SURAT

સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે

સુરત: સુરત (Surat) માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream project) એવા મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટની કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને મેટ્રો રેલની કામગીરી માટે આનુસાંગિક જમીનો મનપા પાસેથી મેળવવા ધડાધડ ઠરાવો થઇ રહ્યા છે.

અગાઉ અલથાણમાં મેટ્રો રેલના વહીવટી ભવન (Metro bhavan) માટે અલથાણ કેનાલ નજીક મનપા દ્વારા નિયમ મુજબ કિંમત વસૂલીને જમીન ફાળવવા અને રાંદેર ઝોનમાં વર્કશોપ (work shop) અને ડેપો (Depo) માટે પણ એ જ રીતે જમીન ફાળવવાના ઠરાવ થયા બાદ હવે પાલનપુર-ભેંસાણ અને ભીમરાડમાં કાસ્ટિંગ યાર્ડના હંગામી ઉપયોગ માટે જરૂરી જમીનની ફાળવણી ભાડું વસૂલીને કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી હતી. જો કે, ટોકન દરને બદલે સ્થાયી સમિતિએ જંત્રીનો જે ભાવ ચાલતો હોય તેના પાંચ ટકા મુજબનો ભાડાનો દર નક્કી કરી 40 માસ માટે જમીન ફાળવવા નિર્ણય લીધો છે.

આશરે 12000 કરોડના આ આ મેગા પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં મેટ્રો રેલ કોરિડોર-1 સરથાણાથી ડ્રીમ સિટી અને કોરિડોર-2 ભેંસાણથી સારોલીના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ ફેઇઝનું કામ ત્રણ ભાગમાં શરૂ થઇ ગયું છે. જ્યારે બીજા કોરિડોર માટે પણ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ત્યાર બંને કોરિડોર માટે સિમેન્ટ અને લોખંડના ગર્ડર અને અન્ય જરૂરી ભાગોનું નિર્માણ એક જ જગ્યાએથી થઇ શકે એ માટે કાસ્ટિંગ યાર્ડ બનાવવું જરૂરી હોવાથી મેટ્રો રેલ કોર્પોરેશનને ત્રણથી સાડા ત્રણ હેક્ટર જેટલી જગ્યાની હંગામી ધોરણે જરૂર છે. તેથી સુરત મનપામાં સમાવિષ્ટ ટી.પી. સ્કીમ નં.9 પાલનપુર-ભેંસાણના ફાઇનલ પ્લોટ નં. 155,156માં કુલ 26508 ચોરસ મીટર જમીન અને ટી.પી. સ્કીમ નં.42 (ભીમરાડ), ફાઇનલ પ્લોટ નં.68,69માં 33744 ચોરસ મીટર જગ્યા કાસ્ટિંગ યાર્ડના ઉપયોગ માટે હંગામી ધોરણે યોગ્ય ભાડાથી માંગી છે.

જે બાબતે સ્થાયી સમિતિની મીટિંગમાં શાસકો જંત્રીના ભાવને માપદંડ બનાવી તેના પાંચ ટકા લેખે થતી રકમ એક માસનું ભાડું નક્કી કરી જમીન ફાળવવાનો નિર્ણય લેતાં હવે મનપાને આ બંને જગ્યાનું 40 માસનું ભાડું 10 કરોડ જેટલું મળશે.

Most Popular

To Top