમાંથી 6.35 કિમી સુધી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડવાવામાં આવશે. જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે.

ગુજરાત મેટ્રો રેલ સર્વિસના મેનેજિંગ ડાયરેક્ટર એસ.એસ. રાઠોડના જણાવ્યું અનુસાર મેટ્રો ટ્રેનનું કામ ચોમાસાને કારણે થોડું મોડું થયું છે. ટ્રેનની સર્વિસ ચાલુ થાય એ પહેલાં જ દરેક ટ્રેનનો 320 કિમીનો ટ્રાયલ રન લેવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ આમ તો 2021માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ હતો, પરંતુ કોરોના સંક્રમણનું લોકડાઉન જેવી બાબતોને કારણે તેને શરૂ કરતા મોડું થયું હતું. આ પ્રોજેક્ટમાં અત્યારસુધીમાં 12 હજાર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top