Charchapatra

કાવડીયાઓને બોધપાઠ

સનાતનમાં આસ્થા સાથે ઉત્તરભારતમાં કાવડયાત્રા વર્ષોથી યોજાય છે. આ કાવડયાત્રા વર્તમાનમાં ચાલી રહી છે. હમણાંથી કાવડયાત્રામાં અનેક વિવાદો ચાલી રહ્યા છે. કાવડીયાઓ પાછલાં દિવસોથી ભારી ઘમાસાણ મચાવી રહ્યાં છે. તેમાં આમ જનતા પીડિત થઈ છેં. કાવડીયા નજીવા કારણોસર મહિલાઓ બાળકો, વાહનો, દુકાનોમાં તોડ-ફોડ મચાવી રહ્યા છે, તે યોગ્ય ખરૂ? જ્યારે સનાતન પ્રેમ કરૂણા અને સહનશીલતા શીખવે છે. કાવડયાત્રાનો સંત શ્રી એકનાથજીનો પ્રસંગ અચૂક સાંભરે છે તેઓ પણ કાવડમાં ગંગાજળ લઈ રહ્યાં હતાં રસ્તામાં એક ગધેડાને તરસે મરતાં જોતાં જ તેઓએ કાવડનું ગંગાજળ તેને પીવડાવી દઈ તેના પ્રાણની રક્ષા કરી હતી કહે છે તે સમયે તેઓની પણ ઘણી ટીકા થઈ પણ તેમને જે યોગ્ય લાગ્યુ તે કર્યું આ પ્રસંગ કાવડયાત્રા કરનારાને ઘણું શીખવી જાય છે. વર્તમાન ઘમાસણ કાવડયાત્રા કરનારા કાવડીયા કશો બોધપાઠ લેશે ખરાં?
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દરેકને સતાવતી ચિંતા – વ્યસન
શાળા, હાઈસ્કૂલ કે કોલેજમાં ભણતો વિદ્યાર્થી ક્યારે વ્યસની બની જાય છે તે ખબર જ પડતી નથી. આજકાલના ટીનેજર્સને સ્કૂલની નજીકથી જ પડીકીઓ, પાન-મસાલા ગુટખા અને અન્ય નશાકારક ચીજ વસ્તુઓ સહેલાઈથી ઉપલબ્ધ થતી હોય છે. ફિલ્મો જોઈને પણ વિદ્યાર્થીઓ આ વ્યસનની લતમાં પડી જાય છે. નાની વયે વ્યસનમાં લપેટાયેલ બાળકો પર એની ગંભીર અસરો જોવા મળે છે. વળી વ્યસન જો ન મળે તો તેઓ બેબાકળા બની જાય છે અને સારા નરસાની પરખ કરવામાં પણ તેઓ અસમર્થ બને છે. અંત ગંભીર બિમારીથી આવે છે. દસ ડગલા ચાલો ને ગેરકાયદે ચાલતો પાનનો ગલ્લો મળી જાય એ બતાવે છે કે વ્યસનનું બજાર કેટલુ મોટુ છે. વ્યસન એક એવી વસ્તુ છે કે જે શારીરિક, માનસિક, અને આર્થિક નુકસાન પહોંચાડે છે. બરબાદ કરી નાંખે છે. સરકાર સમાજ અને સૌથી પહેલાં માતાપિતાએ આ બાબતે જાગૃત બનવું પડશે.
અડાજણ, સુરત- શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top